ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ : ભારતની ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ એવા સભ્યોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા. ચાર્ટર્ડ ઍકાઉન્ટ્સના વ્યવસાયનો વિકાસ, તેનું માર્ગદર્શન તેમજ નિયમન કરે છે. ‘‘ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ ઍક્ટ-1949’’ દ્વારા આ સંસ્થા અસ્તિત્વમાં આવી છે. તેની સ્થાપના તા. 1-5-1949ના રોજ કરવામાં આવી છે. આ સંસ્થાનું મુખ્યમથક નવી દિલ્હી ખાતે છે. તેની પાંચ વિભાગીય કચેરીઓ છે : (1) પશ્ચિમ ભારતની વિભાગીય કચેરી મુંબઈ ખાતે, (2) દક્ષિણ ભારતની વિભાગીય કચેરી ચેન્નાઈ ખાતે, (3) પૂર્વ ભારતની વિભાગીય કચેરી કૉલકાતા ખાતે, (4) મધ્ય ભારતની વિભાગીય કચેરી કાનપુર ખાતે, તથા (5) ઉત્તર ભારતની વિભાગીય કચેરી નવી દિલ્હી ખાતે આવેલી છે. આ પાંચેય વિભાગીય કચેરીઓ હેઠળ જુદી જુદી શાખાઓ કાર્યરત છે. આવી કુલ 126 શાખાઓ ભારતમાં તથા 22 ચૅપ્ટરો વિદેશમાં કાર્યરત છે. ગુજરાતમાં આવી દસ શાખાઓ અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, ભરૂચ, વાપી તથા ગાંધીધામ ખાતે આવેલી છે.

સંસ્થાના નિયમ અનુસાર, જે વ્યક્તિએ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટના અભ્યાસની ફાઇનલ પરીક્ષા પાસ કરીને પોતાની સભ્ય તરીકે નોંધણી કરાવી હોય અથવા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ ઍક્ટ-1949, જે 1-5-1949થી અમલમાં આવ્યો તે પહેલાં રજિસ્ટર્ડ ઍકાઉન્ટન્ટ તરીકે કાર્યરત હોય તેવી વ્યક્તિ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટનો વ્યવસાય કરી શકે છે. ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટના વ્યવસાયની જો પ્રૅક્ટિસ કરવી હોય તો જે તે વ્યક્તિએ ‘સર્ટિફિકેટ ઑવ્ પ્રૅક્ટિસ’ મેળવવું પડે છે.

જે વ્યક્તિનું નામ સંસ્થાના રજિસ્ટરમાં નોંધાયેલું હોય અને ચાલુ હોય તે જ વ્યક્તિ આ સંસ્થાના સભ્ય તરીકે ઓળખાય છે. નીચેની લાયકાત ધરાવતી વ્યક્તિ આ સંસ્થાનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે :

1. રજિસ્ટર્ડ ઍકાઉન્ટન્ટ અથવા હોલ્ડર ઑવ્ સર્ટિફિકેટ,

2. આ સંસ્થા દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરી હોય અને નિયત સમયની તાલીમ લીધી હોય,

3. તા. 1-7-1949 પહેલાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન ઍકાઉન્ટન્સી પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય,

4. વિદેશમાં સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય અને આ સંસ્થાની કાઉન્સિલ દ્વારા તેને માન્યતા પ્રદાન કરવામાં આવી હોય તેવી લાયકાત ધરાવતી વ્યક્તિ.

5. આવી લાયકાત ધરાવતી વ્યક્તિ ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર ધરાવતી હોવી જોઈએ.

આ સંસ્થાનું સભ્યપદ બે પ્રકારનું છે :

1. ઍસોસિયેટસભ્ય : જેનું નામ સંસ્થાના સભ્યપદના રજિસ્ટરમાં નોંધાયું હોય તેવા બધા જ સભ્યો ઍસોસિયેટ-સભ્ય ગણાય છે અને તેઓC.A. તરીકે ઓળખાય છે.

2. ફેલોસભ્ય : સળંગ પાંચ વર્ષ સુધી વ્યવસાયમાં હોય અને જેણે ફેલો તરીકે નોંધણી કરાવી હોય તેવી વ્યક્તિને ફેલો-સભ્ય કહેવાય છે અને તેઓC.A. તરીકે ઓળખાય છે.

નીચે જણાવેલ વ્યક્તિ સભ્ય થવા માટે લાયક ગણાતી નથી :

(1) 21 વર્ષથી નીચેની ઉંમરવાળી વ્યક્તિ.

(2) માનસિક સમતોલન ગુમાવ્યું હોય તેવી વ્યક્તિ.

