ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન : ભારતના તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું મંડળ. મૂળ સંસ્થાની સ્થાપના ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ના નામ સાથે 1895માં કૉલકાતામાં થઈ હતી. તેની જુદા જુદા સમયે પાંચ અખિલ ભારતીય મેડિકલ કૉન્ફરન્સો યોજવામાં આવી. 1925માં કૉલકાતા ખાતે ભરાયેલ પાંચમા અધિવેશનમાં ‘ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશન’ રચવાનો ઠરાવ થયો. 1930માં તેને ફરીથી ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ એવું નામ આપ્યું. તેના મુખ્ય સૂત્રધારોમાં ડૉ. જી. વી. દેશમુખ, ડૉ. બી. સી. રૉય, ડૉ. જીવરાજ મહેતા, સર નીલરતન સરકાર, ડૉ. એમ. જી. નાયડુ, ડૉ. જે. પી. મોદી વગેરેનાં નામ મોખરે છે. હાલ તેની મુખ્ય કચેરી દિલ્હી ખાતે તેના આગવા ભવનમાં છે.
ભારતમાં તબીબી શિક્ષણ, જાહેર આરોગ્ય અને તબીબી વ્યવસાયનાં હિત જાળવવાં એ તેનો ઉદ્દેશ છે. તેના બંધારણમાં (1) તબીબી અને પરા-તબીબી વિજ્ઞાનનો વેગ અને વિકાસ સાધવો, (2) તબીબોનો મોભો જાળવવો, (3) તબીબી વ્યવસાયનાં હિતોનું રક્ષણ કરવું, (4) તબીબોનાં સહકાર-સંકલન સાધવાં, (5) તબીબી શિક્ષણ અને સેવાઓનું સંગઠન સાધીને તથા તબીબી વ્યવસાયના સૌ સભ્યોની નોંધણી કરીને તેમની વચ્ચે સમાનતા સ્થાપવી વગેરે હેતુઓ દર્શાવેલા છે.
સન 1930થી આ સંસ્થાએ વિપુલ પ્રગતિ સાધી છે. આજે તેના 1,30,000થી વધુ સભ્યો છે, 1,600 જેટલી તેની શાખાઓ છે અને તે બધાં રાજ્યોમાં પ્રસરેલી છે. તેમાં લશ્કરી કક્ષાના પ્રતિનિધિ-સભ્યો છે અને પરદેશમાં વસતા પણ કેટલાક તબીબી સભ્યો છે. તેનું સભ્યપદ ‘મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ’ અનુસાર માન્ય થયેલ છે. આધુનિક આયુર્વિજ્ઞાન-પદ્ધતિથી તૈયાર થયેલા તબીબો આ સંસ્થાના સભ્ય તરીકે માન્ય ગણાય છે. દરેક શાખાના ઉપક્રમે વૈજ્ઞાનિક વ્યાખ્યાનો, વાર્તાલાપો, પરિસંવાદો ઇત્યાદિ ગોઠવાય છે. રાજ્યકક્ષાએ તેની પ્રતિવર્ષ પરિષદો યોજાય છે. તેનું સંચાલન, સ્ટેટ કાઉન્સિલ તથા કારોબારી સમિતિ દ્વારા થાય છે, જે તેની મધ્યસ્થ કાઉન્સિલ સાથે સંકલિત હોય છે.
‘ઇન્ડિયન મેડિકલ જર્નલ’ એ તેનું ભારતીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તબીબી જ્ઞાન, ચર્ચાઓ, સંશોધન અને સમાચાર આપતું પાક્ષિક મુખપત્ર છે.
‘આઇ. એમ. એ. મેડિકલ કૉલેજ ઑવ્ જનરલ પ્રૅક્ટિશનર્સ’ દ્વારા સભ્ય તબીબોને તબીબી શિક્ષણ ઉપરાંત તબીબી તાલીમ અપાય છે અને પરીક્ષણ પછી ફેલોશિપ અપાય છે. ‘મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા’એ આ સંસ્થાને માન્ય કરેલી છે. ઍસોસિયેશન તરફથી વિવિધ પ્રકાશનો બહાર પડે છે. અખિલ ભારત મેડિકલ કૉન્ફરન્સ પણ દેશના જુદા જુદા સ્થળે પ્રતિવર્ષ ભરવામાં આવે છે. ‘આઇ. એમ. એ. એકૅડેમી ઑવ્ સ્પેશિયાલિસ્ટ્સ’ની સંસ્થા છેલ્લા બે દશકાથી તબીબી વ્યવસાયને વધુ સક્ષમ બનાવવામાં ઉપકારક નીવડેલ છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન તરફથી સામાન્ય જનતા માટે બે સામયિકો પ્રસિદ્ધ થાય છે : ‘યૉર હેલ્થ’ અંગ્રેજીમાં અને ‘આપકા સ્વાસ્થ્ય’ હિંદીમાં.
