ઇબ્ન તૈમિય્યા (જ. 1263, હરૉન; અ. 1328, દમાસ્કસ) : ઇસ્લામ ધર્મના સુન્ની હંબલી પંથના વિદ્વાન. મૂળ નામ તકીઉદ્દીન અહમદ. પિતાનું નામ અબ્દુલ હલીમ. માગોલોના આગમન પહેલાં 1269માં ગામ છોડી દમાસ્કસ જવું પડ્યું. ત્યાં સુક્રિયા મદરેસામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ 1284થી શિક્ષણકાર્ય શરૂ કર્યું. હજયાત્રા કર્યા પછી તે કૅરોમાં રહ્યા અને જીવનનાં અંતિમ 15 વર્ષ દમાસ્કસમાં ગાળ્યાં. તે પ્રોફેસરની પદવી પણ પામ્યા અને તેમના પ્રશંસકોએ તેમને ‘મુજતહિદ’ ગણ્યા.

શુદ્ધ ઇસ્લામમાં અડગ શ્રદ્ધા હોવાથી ચીલાચાલુ રીતરિવાજો તથા ક્રિયાકાંડો(બિદ્અતો)નો પૂરેપૂરો વિરોધ કર્યો. નશાખોર તથા ચરસના બંધાણી લોકો તેમજ ઇબ્નુલ અરબીના ઇત્તિહાદિયા ટેકેદારો, કસબાના રવાફિઝીઓ, દમાસ્કસના અહમદિયા રિફાઈઓ, શાફેઇ તથા અશ્અરી પંથીઓ અને સૂફીઓ ઇત્યાદિની આકરી ટીકા કરી. તેને પરિણામે જેલવાસ પણ વેઠ્યો. તેમની વિચારસરણી સામે ભારે વિરોધ હોવા છતાં, તેમના જીવનકાળ દરમિયાન જનસમુદાય પર તેમનો નિશ્ચિત પ્રભાવ હતો અને આજે પણ તે વર્તાય છે. મુહમ્મદ ઇબ્ન અબ્દુલ વહ્હાબે (અ. 1792) તેમની જ વિચારધારા અપનાવીને ‘વહાબી પંથ’ની શરૂઆત કરી હતી.

તેમની સંખ્યાબંધ કૃતિઓમાં સંપાદિત સંગ્રહો વિશેષ છે. તેમાં ‘મજમૂઆત અલ્ રસાઇલ અલ્ કુબરા’, ‘મજમૂઆત અલ્ રસાઇલ વલ-મસાઇલ’ તથા ‘મજમૂઆત ફતાવા શેખ અલ-ઇસ્લામ અહમદ ઇબ્ન તૈમિય્યા’ વિશેષ ઉલ્લેખનીય છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