ઇન્ડિયન મ્યુઝિયમ-કોલકાતા : ભારતનું જૂનામાં જૂનું અને મોટામાં મોટું સમૃદ્ધ મ્યુઝિયમ. બે વિભાગોથી શરૂ થયેલું આ મ્યુઝિયમ આજે છ વિભાગો અને અનેક વીથિઓ (galleries) ધરાવે છે. આમાં પુરાતત્વ, કલા, નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1865માં તેના નવા મકાનની શિલારોપણવિધિ થઈ અને 1875માં તૈયાર થયેલા મકાનમાં નવી વીથિઓની સજાવટ કરવામાં આવી. એનો જશ ડૉ. ઍન્ડરસનના નેતૃત્વને જાય છે. 1904માં લૉર્ડ કર્ઝનના અમલ દરમિયાન જૂનું મકાન વધારે વિસ્તૃત કરવામાં આવ્યું અને તેમાં પુરાતત્વ અને કલાવિભાગ ગોઠવવામાં આવ્યા. આ વિભાગમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવા નમૂનામાં મૌર્યકાલના રાજા અશોકના સ્તંભના શિલાલેખો છે. બૌદ્ધ સ્તૂપો, ભારહુત શૈલીની મૂર્તિઓ, ભારતીય સંસ્કૃતિના સીમાચિહન સમાન સારનાથ સિંહસ્તંભ તથા રામપૂર્વાવૃષભસ્તંભ ઉપરના લેખ જેવા સેંકડો લેખો છે. આ મ્યૂઝિયમમાં પ્રાગ્-ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક, પ્રાચીન ઇતિહાસ-વિભાગ તથા ભારહુત ગાંધારકલાના નમૂના ગોઠવવામાં આવ્યા છે, જેમાં શિલ્પસ્થાપત્યનો સંગ્રહ ઉત્તમ અને અમૂલ્ય છે. ઈસવી સન પૂર્વેના સમયના 300 જેટલા જૂના અવશેષોથી આ વિભાગ શરૂ થાય છે. તક્ષશિલા, કૌસામ્બી, ભીટા, નાલંદા તેમજ ઉજ્જૈનમાંથી મળી આવેલા અવશેષોથી તે ભરપૂર છે. ઉત્કીર્ણ લેખના વિભાગમાં ઈસુની શરૂઆતની સદીથી માંડીને બારમી સદી સુધીના શિલાલેખો તેમજ તામ્રપત્રો વિપુલ પ્રમાણમાં છે.
કલાવિભાગમાં હસ્તકલા દર્શાવતા ભરતગૂંથણના નમૂનાઓ તેમજ તિબેટ, ભુતાન, નેપાળ અને દક્ષિણ ભારતની ધાતુકલાના નમૂનાઓ છે. ચિત્રવિભાગમાં તિબેટનાં મંદિરોની શૈલીનાં તેમજ યુરોપીય અને ભારતીય શૈલીનાં ચિત્રો રજૂ થયેલાં છે. ભૂસ્તરશાસ્ત્રના વિભાગમાં કરોડરજ્જુવાળાં પ્રાણીઓના અશ્મીભૂત અવશેષોથી શરૂ કરીને ઉલ્કાઓ સુધીના નમૂનાઓ છે. ખનિજતત્વના વિભાગમાં સારાયે વિશ્વની ખનિજોના નમૂનાઓ એકઠા કરવામાં આવ્યા છે. આ વિભાગમાં 30,00,000થી વધુ નમૂનાઓ છે, આમાં આંદામાન-નિકોબાર, આસામ વગેરે રાજ્યોની જાતિઓનું તાર્દશ જીવનદર્શન છે. પ્રાણીશાસ્ત્ર વિભાગનો સંગ્રહ દેશના કોઈ પણ મ્યુઝિયમ કરતાં મોટો છે. તેમાં જંતુ ગૅલરીનો પણ સમાવેશ થાય છે. અહીં કેળવણીલક્ષી કાર્ય પણ સુંદર ચાલે છે. આ મ્યુઝિયમનો દરેક વિભાગ પોતાનું અલગ અલગ ગ્રંથાલય ધરાવે છે. ઉપરાંત મૅજિક લૅન્ટર્નસ્લાઇડનો સંગ્રહ, વ્યાખ્યાનખંડ વગેરે આધુનિક સગવડો પણ છે.
જ. મૂ. નાણાવટી