ઇફેડ્રા : વનસ્પતિઓના અનાવૃત્ત બીજધારી વિભાગમાં આવેલા ઇફેડ્રેસી કુળની એક પ્રજાતિ. તે નીચી, બહુશાખિત, ટટ્ટાર, ભૂસર્પી (procumbent) કે કેટલીક વાર આરોહી ક્ષુપ જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ પ્રદેશોના શુષ્ક વિભાગોમાં થયેલું છે. તેની કેટલીક જાતિઓ ઇફેડ્રીન નામનું આલ્કેલૉઇડ ધરાવે છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે.
Ephedra gerardiana Wall. syn. E. vulgaris Hook. f. (હિં. ચેડા; ગુ., સં. સોમ, હોમ; પં. આસ્માનિયા, બુડાગુર, ચેવા, બુત્શુબ્ર; અં. એન્સોનિયા) નાની, લગભગ ટટ્ટાર, 60થી 90 સેમી. ઊંચી ક્ષુપજાતિ છે. તે કાશ્મીરથી સિક્કિમ સુધી 2,100 મી.થી 4,800 મી. સુધીની ઊંચાઈએ સમશીતોષ્ણ અને ઉચ્ચ પર્વતીય (alpine) હિમાલયના શુષ્ક પ્રદેશોમાં મળી આવે છે. તે પાંગી (ચંબા), લાહુલ અને સ્પીતી (કુલુ), કાનવારની ચીની અને કિલ્બા કૈલાસની ગિરિમાળા, સિમલાની ઉત્તરે શાલી ટેકરીઓ અને લડાખમાં પણ થાય છે. તે સૌરાષ્ટ્રમાં બેટ દ્વારકાથી હનુમાન દાંડીના રસ્તે અને દ્વારકા સ્ટેશનથી પાછળ થોરની વાડો ઉપર હરસિદ્ધ માતાના તથા બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા વિસ્તારમાં અને રાજસ્થાનના વેરાન પ્રદેશોમાં જોવા મળે છે. કાશ્મીરમાં દત્તામૂલ પાસે મળતા છોડમાં આલ્કેલૉઇડ પુષ્કળ પ્રમાણમાં હોય છે. var. saxatilis Stapf. વધારે ઊંચી અને આરોહી હોય છે. તે ગરેવાલ અને કુમાવોનમાં થાય છે. var. sikkimensis ટટ્ટાર, મજબૂત છતાં મૃદુ હોય છે અને સિક્કિમમાં થાય છે.
તે ઘેરી લીલી, નળાકાર, રેખિત (striated), ઘણી વાર વાંકી અને ભ્રમિલ (whorl) રૂપે ઉત્પન્ન થતી શાખાઓ ધરાવે છે. ઉપશાખાઓની આંતરગાંઠની લંબાઈ 1 સેમી.થી 4 સેમી. અને તેમનો વ્યાસ 1 મિમી.થી 2 મિમી. જેટલો હોય છે. પર્ણો અત્યંત નાનાં હોય છે. પુંશંકુ અને માદા શંકુઓ જુદી જુદી શાખાઓ ઉપર ઉદભવે છે. અંડાકાર માદા શંકુ પરિપક્વ થતાં લાલ, મીઠો અને ખાદ્ય બને છે અને રસાળ નિપત્રો (bracts) વડે આવરિત 1 કે 2 બીજ ધરાવે છે. ગાંઠામૂળીને ફૂટબૉલ જેવડી ગાંઠો હોય છે અને તિબેટના લોકો તેનો બળતણ તરીકે ઉપયોગ કરે છે.
વેદમાં ઉલ્લેખ કરાયેલ હોમ કે સોમ વનસ્પતિ આ જ છે તેવી કેટલાક વિદ્વાનોની માન્યતા છે; પરંતુ તેને માટે પૂરતાં પ્રમાણ નથી. કેટલાક Sarcostemma (સોમવલ્લી સોમલતા) સોમ માને છે.
