ઇન્ડિયન ફિલ્મ (1963) : ભારતીય સિનેમાના ઇતિહાસને વ્યવસ્થિત અને આધારભૂત રીતે રજૂ કરતું અને આંતરરાષ્ટ્રીય વાચકવર્ગને લક્ષમાં રાખીને લખાયેલું આ વિષયનું કદાચ સર્વપ્રથમ અંગ્રેજી પુસ્તક. (લેખકો : એરિક બાર્નો અને ભારતીય સિને પત્રકાર-વિવેચક કૃષ્ણાસ્વામી, પ્રકાશક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, ન્યૂયૉર્ક અને લંડન, બીજી આવૃત્તિ 1980.) કૃષ્ણાસ્વામી 1960-61માં કોલંબિયા યુનિવર્સિટીમાં સ્નાતકોત્તર અભ્યાસ અર્થે ગયા તે, 1961-62માં એરિક બાર્નોને ભારત ખાતે સંશોધનાર્થે પ્રાપ્ત થયેલી ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ અને 1963ના વર્ષમાં ભારતીય ચલચિત્રનિર્માણનાં 50 વર્ષ પૂરાં થનાર હતાં તે, આ પુસ્તકના લેખન-પ્રકાશનનાં મુખ્ય નિમિત્ત હતાં.

સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’એ 1956માં ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં પુરસ્કાર પ્રાપ્ત કર્યાથી ભારતીય સિનેમા તરફ પશ્ચિમ અને વિશ્વના સિનેઉત્સુક ઇતિહાસકારોનું ધ્યાન ખેંચાયું તે હકીકતનો પ્રથમ પ્રકરણમાં ઉલ્લેખ કરી ભારત ખાતે સર્વપ્રથમ ચલચિત્ર-પ્રદર્શન જુલાઈ, 1896માં ફ્રાંસના મિયેર બંધુના બે વિતરકોએ મુંબઈ ખાતે વૉટસન હોટેલમાં યોજ્યું તે ઘટનાને લેખકોએ ભારતીય ચલચિત્ર-પરંપરાનો પ્રારંભ ગણેલ છે.

ભારત ખાતે સર્વપ્રથમ મોશન પિક્ચર કૅમેરા આયાત કરનાર અને ભારતની સર્વપ્રથમ ટૂંકી તેમજ દસ્તાવેજી ફિલ્મ બનાવનાર હરિશ્ચંદ્ર ભાટવડેકરની પ્રવૃત્તિ, વિદેશી ચલચિત્રોના પ્રદર્શન દ્વારા ભારતમાં સિને-વિતરણ વ્યવસાયનો પાયો નાખનાર ગુજરાતીઓ જમશેદજી ફ. માદન અને અબ્દુલ અલી તથા ભારત ખાતે સર્વપ્રથમ કથા-ચલચિત્રનું નિર્માણ કરનાર દાદાસાહેબ ફાળકેની મથામણ અને સફળતાનો ખ્યાલ આપીને પછી ફિલ્મસર્જકો ધીરેન ગાંગુલી, બી. એન. સરકાર અને દેવકી બોઝ વગેરેની સર્જનપ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો છે. ભારતીય ચલચિત્ર-પરંપરાની સઘળી પ્રારંભિક ઘટનાઓને આવરી લઈને રાજ કપૂરની લોકપ્રિય હિંદી સિનેકૃતિ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ (1961) અને તપન સિંહાની ‘હાંસુલી બાંકેર ઉપકથા’ (1962) સુધીની હિંદી તેમજ ભારતની સર્વ પ્રાદેશિક ભાષાની સિને-સર્જનપ્રવૃત્તિનો લેખકોએ વિગતે ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકની 1975 અને 1979ની આવૃત્તિઓમાં ‘ભુવનશોમ’ ચિત્રના બંગાળી દિગ્દર્શક મૃણાલ સેનની, સમાન્તર હિંદી સિનેમાના વહેણની એ સર્વપ્રથમ કૃતિથી માંડીને શ્યામ બેનેગલનો કથા-ચલચિત્ર-સર્જક તરીકે ઉદય નોંધીને તેની કૃતિ ‘અંકુર’ તથા શબાના આઝમી જેવી નવાગંતુક પ્રતિભાના ઉલ્લેખ સાથે આ વહેણના અન્ય યુવા દિગ્દર્શકો મણિ કૌલ અને કુમાર સહા તેમજ બસુ ચેટર્જીને પણ સ્થાન અપાયું છે.

