ઇન્થોવન વિલેમ (Einthoven Willam) (જ. 21 મે 1860, સીમરંગ, જાવા; અ. 29 સપ્ટેમ્બર 1927, લિડનનેથ) : હૃદવીજૂલેખ માટેના સાધનના શોધક અને ફિઝિયૉલૉજી/મેડિસિનના નોબેલ પારિતોષિકવિજેતા (1924) યુટ્રેચ યુનિવર્સિટીની મેડિસિન શાખાના સ્નાતક. તેમણે હૃદયના સ્નાયુઓને નિયમિત સંકોચન કરાવતા, હૃદયમાં જ ઉદભવતા વિદ્યુતતરંગોનો અભ્યાસ કર્યો હતો અને તે માટે હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG) માટેના સાધનની રચના કરી હતી.

(1) ઇન્થોવન વિલેમ (2) સામાન્ય હૃદવીજાલેખ (ECG)

1886થી શરૂ કરીને છેવટ સુધી લીડન યુનિવર્સિટીના પ્રાધ્યાપક તરીકે એમણે કામ કર્યું હતું. 1903માં તેમણે તાર વાપરીને એક ગૅલ્વેનોમીટર બનાવ્યું. તેને ‘ઇન્થોવન વીજધારામાપક’ (galvano-meter) નામ આપ્યું. હૃદયના સ્નાયુસંકોચન સમયે થતા ફેરફારો ઇન્થોવન વીજધારામાપકથી આલેખ રૂપે મપાવા માંડ્યા. આ પ્રક્રિયાને જ તેમણે ‘હૃદવીજાલેખ’ નામ આપ્યું. નીરોગી અને રોગિષ્ઠ હૃદયોના આલેખોનો તેમણે તુલનાત્મક અભ્યાસ કર્યો હતો (1908-1913).

હૃદયના વિદ્યુતતરંગોના ધન (+) અને ઋણ (-) વળાંકો માટે ‘PQRST’ની પ્રમાણિત સંજ્ઞાઓ નક્કી કરીને તેમણે તેનું અર્થઘટન સરળ બનાવ્યું. તેમણે હાથપગ પર લગાડી શકાય તેવા વીજાગ્રો(electrodes)ના ઉપયોગની પણ શરૂઆત કરી હતી.

હરિત દેરાસરી