ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા

January, 2002

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા : ભારતના વ્યવસાયી પડતર હિસાબના હિસાબનીશોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કંપની અધિનિયમ હેઠળ 1944માં નોંધણી કરાવીને થઈ હતી. ભારત સ્વતંત્ર થયા પછી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓના અમલ દરમિયાન ઉદ્યોગીકરણની પ્રક્રિયા ઝડપી બનવાથી પડતર હિસાબી પદ્ધતિનું મહત્વ વધ્યું અને આ અંગેના વ્યવસાયને સંગઠિત કરવાનું આવશ્યક બન્યું. તેથી ભારત સરકારે 1959માં અધિનિયમ પસાર કરીને ઇન્સ્ટિટ્યૂટને કાનૂની પીઠબળ આપ્યું. દફતરીશાસ્ત્રી સમિતિના તેમજ વિવિયન બોઝ કમિશનના કંપનીઓને લગતા અહેવાલો અનુસાર અને ઇન્સ્ટિટ્યૂટના સૂચન અનુસાર પડતરના હિસાબો રાખવા અને તેનું ઑડિટ કરાવવાની જોગવાઈ કરવા માટે 1965માં કંપની અધિનિયમમાં ભારત સરકાર દ્વારા સુધારા કરવામાં આવ્યા અને અધિનિયમની કલમ 209 (1), (5) હેઠળ અનેક ઉદ્યોગોને પડતર હિસાબોના નોંધણીનિયમો હેઠળ આવરી લેવામાં આવ્યા. આ નિયમોની રૂએ જુદી જુદી ઔદ્યોગિક કંપનીઓના પડતર હિસાબો ઑડિટ કરાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી અવારનવાર આદેશો આપવામાં આવે છે.

ઇન્સ્ટિટ્યૂટનું મધ્યસ્થ કાર્યવાહક મંડળ કૉલકાતામાં અને 4 પ્રાદેશિક કાર્યવાહક મંડળો કૉલકાતા, દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં આવેલાં છે. વળી ભારતમાં અનેક સ્થળે સ્થાનિક મંડળો (chapters) સ્થપાયેલાં છે. ઉપરાંત, ટાન્ઝાનિયા અને ઝામ્બિયામાં તેનાં કેન્દ્રો સ્થપાયેલાં છે. સંસ્થાના મધ્યસ્થ કાર્યવાહક મંડળમાં આંતરરાષ્ટ્રીય બાબતોની એક સમિતિ છે. તે પરદેશની વ્યવસ્થાપન તથા હિસાબી પદ્ધતિની સંસ્થાઓ સાથે ગાઢ સંબંધો વિકસાવવાનું કાર્ય કરે છે. આ સંસ્થાને ઇન્ટરનેશનલ ફેડરેશન ઑવ્ એકાઉન્ટન્ટ્સ અને સાઉથ એશિયન ફેડરેશન ઑવ્ એકાઉન્ટન્ટ્સમાં પણ પ્રતિનિધિત્વ મળેલું છે.

ઇન્સ્ટિટ્યૂટ વર્ષમાં બે વાર – જૂન અને ડિસેમ્બરમાં – પ્રાવેશિક (entrance), મધ્યમ (intermediate) અને અંતિમ (final) અભ્યાસક્રમોની પરીક્ષાઓ લે છે. ઉપરાંત મૅનેજમેન્ટ એકાઉન્ટન્સી માટેની અનુ-ડિપ્લોમા પરીક્ષા પણ લે છે. આ માટે ભારતમાં 43 પરીક્ષાકેન્દ્રો છે. પરીક્ષા પાસ કરી જરૂરી વ્યાવહારિક તાલીમ પ્રાપ્ત કર્યા પછી ઇન્સ્ટિટ્યૂટનું સભ્યપદ આપવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટના કાર્યક્ષેત્રમાં નીચે મુજબ અન્ય કાર્યોનો સમાવેશ થાય છે : (1) ઇન્સ્ટિટ્યૂટ તજ્જ્ઞોનાં સંમેલન, પરિષદો, સતત શૈક્ષણિક કાર્યક્રમો, ચર્ચાજૂથો, મૌખિક શિક્ષણના વર્ગો ઇત્યાદિ કાર્યોમાં ક્રિયાશીલ રહે છે. (2) જાહેર ક્ષેત્રની સંસ્થાઓના અધિકારીઓ માટેના ટૂંકા ગાળાના કાર્યક્રમોનું સંચાલન કરે છે. (3) ભારતીય નૌકાદળે તેના કર્મચારીઓને તાલીમ આપવા માટે તૈયાર કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવાની અને તેના સંચાલનની કામગીરી ઇન્સ્ટિટ્યૂટને સોંપી છે. (4) પડતર હિસાબી પદ્ધતિનાં કેટલાંક પાસાં વિશે ઉપયોગી સંશોધનગ્રંથો તૈયાર કરાવીને તેના પ્રકાશનનું કાર્ય ઇન્સ્ટિટ્યૂટ કરે છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા સાથે સંકલન કરીને આ ઇન્સ્ટિટ્યૂટ અનેક સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરે છે.

શિરીષભાઈ  શાહ