E. intermedia Schrenk & Mey પુષ્કળ પ્રમાણમાં બહુશાખિત, ટટ્ટાર કે ભૂપ્રસારી ક્ષુપજાતિ છે અને પાંગી, કાનવાર, કાશ્મીર, કુલુ અને જોન્સરમાં થાય છે. તેની ચાર જાતો પૈકી var. tibetica ભારતમાં થાય છે. E. pachyclada Boiss. ચિત્રલ, બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થાય છે. ઇફેડ્રાની કેટલીક જાતો (દા. ત., E. sinica Stapf.) ચીનમાં ઉગાડવામાં આવતી અને છેલ્લાં 5,000 વર્ષથી ‘માહુઆંગ’ નામથી તે ઔષધ તરીકે વપરાશમાં છે.
E. major Host syn. E. nebrodensis Tineo ટટ્ટાર, ભાગ્યે જ આરોહી, પુષ્કળ પ્રમાણમાં શાખિત ક્ષુપજાતિ છે. તેની var. procera (Fisch. & Mey) Aschers. & Graebn. લાહુલમાં થાય છે અને તેની શાખાઓ E. gerardiana સાથે સામ્ય દર્શાવે છે. E. foliata Boiss & Kotschy ઊંચી આરોહી ક્ષુપજાતિ છે અને ખાદ્ય માદા શંકુ ધરાવે છે. તે દક્ષિણ પંજાબનાં મેદાનો અને રાજસ્થાનમાં થાય છે. આ જાતિની ચાર પેટા જાતો પૈકી var. ciliata (Mey.) Stapf. ભારતમાં થાય છે. આ જાત પૂરતા પ્રમાણમાં આલ્કેલૉઇડ દ્રવ્ય ધરાવતી નથી.
ઇફેડ્રાની ઔષધ-જાતિઓનું અમેરિકા, ઇંગ્લૅન્ડ, કેન્યા અને ઑસ્ટ્રેલિયામાં સફળતાપૂર્વક વાવેતર થાય છે. તે ઉત્તર ભારતમાં 2,400 મી. કે તેથી વધારે ઊંચાઈએ 50 સેમી.થી વધારે વાર્ષિક વરસાદ ન પડતો હોય ત્યાં ઉગાડી શકાય છે. કુલુની ખીણમાં E. gerardiana અને E. major ઉછેરવામાં આવે છે.
તેનું પ્રસર્જન બીજ કે પ્રવૃત(rootstock)ના ટુકડાઓ દ્વારા કરવામાં આવે છે. બીજ વસંત ઋતુની શરૂઆતમાં 5 સેમી. અંતરે અને 0.5 સેમી. ઊંડે ઉગાડવામાં આવે છે. પાસપાસેની હરોળ વચ્ચે 75 સેમી. અંતર રાખવામાં આવે છે. છોડ એક વર્ષનો થતાં અપતૃણોનો નાશ કરવામાં આવે છે. ઇફેડ્રા સહિષ્ણુ પ્રજાતિ છે અને અત્યંત મરૂદભિદ સ્થિતિમાં પણ સંતોષજનક વૃદ્ધિ કરે છે.
છોડની ઉંમર વધતાં તેમાં આલ્કેલૉઇડ દ્રવ્યમાં વધારો થાય છે. છોડ ચાર વર્ષનો બને ત્યારે શાખાઓના એકત્રીકરણનો સર્વશ્રેષ્ઠ સમય ગણાય છે. વર્ષા ઋતુ દરમિયાન આલ્કેલૉઇડ દ્રવ્યમાં ઘટાડો થાય છે. ઑગસ્ટ પછી તેના આલ્કેલૉઇડ દ્રવ્યમાં ક્રમશ: વધારો થાય છે; ઑક્ટોબર-નવેમ્બરમાં તેનું મૂલ્ય મહત્તમ હોય છે. તેની શાખાઓની લણણી છેલ્લા વરસાદ પછી અને શિયાળાની શરૂઆત પહેલાં કરવામાં આવે છે. તેની લીલી શાખાઓમાં કાષ્ઠીય શાખાઓ કરતાં આલ્કેલૉઇડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેનાં અનષ્ઠિલ ફળ અને મૂળમાં ભાગ્યે જ આલ્કેલૉઇડ હોય છે. લીલી શાખાઓ સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. કૃત્રિમ રીતે ઊંચું તાપમાન આપવાનું ટાળવામાં આવે છે; કેમ કે, તેથી આલ્કેલૉઇડ દ્રવ્યમાં ઘટાડો થાય છે. શુષ્ક, બંધ અને પ્રકાશરહિત જગાઓમાં વાયુ શુષ્ક ઔષધનો સંગ્રહ કરવામાં આવતાં લાંબા સમય સુધી તેની સક્રિયતા જળવાય છે. સારણી-1માં ભારતનાં જુદાં જુદાં સ્થળોએથી એકત્રિત કરાયેલ શાખાઓમાં આલ્કેલૉઇડ દ્રવ્યનું કેટલું પ્રમાણ હોય છે તે દર્શાવવામાં આવેલ છે.