તબીબી ક્ષેત્રે વિવિધ સેવાઓ ઇત્યાદિ માટે ‘ઍવૉર્ડ્ઝ’ અપાય છે. સભ્યો માટે સહાયક ફંડ(benevolent fund)ની યોજના, ભારતમાં આવતાં મોટાં સંકટો (દુકાળ, પૂર, યુદ્ધ, વ્યાપક અકસ્માતો વગેરે) વખતે તબીબી સહાય તથા વ્યાપક ધોરણે રસી (vaccination) મૂકવી, આરોગ્ય-તપાસ, આરોગ્યલક્ષી સર્વેક્ષણો, કુટુંબનિયોજનના ઑપરેશન કૅમ્પ, નેત્રયજ્ઞો, નિદાન કૅમ્પ, અન્વેષણ કૅમ્પ વગેરે તેની મુખ્ય પ્રવૃત્તિઓ છે. આરોગ્યલક્ષી જ્ઞાનનો પ્રચાર પણ તેના દ્વારા થતો રહે છે. સભ્યોના હિતમાં તે સફળતાપૂર્વક નૅશનલ સોશિયલ સિક્યૉરિટી સ્કીમ ચલાવે છે.
ગુજરાતમાં રાજ્યકક્ષાએ ‘ગુજરાત મેડિકલ ઍસોસિયેશન’ નામની શાખા કાર્ય કરે છે. તેની અંતર્ગત કુલ 105 સ્થાનિક શાખાઓ છે. ‘સોશિયલ સિક્યૉરિટી સ્કીમ’, હેલ્થ સ્કીમ તથા પ્રોફેશનલ પ્રૉટેક્શન સ્કીમ વગેરે તેની વિશેષ પ્રવૃત્તિઓ છે. ‘ગુજરાત મેડિકલ ઍસોસિયેશન’ દર માસે એક બુલેટિન અને દર ત્રણ માસે એક જર્નલ બહાર પાડે છે. ઍસોસિયેશનના લગભગ 14,500 સભ્યો હોવાથી તે સૌથી વધુ સભ્યસંખ્યા ધરાવતી રાજ્યશાખા છે. ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ સ્થપાયું તેની પહેલાં ‘અમદાવાદ મેડિકલ સોસાયટી’ (1902માં) સ્થપાઈ હતી. તે ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ સાથે 1937માં તેની એક શાખા તરીકે જોડાઈ. તેને ત્યારબાદ ‘અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન’ કહે છે. હાલમાં તે આશરે 4,500 સભ્યો ધરાવે છે. તેના 4 સભ્યો ડૉ. પી. આર. ત્રિવેદી (1967-68), ડૉ. એ. પી. શુક્લ (1976-77), ડૉ. કે. કે. શાહ (1987-88) અને ડૉ. કેતન દેસાઈ (2001-2002) ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. વડોદરા શહેરના તબીબ ‘પદ્મશ્રી’ ડૉ. વી. સી. પટેલ પણ સન 1998-99માં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખપદે રહ્યા હતા. અમદાવાદના સેવાભાવી તબીબ ડૉ. હરિગોવિંદ જાંભેકરને આ સંસ્થાએ વર્ષ 2001માં જીવનગૌરવ પુરસ્કાર અર્પણ કર્યો હતો. અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન પોતાનું માસિક બુલેટિન બહાર પાડે છે. તે સભ્યો માટે પુસ્તકાલય ચલાવે છે તથા સમાજમાં અનેકવિધ તબીબી સેવાનાં કાર્યો કરે છે. તેનો 92 વર્ષનો ઇતિહાસ, ‘‘ગ્લિમ્પ્સીસ ઑવ્ હિસ્ટરી ઑફ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન’’ના તત્કાળ પ્રમુખ ડૉ. શિલીન નં. શુક્લે લખીને સન 1994માં પુસ્તક રૂપે બહાર પાડ્યો છે.
હરિત દેરાસરી
બિપીન મ. પટેલ