(3) નાદારી જાહેર કરી હોય તેવી વ્યક્તિ.

(4) નૈતિક અધ:પતન માટે પાંચ વર્ષ કે તેનાથી વધુ સમય માટે કારાવાસની સજા થઈ હોય તેવી વ્યક્તિ.

(5) વ્યાવસાયિક ધારાધોરણોનો ભંગ કરવા બદલ સંસ્થાએ જેને સભ્યપદેથી દૂર કરી હોય તેવી વ્યક્તિ.

તા. 1-4-2012ના રોજ આ સંસ્થામાં નોંધાયેલા સભ્યોની માહિતી નીચે મુજબ છે :

  સભ્યનો પ્રકાર ફેલો ઍસોસિયેટ કુલ સભ્યો
    સભ્યો સભ્યો  
1. પૂર્ણકાળની પ્રૅક્ટિસ કરતા 56,904 26,340 83,244
2. ખંડસમયની પ્રૅક્ટિસ કરતા 3,102 5,141 8,243
3. નોકરી કરતા 11,365 89,661 1,01,026
  કુલ સભ્યો 71,371 1,21,142 1,92,513

આ સંસ્થાની મધ્યસ્થ કાઉન્સિલના ઉપક્રમે ચાર મુખ્ય સમિતિઓ રચવામાં આવી છે : (1) કાર્યકારી સમિતિ, (2) નાણાસમિતિ, (3) પરીક્ષા સમિતિ અને (4) શિસ્તસમિતિ. તે ઉપરાંત આશરે 30 સમિતિઓ રચવામાં આવે છે; જેમાં મુખ્યત્વે નીચે પ્રમાણેની સમિતિઓનો સમાવેશ થાય છે :ઇન્સ્ટિટ્યૂટનો વહીવટ ચલાવવા માટેની મધ્યસ્થ કાઉન્સિલમાં 40 સભ્યો હોય છે, જેમાંથી 32 સભ્યો ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ સભ્યોમાંથી ચૂંટી કાઢવામાં આવે છે અને બાકીના આઠ સભ્યો ભારત સરકાર દ્વારા – શિક્ષણ, ઉદ્યોગ, બૅંકિંગ, ફાઇનાન્સ, ભારત સરકારના પ્રત્યક્ષ કરવેરા વિભાગ તથા મિનિસ્ટ્રી ઑવ્ કંપની અફેર્સમાંથી નિયુક્ત કરવામાં આવે છે. તેની મધ્યસ્થ કાઉન્સિલ આ સંસ્થાનો વહીવટ કરે છે, વ્યવસાયને લગતાં ધારાધોરણો ઘડે છે તથા નૈતિક ધોરણો તથા આચારસંહિતાનું પાલન થાય તે જુએ છે તથા આચારસંહિતા કે નૈતિક ધારાધોરણનું પાલન ન થાય ત્યારે તે શિક્ષાત્મક પગલાં લેવા ભલામણ કરે છે.

– ઍકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બૉર્ડ

– ઑડિટિંગ અને ઍસ્યૉરન્સ સ્ટાન્ડર્ડ બૉર્ડ

– પિયર રિવ્યૂ બૉર્ડ

– ઍક્સપર્ટ ઍડવાઇઝરી સમિતિ

– સંશોધનસમિતિ

– બૉર્ડ ઑવ્ સ્ટડીઝ

– સીધા તથા આડકતરા કરવેરા સમિતિ

– કૉર્પોરેટ લૉ સમિતિ

– સતત વ્યાવસાયિક શિક્ષણ સમિતિ (continuous professional education committee)

મધ્યસ્થ કાઉન્સિલનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. મધ્યસ્થ કાઉન્સિલના સભ્યો પોતાનામાંથી પ્રમુખ તથા ઉપપ્રમુખને ચૂંટી કાઢે છે, જેઓનો કાર્યકાળ એક વર્ષનો હોય છે.

ગુજરાત રાજ્યમાંથી નીચેના સભ્યો આજદિન સુધીમાં મધ્યસ્થ કાઉન્સિલમાં ચૂંટાયા છે :

એચ. એમ. તલાટી, એચ. વી. વસા, મનુભાઈ જી. પટેલ, આર. એસ. પટેલ, અશ્વિન સી. શાહ, સુનીલ એચ. તલાટી અને શ્રી ધિનલ એ. શાહ.

શ્રી સુનીલ એચ. તલાટી, મધ્યસ્થ કાઉન્સિલ દ્વારા 2007-08ના વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

એચ. એમ. તલાટી

ધિનલ અશ્વિન શાહ