ઇન્ડિયન ફિઝિક્સ એસોસિયેશન (IPA)

January, 2002

ઇન્ડિયન ફિઝિક્સ ઍસોસિયેશન (IPA) : ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ તથા યુનિવર્સિટીઓના નામાંકિત ભૌતિકશાસ્ત્રીઓએ 1970માં સ્થાપેલી સંસ્થા. તેનું મુખ્ય ધ્યેય ભારતના ભૌતિકશાસ્ત્રીઓનું એક સંગઠન રચીને ભૌતિકશાસ્ત્રનાં આધુનિક જ્ઞાન, પ્રયોગો તથા સંશોધનોની માહિતીનો પ્રચાર કરી પારસ્પરિક સહકારને પ્રોત્સાહિત કરવાનું છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને ભારતમાં તે 50 જેટલા પ્રાદેશિક ઘટકો (chapters) ધરાવે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને વલ્લભવિદ્યાનગરમાં આઇપીએના ઘટકો આવેલા છે. જુદી જુદી યુનિવર્સિટીઓ, પ્રયોગશાળાઓ તથા ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા દેશ-વિદેશના સક્રિય ભૌતિકશાસ્ત્રીઓ તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓ મળી હાલમાં તેની સભ્ય-સંખ્યા 3500 કરતાં વધુ છે. ઍસોસિયેશન ‘ફિઝિક્સ ન્યૂઝ’ નામનું ત્રૈમાસિક મુખપત્ર પ્રસિદ્ધ કરે છે. કેન્દ્રીય તથા ઘટક એકમો વિવિધ સમકાલીન વિષયો પર વર્ષ દરમિયાન વ્યાખ્યાનો, ચર્ચાસભાઓ, પરિસંવાદો, સ્પર્ધાઓ, પ્રદર્શન, ફિલ્મ-શો વગેરેનું આયોજન કરે છે. સંશોધનપ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાના આશયથી 35 વર્ષથી નાની વયના ભૌતિકશાસ્ત્રીને શ્રેષ્ઠ સંશોધન માટે દર વર્ષે રૂ. 10,000/-નો સત્યમૂર્તિ મેમૉરિયલ ઍવૉર્ડ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સંશોધન કરનારને દર બે વર્ષે બિરલા ઍવૉર્ડ આપવામાં આવે છે.

શશીધર ગોપેશ્વર ત્રિવેદી