ઇન્ડોમિથાસિન : શોથજન્ય (inflammatory) સોજો, દુખાવો તથા તાવ ઘટાડતી દવા. શરીરમાં ચેપ, ઈજા કે પ્રતિરક્ષાલક્ષી વિકારને કારણે પેશીને નુકસાન થાય ત્યારે તેના પ્રતિભાવ રૂપે તે સ્થળે લોહીમાંના તથા પેશીમાંના કોષોનો ત્યાં ભરાવો થાય છે. તેને કારણે તે ભાગ લાલ, ગરમ, પીડાકારક અને સોજાવાળો બને છે. તેને શોથ-(inflammation)નો વિકાર કહે છે. ઇન્ડોમિથાસિન આ શોથજન્ય  સોજો અને દુખાવો ઘટાડે છે. તે સૌપ્રથમ 1963માં આમવાતી સંધિશોથ (rheumatoid arthritis) માટે વપરાશમાં આવી. તેને કારણે સાંધાનો સોજો, સવારના સમયની અક્કડતા અને સ્પર્શવેદના (tendernesh) ઘટે છે તથા બંધમુઠ્ઠીની પકડ વધે છે. તે પ્રોસ્ટ્રાગ્લેન્ડીન બનાવતા ઉત્સેચક સાઇક્લૉક્સીજીનેઝના કાર્યને અટકાવે છે. જઠર-આંતરડામાંથી તેનું ઝડપથી શોષણ થાય છે અને ત્યારબાદ તેનું સંધિતરલ (synovial fluid) અને લોહીના પ્રરસ(plasma)માં પ્રમાણ સરખું રહે છે. તે દવા બદ્ધસંધિ મણકાશોથ (ankylosing spondylitis) અને અસ્થિસંધિ શોથ(osteoarthritis)માં એસ્પિરિન કરતાં વધુ અસરકારક પુરવાર થયેલી છે. તેના અન્ય ઉપયોગોમાં નજલો (gout), બાર્ટરનું સંલક્ષણ, નવજાત શિશુઓમાં થતો ગર્ભધમની અરુદ્ધતા (patent ductus arteriosus) નામનો રોગ, હોજકિનના રોગનો તાવ વગેરેને ગણવામાં આવે છે. તેની આડઅસરોને કારણે અન્ય દુખાવાની સારવાર માટે તે ઉપયોગી ગણાતી નથી. લગભગ અર્ધા જેટલા દર્દીઓ તેની આડઅસરો અનુભવે છે અને આશરે 20 % દર્દીઓમાં તેનો ઉપયોગ, તે જ કારણસર બંધ કરવો પડે છે. તેના ઉપયોગને કારણે ઘણી વખત અરુચિ, ઊબકા, પેટમાં દુખાવો, જઠર-આંતરડામાં ચાંદાં પડવાં, ઝાડા, સ્વાદુપિણ્ડશોથ, માથાના આગળના ભાગમાં દુખાવો, ચક્કર, માનસિક ગૂંચવણ, તટસ્થ શ્વેતકોષો તથા ગંઠનકોષોની સંખ્યામાં ઘટાડો, ક્યારેક રુદ્ધવિકાસજન્ય પાંડુતા (aplastic anaemia), ઍલર્જી વગેરે આડઅસરો થાય છે. સગર્ભા અને સ્તન્યપાન કરાવતી માતાઓમાં તેનો ઉપયોગ થતો નથી. મૂત્રપિંડના રોગો અને જઠર કે આંતરડાંના ચાંદાવાળા દર્દીઓને તે આપી શકાતી નથી. તેની માત્રા દર્દીનાં ઉંમર, વજન, કદ અને રોગની સારવાર માટેની જરૂરિયાત મુજબ નિયત કરવામાં આવે છે.

સંજીવ આનંદ

શિલીન નં. શુક્લ