સારણી 1 : ભારતીય ઇફેડ્રાની જાતિઓમાં આલ્કેલૉઇડ દ્રવ્યનું પ્રમાણ
સ્થળ | ઊંચાઈ મી.માં | જાતિ | એકત્રીકરણનો માસ | કુલ આલ્કેલૉઇડ % | ઇફેડ્રીન % |
સ્પીતી (કાંગરા) | 2,400થી 2,700 | E. intermedia | જૂન | 1.20 | 0.05 |
પાંગી (ચંબા) | 2,550 | E. intermedia | જુલાઈ | 1.62 | 0.07 |
ચીની ગિરિમાળા (બશાહ્ર) | – | E. intermedia | મે | 2.33 | 0.38 |
ગીલગીટ (કાશ્મીર) | 1,467 | E. intermedia | જુલાઈ | 0.67 | – |
નીઆબટ એસ્ટોર (કાશ્મીર) | 2,350 | E. intermedia | જુલાઈ | 0.75 | 0.08 |
કારગીલ (કાશ્મીર) | 2,649 | E. intermedia | જુલાઈ | 1.17 | 0.05 |
દત્તમૂલ (કાશ્મીર) | 1,410 | E. gerardiana | ઑગસ્ટ | 1.22 | 0.68 |
ચક્રાતા | 2,065 | E. gerardiana | ઑગસ્ટ | 0.28 | 0.14 |
કારદુંગ (લાહુલ) | 3,000 | E. major | જુલાઈ | 2.56 | 1.63 |
કારદુંગ (લાહુલ) | – | E. major | ઑક્ટોબર-નવેમ્બર | 2.79 | 1.93 |
ભારતની જાતિઓમાં E. major ઇફેડ્રીનનો મુખ્ય સ્રોત છે. લાહુલમાંથી એકત્રિત કરેલા ઇફેડ્રાના છોડ 2.5 % કુલ આલ્કેલૉઇડ ધરાવે છે અને તેમાં લગભગ 3/4 ભાગનું ઇફેડ્રીન હોય છે. E. intermediaની લીલી શાખાઓનું આલ્કેલૉઇડ દ્રવ્ય 0.7 %થી 2.33 % જેટલું હોય છે અને તે 1/10 જેટલો ભાગ ઇફેડ્રીન હોય છે, જ્યારે બાકીનું સ્યુડો-ઇફેડ્રીન હોય છે.
ઇફેડ્રા ઔષધવિજ્ઞાનમાં ઉપયોગી ઇફેડ્રીનનો સ્રોત છે. તેના 5 ઘન સેમી. નિષ્કર્ષમાં રહેલ કુલ આલ્કેલૉઇડ એકલું કે અસ્થમા-મિશ્રણો સાથે સંયોજિત સ્વરૂપે દમના પ્રાવેગ(asthmatic paroxym)ના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે. ન્યુમોનિયા અને ડિફ્થેરિયા જેવા રોગો દરમિયાન હૃદયની વિષાળુ સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ઇફેડ્રાનો (tincture) મહત્વના હૃદ્-ઉત્તેજક તરીકે ઉપયોગ થાય છે. પ્રકાંડ અને મૂળનો કાઢો સંધિવા અને ઉપદંશ(syphilis)માં વપરાય છે. શ્વસનમાર્ગમાં થયેલી અસરો ઉપર ફળનો રસ આપવામાં આવે છે. ઇફેડ્રીન શ્વસનિકા-વિસ્ફારક (bronchodilator) હોવાથી દમમાં ઉપયોગી છે. તેનો શીળસ, પરાગજ્વર (hay fever) અને પ્રત્યર્જક શરદી(allergic rhinitis)માં ઉપયોગ થાય છે.
ઇફેડ્રીન અને સ્યુડો-ઇફેડ્રીનને લીધે ઇફેડ્રાની ચિકિત્સીય સક્રિયતા જોવા મળે છે. ઇફેડ્રીન (C10H15NO) અને સ્યુડો-ઇફેડ્રીનનાં બંધારણીય સૂત્ર નીચે મુજબ છે :
ઇફેડ્રીન સ્ફટિકમય આલ્કેલૉઇડ છે (ગ.બિં. 40o સે., ઉ. બિં. 225o સે.). તે પાણીમાં દ્રાવ્ય હોય છે અને 25 % હાઇડ્રૉક્લોરિક ઍસિડ સાથે ઉકાળતાં તે સ્યુડો-ઇફેડ્રીન[d-Ψ-ઇફેડ્રીન, C10H15NO; ગ.બિં. 118o સે.થી 119o સે.]માં રૂપાંતર પામે છે. સ્યુડો-ઇફેડ્રીનનું વ્યાપારિક ર્દષ્ટિએ ઉપયોગી -ઇફેડ્રીનમાં રૂપાંતર જોકે સહેલાઈથી થતું નથી. ઇફેડ્રીનના અપચયન (reduction) દ્વારા ચિકિત્સા માટે ઉપયોગી ડીઑક્સિ ઇફેડ્રીન (મેથેડ્રીન) ઉત્પન્ન થાય છે. ઇફેડ્રીનનું સંશ્લેષણ પણ થઈ શકે છે. સંશ્લેષિત નીપજ (d– ઇફેડ્રીન, ગ.બિં. 76o સે.) બજારમાં રેસીફેડ્રીન તરીકે જાણીતી છે.
ઇફેડ્રીનની ઔષધવિદ્યાકીય સક્રિયતા એડ્રિનાલિન સાથે સામ્ય દર્શાવે છે. તેની દાબવર્ધક (pressor) અને વાહિકા-સંકોચક (vaso-constrictor) અસર એડ્રિનાલિન કરતાં ધીમી અને ઓછી છતાં વધારે દીર્ઘસ્થાયી હોય છે. તે મોં દ્વારા આપી શકાય છે, જ્યારે એડ્રિનાલિન ઇંજેક્શન દ્વારા આપવામાં આવે છે. તે શ્વસનકેન્દ્રને ઉત્તેજિત કરે છે, હૃદયને બળવત્તર બનાવે છે અને શ્વસની(bronchi)ને પહોળી કરે છે, તેથી શ્વસનિકા-દમ(bronchial asthma)માં તે ઉપયોગી થાય છે. તે ગર્ભાશયનું સંકોચન અને કીકીનું વિસ્ફારણ કરે છે. તેની મધ્યસ્થ ચેતાતંત્રની ઉત્તેજનાને કારણે તે બલ્યક (analeptic) સક્રિયતા ધરાવે છે, જેથી તેનો ખિન્નતા (depression) અને નિદ્રારોગ(narcolepsy)ની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. જોકે આ ઉપયોગ માટે તેનાં વ્યુત્પન્નો – ડીઑક્સિ ઇફેડ્રીન અને dl-ડીઑક્સિ નૉરઇફેડ્રીન (એમ્ફેટેમાઇન) વધારે લાભદાયી છે. તેનો સામયિક (topical) ઉપયોગ કરવાથી અતિરક્તતા-(hyperaemia)માં નાસિકા શ્લેષ્મપટલશોથ સિવાય ઘટાડો થાય છે. તે વાહિકાપ્રેરક નાસાશોથ (vasomotor rhinitis), પ્રતિશ્યાય (coryza), શ્લેષ્મી પટલોની રક્તસંકુલતા (congestion), તીવ્ર વાયુવિવરીય શોથ (acute sinusitis) અને પરાગજ્વરમાં ઉપયોગી છે. ઇફેડ્રીન થોડાક પ્રમાણમાં સ્થાનિક નિશ્ચેતક (anaesthetic) અસર દાખવે છે. આ ગુણધર્મ સિન્નેમિલ ઇફેડ્રીનનાં -, d- અને d– સ્વરૂપોમાં વધારે પ્રમાણમાં વિકસિત હોવાનું મનાય છે.