વળી ચંદુલાલ શાહ જેવા ગુજરાતી યુવાન દ્વારા મૂક ફિલ્મોના ગાળામાં 1924માં એક રાતમાં નવી ફિલ્મની પટકથાનું લેખન, તેમની દ્વારા માત્ર 21 દિવસમાં એક સામાજિક ફિલ્મનું નિર્માણ, મૂક સમયની તારિકા ગૌહરનો ઉદય, 1928માં ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટીની નિયુક્તિ, તે જ વર્ષે ચંદુલાલ શાહ અને ગૌહરબાનુ દ્વારા રણજિત મૂવીટોન કંપનીની સ્થાપના અને તેની દ્વારા 150 કથાચલચિત્રોનું નિર્માણ, 1937માં કૉંગ્રેસની પ્રાંતીય સરકારો આવતાં ઉઠાવી લેવાયેલ પ્રતિબંધને કારણે ‘મહાત્મા ગાંધીઝ માર્ચ ફૉર ફ્રીડમ’ અને ‘રિટર્ન ઑવ્ મહાત્મા ગાંધી ફ્રૉમ રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ’ જેવી માત્ર રાજકીય ઘટનાઓને આવરી લેતાં કુલ 17 વૃત્તચિત્રોના પ્રદર્શનનો ઉલ્લેખ, કે. સુબ્રમણ્યમ દ્વારા દેશભક્તિની ભાવના વ્યક્ત કરતી ‘મનસામ્ રક્ષણમ્’ નામની તમિળ ફિલ્મનો રસિક કિસ્સો, યુદ્ધને ટેકો આપવાના પ્રયાસો બાબત પંડિત નેહરુની માનવતાભરી અપીલ બાદ ચીન મોકલાયેલ મેડિકલ મિશનની ઘટનાને આવરી લેતી સત્ય હકીકત આધારિત ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ નામની હિંદી (તથા અંગ્રેજી) ફિલ્મનું સર્જન વગેરે અલ્પજ્ઞાત અને અલ્પચર્ચિત ઘટનાઓને આ પુસ્તકમાં આવરી લઈને તત્કાલીન ભારતીય અને સામાજિક ઘટનાઓના સિનેક્ષેત્રનું ઇતિહાસ રૂપે યથાર્થ દર્શન કરાવ્યું છે.

સંદર્ભસંચયના એક ભાગ રૂપે, પુસ્તકની લિખિત સામગ્રીને છેવટનું સ્વરૂપ આપતાં પહેલાં પુસ્તકના લેખકોએ મૂક ચલચિત્રના ગાળાની અને આજે ભુલાઈ ગયેલી પ્રતિભાઓ સરદાર ચંદુલાલ શાહ, ગૌહરબાનુ, દેવકી બોઝ, ધીરેન ગાંગુલી, અરદેશર ઈરાની, કે. સુબ્રમણ્યમ, દેવિકારાણી, કનૈયાલાલ મુનશી, લીલાવતી મુનશી અને સમકાલીન પ્રતિભાઓ સત્યજિત રાય, કે. એ. અબ્બાસ, સતીશ બહાદુર વગેરે મળીને કુલ 117 વ્યક્તિઓની મુલાકાત લીધી હતી. ‘નામ સંદર્ભસૂચિ’ અને 1975 અને 1979ની આવૃત્તિમાં પાછળથી ઉમેરાયેલ ‘લિસ્ટ ઑવ્ લૅન્ડમાર્ક ઇવેન્ટ્સ’ આ પુસ્તકનો ઉપયોગી સંદર્ભગ્રંથ બનાવે છે.

ઉષાકાન્ત મહેતા