ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ : ભારતની તબીબી શિક્ષણ અને વ્યવસાયની કક્ષા અને નીતિમત્તાનાં ધોરણો નક્કી કરતી, તેનું નિરીક્ષણ કરતી તથા માન્ય તબીબી ઉપાધિઓ અને તબીબોની નોંધણી કરતી સંસ્થા. અગાઉ સન 1933માં ઘડાયેલા કાયદાથી તે 1934માં અસ્તિત્વમાં આવી અને 30મી ડિસેમ્બર, 1956થી કાયદા દ્વારા પુન: સંઘટિત થઈ છે. તેનું કાર્યક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર સિવાયનું સમગ્ર ભારત છે. સન 2010થી તેનો કાર્યભાર સરકાર-નિયુક્ત બોર્ડ ઑફ ગવર્નર્સથી ચાલે છે. તે ભારત અને અન્ય દેશોમાં ઉપલબ્ધ માન્ય તબીબી ઉપાધિઓની સૂચિ રાખે છે તથા કેન્દ્ર સરકાર સાથે મસલત કરીને તેમને સ્વીકૃતિ (recognition) આપે છે. તે તબીબી સંસ્થાઓ કૉલેજો, હૉસ્પિટલો વગેરેમાં નિરીક્ષકો મોકલીને કર્મચારીગણ, સાધનો, સગવડો તથા તાલીમ અને અન્ય સુવિધાઓનાં પ્રસ્થાપિત ધોરણ પૂરતા પ્રમાણમાં પળાય છે કે નહિ તેનું ધ્યાન રાખે છે. મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા તબીબી શિક્ષણનાં લઘુતમ ધોરણો નિશ્ચિત કરીને તેમજ તબીબી વ્યવસાયની નૈતિકતાનાં ધોરણો સૂચવીને તેમનું નિયમન કરે છે. હાલ ભારતમાં 353 સ્નાતક કક્ષાની મેડિકલ કૉલેજોને માન્યતા મળેલી છે. કુલ 51 ઉચ્ચ વિશેષજ્ઞતા (super speciality) કોર્સિસ, 45 વિષયોમાં Ph.D.ની ઉપાધિ, 61 વિષયોમાં ડિપ્લોમા કોર્સની મંજૂરી, 78 વિશેષજ્ઞતા (specility) કોર્સિસ અને 20 અન્ય કોર્સિસને મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની માન્યતા મળેલી છે. જુદાં જુદાં રાજ્યોમાં કાયદા દ્વારા કુલ 26 રાજ્ય મેડિકલ કાઉન્સિલો રચવામાં આવેલી છે. તેઓ માન્ય તબીબોની નોંધ રાખે છે તથા વ્યાવસાયિક નીતિમત્તાનું પાલન કરાવે છે. તે ઉપરાંત કાયદા દ્વારા તબીબી શિક્ષણ માટે જરૂરી પ્રત્યક્ષ તાલીમ મેળવવા માટે કામચલાઉ નોંધણી(provisional registration)ની સવલત ઊભી કરાયેલી છે. તેના દ્વારા ડૉ. બી. સી. રૉય ઍવૉર્ડ, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ તથા રજતજયંતી ઍવૉર્ડ અપાય છે.
શિલીન નં. શુક્લ
કીર્તિ મ. પટેલ