ઇન્ડિયન ફિસ્કલ કમિશન (1921) : ભારતીય ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાની બાબતની સંપૂર્ણ તપાસ કરવા માટે નિમાયેલું વિત્તીય પંચ. તેના અધ્યક્ષપદે સર ઇબ્રાહીમ રહીમતુલ્લાની વરણી થઈ હતી. આધુનિક સમયનાં યુદ્ધોનું સફળ સંચાલન કરવા માટે દેશનું ઔદ્યોગિક માળખું સધ્ધર હોવું અનિવાર્ય છે. આ જરૂરિયાત ભારતના ઔદ્યોગિક વિકાસની મર્યાદાઓના સંદર્ભમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સમજાઈ હતી. એટલે 1916માં ભારતીય ઔદ્યોગિક પંચની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ તે સમયે ભારત સરકાર વિત્તીય બાબતોમાં સ્વાયત્ત ન હોવાથી ઔદ્યોગિક પંચના કાર્યક્ષેત્રમાંથી વિત્તીય બાબતો બાકાત રાખવામાં આવી હતી. ઇંગ્લૅન્ડની સંયુક્ત પ્રવર સમિતિએ 1919માં ભારત સરકારને વિત્તીય સ્વાયત્તતા આપવાની તરફેણ કરી હતી, તેને પરિણામે ભારતીય વિત્તીય પંચ નીમવામાં આવ્યું હતું.

ભારતના નવા ઔદ્યોગિક એકમોને તેમના પ્રાથમિક વિકાસના તબક્કામાં રક્ષણ મળી રહે તેમજ અયોગ્ય (unfair) હરીફાઈની સામે પણ પૂરતું રક્ષણ મળી શકે તે હેતુથી વિત્તીય પંચે ખરડો તૈયાર કર્યો હતો. તેને ‘ભેદભાવપૂર્ણ રક્ષણ’(discriminating protection)ની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. રક્ષણ માટે ઉદ્યોગોની પસંદગીની બાબતમાં પંચે બહુમતીથી ત્રણ ધોરણો સૂચવ્યાં હતાં : (1) અન્ય ઉદ્યોગોની તુલનામાં તે કુદરતી અનુરૂપતા ધરાવતો ઉદ્યોગ હોવો જોઈએ; દા.ત., કાચા માલના મબલખ પુરવઠાની ઉપલબ્ધતા, ઊર્જાનો સસ્તો પુરવઠો, શ્રમની સરળ ઉપલબ્ધિ, વિસ્તૃત સ્થાનિક બજાર વગેરે. (2) રક્ષણ વિના વિકાસ સાધવામાં અસમર્થ હોય તેવી અથવા દેશના હિતમાં ઇચ્છનીય ગણાય તેવી ગતિથી વિકાસ સાધી શકે તેમ ન હોય તેવો તે ઉદ્યોગ હોવો જોઈએ. (3) ભવિષ્યમાં તે ઉદ્યોગ વિદેશી હરીફાઈનો સામનો કરવાની ગર્ભિત શક્તિ ધરાવતો હોવો જોઈએ. પંચે સૂચવેલાં આ ધોરણો ‘ત્રિગુણી સૂત્ર’ (triple formula) તરીકે ઓળખાય છે.

રક્ષણ મેળવવા ઇચ્છુક ઉદ્યોગોની અરજીઓની ચકાસણી કરવા માટે પંચે જકાત બોર્ડ રચવા ભલામણ કરી, પરંતુ સરકારે ઉદ્યોગદીઠ કામચલાઉ બોર્ડોની રચના કરવાની તથા જે-તે અરજીનો નિકાલ થતાં નિમાયેલ બોર્ડનું વિસર્જન કરવાની નીતિ અખત્યાર કરી હતી. આવી એકાંગી નીતિને લીધે ભારતમાં સમગ્રલક્ષી ઔદ્યોગિક વિકાસ માટેનો જરૂરી અભિગમ ઘડી શકાયો નહિ. ઉદ્યોગદીઠ કામચલાઉ બોર્ડની રચનાને લીધે રક્ષણ આપવા અંગેના નિર્ણયમાં વિલંબ થવા લાગ્યો અને જકાત-નીતિનું ઘડતર તથા તેના અમલની બાબતમાં સરકાર પાસે ખાસ અનુભવ એકત્ર થયો નહિ. એકંદરે ભારતના ઔદ્યોગિક વિકાસની દિશા તથા ગતિમાં અસંતુલન રહ્યું.

પંચની ભલામણોનો પહેલો લાભ પોલાદ-ઉદ્યોગને મળ્યો. તે ઉદ્યોગને રક્ષણ આપવા માટે 1924માં સરકારે કેટલાંક નક્કર પગલાં લીધાં. ભારતનો સુતરાઉ કાપડ-ઉદ્યોગ જાપાન તથા ઇંગ્લૅન્ડના કાપડ-ઉદ્યોગ સામે ટકી શકે તે માટે તેને 1927માં રક્ષણ આપવામાં આવ્યું. આ બે ઉદ્યોગો ઉપરાંત કાગળ (1925), ખાંડ (1932), દીવાસળી (1928), ભારે રસાયણ (1931) અને રેશમી તંતુ (1934) જેવા ઉદ્યોગોને રક્ષણ આપવામાં આવ્યું. સિમેન્ટ, કાચ તથા ખનિજ તેલશોધન (petroleum refining) ઉદ્યોગો રક્ષણમાંથી બાકાત રહ્યા. 1924-29ના અરસામાં ‘શાસક દેશને પસંદગી’(imperial preference)નું ધોરણ અખત્યાર કરવામાં આવ્યું. તેની ભારતીય ઉદ્યોગોના વિકાસ પર અવળી અસર થઈ. 1932માં ઓટાવા ખાતેની પરિષદ(Ottawa Imperial Conference)માં આ નીતિનું સમર્થન કરવામાં આવ્યું. ભારતનાં વ્યાપારી હિતોને નુકસાન કરનાર આ નીતિને લીધે ભારતીય પ્રજામાં તીવ્ર અસંતોષ ફેલાયો. પરિણામે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 1939માં જે વ્યાપારી કરાર થયો તેમાં ભારતમાં આયાત થતી ઇંગ્લૅન્ડની વસ્તુઓને પસંદગી આપવાનું ધોરણ હળવું કરવામાં આવ્યું.

1923-39ના ગાળામાં દાખલ કરવામાં આવેલી જકાત-નીતિ નજીવા ફેરફારો સાથે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચાલુ રાખવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે