ઇફલા (IFLA – International Federation of Library Associations and Institutions) : ઇફલા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે ગ્રંથાલય અને માહિતીસેવાઓ તેમજ તેના ઉપયોગકર્તાઓની રસ-રુચિનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રંથાલય અને માહિતીના વ્યવસાયનો  આ એક વૈશ્વિક અવાજ છે. 1927માં એડિનબર્ગમાં ઇફલાની સ્થાપના થઈ હતી. આ એક સ્વતંત્ર, નફા વિના ચાલતી બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. 1971માં નેધરલૅન્ડમાં ઇફલાની નોંધણી થઈ હતી. તેની મુખ્ય કચેરી નેધરલૅન્ડની ધ રૉયલ લાઇબ્રેરી, ધ નૅશનલ લાઇબ્રેરી ઑવ્ નેધરલૅન્ડમાં – હેગમાં આવેલી છે. સમગ્ર વિશ્વના 150 દેશોના 1500 જેટલા તેના સભ્યો છે.

આ સંસ્થાના મુખ્ય હેતુઓ – ગ્રંથાલય અને માહિતીસેવાની વ્યવસ્થા અને પ્રસારણનાં ઉચ્ચધોરણોને ઉત્તેજન આપવું, ગ્રંથાલય અને માહિતીસેવાઓનાં ઉત્તમ મૂલ્યોને પ્રોત્સાહન આપીને વ્યાપક સ્તરે તે અંગેની સમજ કેળવવી તેમજ સમગ્ર વિશ્વના સભ્યોની રસ-રુચિનું પ્રતિનિધિત્વ કરવું વગેરે છે. આ હેતુઓ સાથે ઇફલા યુનિવર્સલ ડેકલેરેશન ઑવ્ હ્યુમન રાઇટ્સના આર્ટિકલ 19માં દર્શાવેલાં માહિતી, વિચાર અને કાલ્પનિક કૃતિઓ પ્રાપ્ત કરવાનું સ્વાતંત્ર્ય તેમજ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જેવા સિદ્ધાંતોને સમર્થન આપે છે. પ્રજા, વિવિધ સમાજ અને સંસ્થાઓના સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, લોકનિયંત્રિત અને આર્થિક હિત માટે તેમને વૈશ્વિક સ્તરે સમાનતાથી માહિતી, વિચારો અને કાલ્પનિક કૃતિઓ પ્રાપ્ત થવાં જોઈએ. એ ઉચ્ચકક્ષાની ગુણવત્તા ધરાવતી ગ્રંથાલય અને માહિતીસેવાઓ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. ઇફલા કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ – નાગરિકતા, જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, રાજકીય વિચારસરણી, ભૌગોલિક સ્થાન – વિના દરેક સભ્યોને તેની પ્રવત્તિનો લાભ આપે છે.

ઇફલામાં બે પ્રકારના સભ્યો છે એક ઍસોસિયેશન સભ્ય જેમાં ગ્રંથાલય અને માહિતી-વ્યાવસાયિકોના ઍસોસિયેશન્સ, ગ્રંથાલય અને માહિતીસેવાઓના ઍસોસિયેશન્સ અને તેની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓનાં ઍસોસિયેશન – જે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં વિશાળ ક્ષેત્રો સાથે સંકળાયેલાં હોય એ બધાં જ ઍસોસિયેશનના સભ્યો થઈ શકે છે. બીજું, સંસ્થાકીય સભ્યપદ જેમાં ગ્રંથાલય અને માહિતીસેવાઓની બધા જ પ્રકારની સ્વતંત્ર સંસ્થાઓ સભ્યપદ મેળવી શકે છે. આ ક્ષેત્રમાં રસ-રુચિ ધરાવતાં ઇન્ટરનેશનલ ઍસોસિયેશન્સ પણ એમાં ઇન્ટરનેશનલ ઍસોસિયેશન સભ્ય તરીકે જોડાઈ શકે છે. નૅશનલ ઍસોસિયેશન્સના સભ્યો, ઇન્ટરનેશનલ ઍસોસિયેશન મેમ્બર્સ અને ઇન્સ્ટિટ્યૂશનલ મેમ્બર્સને ચૂંટણીમાં મતાધિકાર આપવાના અને પોતાના સભ્યોને ઇફલાના પ્રમુખ તરીકે નોમિનેટ કરવાનો હક્ક હોય છે. ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનના ક્ષેત્રના વ્યક્તિગત વ્યાવસાયિકો, વ્યક્તિગત રીતે જોડાઈ શકે છે, પરંતુ તેમને મતદાનનો અધિકાર નથી. તેઓ વિવિધ સમિતિઓમાં સેવા આપીને ઇફલાના વ્યાવસાયિક કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપી શકે છે. ઇફલાના સભ્યપદ વિશેની માહિતી તેના વેબપેજ પર આપેલી છે.

માહિતીઉદ્યોગના 25 કરતાં પણ વધારે કૉર્પોરેશનો ઇફલાની કૉર્પોરેટ સ્પૉર્ટ્સ યોજના સાથે કાર્યોના સંબંધે જોડાયેલાં છે. આ ઉપરાંત સમાન અભિરુચિ ધરાવતી વિવિધ સંસ્થાઓ સાથે તેમનાં કાર્યોના સંદર્ભમાં ઇફલાના સંબંધો છે. જેથી તેઓ સાથે નિયમિત રીતે માહિતી અને વિચારોનું પરસ્પર આદાનપ્રદાન થઈ શકે છે. જેમ કે, UNESCO, ICSU, WIPO, ISO, WTO વગેરે.

સમગ્ર વિશ્વની ગ્રંથાલય અને માહિતીસેવાઓની સમસ્યાઓ લગભગ સમાન હોય છે જે ઇફલાના strategic programme દ્વારા હલ કરી શકાય છે. જેમ કે, લાઇબ્રેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (LDP), પ્રિઝર્વેશન અને કન્ઝર્વેશન પ્રોગ્રામ (PAC), ઇફલા યુનિમાર્ક  (UNIMARC) અને ઇફલા કમિટી ઑન સ્ટાન્ડર્ડ્ઝ વગેરે. વિવિધ કાર્યક્રમોના પરિણામ રૂપે ઉદભવતી માહિતી ઇફલાનાં પ્રકાશનો દ્વારા પ્રકાશિત થાય છે.

ઇફલાનાં મહત્વનાં પ્રકાશનોમાં  જે વર્ષમાં ચાર વખત પ્રકાશિત થાય છે, દર વર્ષે ઇફલાનો વાર્ષિક અહેવાલ પ્રકાશિત થાય છે. ઇફલાના પ્રકાશક દ્વારા ઇફલાના પ્રકાશનોની શ્રેણી પ્રકાશિત થતી રહે છે. ઇફલાના પ્રોફેશનલ રિપોર્ટ્સની શ્રેણી પણ પ્રગટ થાય છે. તેમાં ખૂબ સારી સેવાઓ પૂરી પાડવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

ઇફલાની વર્લ્ડ લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફર્મેશન કૉંગ્રેસ : ઇફલા જનરલ હૉન્સફન્સ ઍન્ડ ઍસેમ્બ્લીનું આ આયોજન દર વર્ષે ઑગસ્ટમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવામાં આવે છે.

ઊર્મિલા ઠાકર