ઇફેડ્રીન હાઇડ્રૉક્લોરાઇડ કે સલ્ફેટના સ્વરૂપમાં આપવામાં આવે છે. આ ક્ષારો દ્રાવણ, જેલી, શરબત કે ગોળીના સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.
d-સ્યુડો-ઇફેડ્રીન ગુણાત્મક રીતે ઇફેડ્રીન સાથે સામ્ય દર્શાવે છે; છતાં રક્તદાબ, શ્વસનનલિકાઓ અને ઉચ્ચ કેન્દ્રો ઉપર તેની અસર ઓછી હોય છે. મૂત્રપિંડમાં રહેલી રુધિરવાહિનીઓના વિસ્ફારણ અને મૂત્રપિંડના કદના વધારા ઉપર બંને આલ્કેલૉઇડોની અસર થાય છે; છતાં ઇફેડ્રીનની પ્રારંભિક સંકોચક અસર સ્યુડો-ઇફેડ્રીન દ્વારા જોવા મળતી નથી. સ્યુડો-ઇફેડ્રીનની મૂત્રલ (diuretic) અસર વધારે હોય છે. d-સ્યુડો-ઇફેડ્રીન ઇફેડ્રીન કરતાં વધારે સસ્તું અને ઓછું વિષાક્ત (toxic) હોય છે અને દમમાં તે સારાં પરિણામો આપે છે. તેની ગર્ભાશય ઉપર કોઈ અસર જોવા મળતી નથી.
ઇફેડ્રીન વધારે પડતી માત્રામાં આપવાથી ચિંતા, અનિદ્રા (insomnia), માથાનો દુખાવો, ચક્કર (vertigo), હૃદયનો થડકાટ (palpitation), પ્રસ્વેદન (sweating), વમનેચ્છા (nausea) અને ઊલટી, કેટલીક વાર હૃદયની આસપાસની છાતીનો દુખાવો અને ત્વચાશોથ (dermatitis) થાય છે.
ઇફેડ્રાની વિવિધ જાતિઓની ઓળખ, તેમનામાં રહેલા આલ્કેલૉઇડ-દ્રવ્યમાં વૈવિધ્ય અને અપમિશ્રણ(adulteration)ની મુશ્કેલીઓને કારણે વનસંશોધન-સંસ્થા, (Forest Research Institute), દહેરાદૂન દ્વારા ઇફેડ્રા-નિષ્કર્ષના નિર્માણ અને વિપણન(marketing)ની ભલામણ કરવામાં આવી છે. આ પ્રમાણિત નિષ્કર્ષમાં 18 %થી 20 % જેટલું કુલ આલ્કેલૉઇડ દ્રવ્ય હોય છે, જે અશુદ્ધ ઔષધના વજનના લગભગ 5 % જેટલું થવા જાય છે. નિષ્કર્ષણ દરમિયાન લગભગ 7.0 %થી 8.0 % જેટલા આલ્કેલૉઇડ દ્રવ્યનો ઘટાડો થાય છે. આ નિષ્કર્ષણમાં કોઈ જટિલ ઉપકરણોની જરૂરિયાત હોતી નથી અને જ્યાં ઇફેડ્રા થાય છે તેવાં સ્થળોએ સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય છે, જેથી વહન અને નિષ્કર્ષણનો ખર્ચ લઘુતમ કરી શકાય છે. શુષ્ક નિષ્કર્ષનો ઉપયોગ શુદ્ધ ઇફેડ્રીન મેળવવામાં થાય છે.
ગોરધનભાઈ છનાભાઈ ભાવસાર
પ્રવીણસાગર સત્યપંથી
બળદેવભાઈ પટેલ