ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ

January, 2002

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (IMD) : ભારતની હવામાનશાસ્ત્ર અંગેની 1875માં સ્થાપવામાં આવેલી સંસ્થા. તે વિશ્વની આ ક્ષેત્રની જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. શરૂઆતમાં હવામાન અંગેનું કાર્ય કરતી વેધશાળાઓને પોતાના આધિપત્ય નીચે લઈને તેમના કાર્યનું આ સંસ્થાએ કેન્દ્રીકરણ કર્યું હતું. હવામાન, ભૂકંપશાસ્ત્ર તથા વાતાવરણશાસ્ત્ર સાથે સંલગ્ન વિષયો અંગેની બધી બાબતોમાં તે પ્રમુખ સરકારી સંસ્થા ગણાય છે.

હવામાન અંગેનાં અવલોકનો મેળવવા માટે સમગ્ર દેશને પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ આવરી લેતાં 561 જમીન પરનાં, 217 કૃષિ-હવામાન અંગેનાં, 63 પાયલોટ બલૂનનાં (20 કિમી. સુધી પવનોની સ્થિતિ જાણવા માટેનાં), 35 રેડિયો સોન્ડે/રેડિયો વિન્ડ(દબાણ તાપમાન, આર્દ્રતા અને પવનો અંગેની સ્થિતિ 20-30 કિમી. ઊંચાઈ સુધી જાણવા માટે)નાં, 45 રેડિયેશનનાં અને 7 ઓઝોન માટેનાં મથકોનું તથા 63 ભૂકંપની નોંધણી માટેની વેધશાળાઓનું સુગ્રથિત ઝૂમખું (network) રચવામાં આવ્યું છે. આ ઉપરાંત સાગરકાંઠે ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું જ્ઞાપન (detection) કરી શકે તેવાં 10 રડાર ગોઠવેલાં છે, જેથી પડોશના દરિયાપારથી ધસી આવતાં ચક્રવાતનાં તોફાનોનું ગાઢ સંનિરીક્ષણ (surveilance) કરી શકાય. વળી, મધદરિયા ઉપરની સ્થિતિ અંગેની માહિતી મેળવવા 300 વેપારી જહાજો ઉપર યોગ્ય વૈજ્ઞાનિક સાધનો ગોઠવવામાં આવેલાં છે. આ બધાં મથકો ઉપરથી દિવસમાં ઓછામાં ઓછી બે વખત માહિતી દિલ્હી વડામથકને મળ્યા કરતી હોય છે. વળી ઇન્સેટ ઉપગ્રહ મારફત વાદળો અંગેની અને માહિતી એકત્ર કરવા ગોઠવાયેલ પ્લૅટફૉર્મ ઉપરથી દર કલાકે સીધી માહિતી મળે છે. વર્લ્ડ મીટિયરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન(WMO)ના વર્લ્ડ વેધર વૉચ (WWW) કાર્યક્રમના ગ્લોબલ ટેલિ-કૉમ્યુનિકેશન નેટવર્ક(GTN)ના મુખ્ય ટ્રંક પરિપથ ઉપર રીજિયોનલ ટેલિકૉમ્યુનિકેશન હબ (RTH) આઇ. એમ. ડી. દિલ્હી સાથે જોડાયેલ છે, જેથી દુનિયાભરમાંથી હવામાન અંગેની માહિતી ઝડપથી અહીં ભેગી કરાય છે. આર. ટી. એચ. ઘણા દેશો સાથે ઝડપી દૂરસંચાર કડી (rate communication link) મારફત જોડાયેલ છે. દેશના હવામાન અંગેની માહિતી આપતાં 68 મથકો સાથે પણ તે જોડાયેલ છે. હવામાન અંગેની આંકડાકીય માહિતીના આદાનપ્રદાન ઉપરાંત પ્રક્રમિત (processed) પૃથક્કરણ કરેલી પૂર્વાનુમાન (prognostic) પ્રકારની સચિત્ર માહિતી દૂરદર્શન ઉપર દર્શાવાય છે.

આઇ. એમ. ડી.ના દિલ્હીના મુખ્ય વહીવટી મથકને મદદ કરવા પુણે તથા દિલ્હીમાં 2 મથકો નભાવવામાં આવે છે. તેમની વચ્ચે કાર્યની વહેંચણી કરવામાં આવેલી છે. આ ઉપરાંત મુંબઈ, કૉલકાતા, ચેન્નાઈ, નાગપુર અને ન્યૂ દિલ્હીમાં 5 પ્રાદેશિક કેન્દ્રો તથા 12 રાજ્યોનાં મુખ્ય શહેરો(અમદાવાદ, ભુવનેશ્વર, ભોપાલ, શ્રીનગર, ચંડીગઢ, લખનૌ, જયપુર, પટણા, ગુવાહાટી, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ અને બૅંગાલુરુ)માં હવામાનકેન્દ્રો, પૂરની આગાહી માટેની 10 ઑફિસો, 11 કૃષિ-હવામાન સલાહકાર કેન્દ્રો અને ઉડ્ડયનની આગાહી માટેનાં 4 આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ઉપરની ઑફિસો વગેરેની મદદથી હવામાનની આગાહી અંગેનું તંત્ર ગોઠવવામાં આવ્યું છે. તાજેતરમાં વસાવવામાં આવેલ સુપરકમ્પ્યૂટરની મદદથી 7થી 10 દિવસ અગાઉ હવામાન અંગેની માહિતી આપવાનું શક્ય બન્યું છે.

આઇ. એમ. ડી.ની સેવાઓને ટૂંકમાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય :

1. સામાન્ય પ્રજાજન માટે તેમજ ઉડ્ડયન, કૃષિ, દરિયાઈ, મત્સ્યક્ષેત્રે ઉદ્યોગો અને જલયોજના માટે હવામાનની આગાહી.

2. ચક્રવાત, દરિયાઈ તોફાનો, ભારે વરસાદ, ગાજવીજ, ધૂળનાં તોફાનો, ઠંડી અને ગરમીનાં મોજાંઓ વગેરે જેવી જાનમાલની ખુવારી અને હાડમારી ઊભી કરતી ઘટનાઓ અંગેની ચેતવણી.

3. કૃષિ-હવામાન સેવા : હવામાન અંગેનું બુલેટિન, કૃષિ-હવામાન અંગેનાં સલાહકેન્દ્રો, પાક અંગેની આગાહી.

4. જલ-હવામાનલક્ષી (hydrometeorological) સેવાઓ.

5. કૃષિ-ઉદ્યોગો, જલયોજના, પવન અને સૌરઊર્જા માટે આબોહવાવિષયક સેવાઓ.

6. હવામાન અંગેના સંશોધનને ઉત્તેજન આપવું.

સાધનો અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કાર્યદક્ષ વૈજ્ઞાનિકોને લક્ષમાં લઈએ તો વિશ્વની પ્રમુખ સંસ્થાઓમાં આઇ. એમ. ડી.ની ગણના થયેલી છે. 23 માર્ચ વિશ્વહવામાન દિન તરીકે ઊજવાય છે.

પી. આર. પીશારોટી