ઇબ્ન રુશ્દ (જ. 1126,  કુર્તબા; અ. 1198) : મહાન આરબ ચિંતક. નામ મુહમ્મદ, પિતાનું નામ અહમદ. ઇબ્ન રુશ્દ કુન્યહ. તે પ્રથમ સ્પેનમાં સેવિલ પ્રાંતના ન્યાયાધીશ અને પછી મોરોક્કોના રાજા યૂસુફના રાજવૈદ્ય તરીકે નિમાયેલો. તેણે યુરોપની વિચારધારા ઉપર ઊંડી છાપ પાડી છે. તેણે પોતાની ખ્યાતનામ કૃતિ ‘તહાફુતુત્તહાફુત’ની રચના ઇમામ ગઝાલીના ગ્રંથ ‘તહાફુતુલફલાસિફ-હના પ્રત્યુત્તરમાં કરી છે. બુદ્ધિપ્રમાણવાદી (rationalist) ઇબ્ન રુશ્દ ઍરિસ્ટોટલનો ટીકાકાર હતો. તેની વિવેચનકૃતિઓ ‘મમિઅ’, ‘તખ્લીસ’ અને ‘તફસીર’ છે.

સૃષ્ટિના સર્જન વિશેના એના વિચારો ઉત્ક્રાંતિવાદી હતા. વિશ્વના સર્જનને તે સનાતન માનતો. વૈદકશાસ્ત્ર પર ‘અલન્કુલ્લીય્યાત ફિ તિબ્બ’ નામની એની કૃતિ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