ઇન્ડિયન કેમિકલ સોસાયટી : ભારતના કલ્પનાશીલ દેશભક્તો અને પ્રખ્યાત રસાયણજ્ઞોએ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉયને સંસ્થાપક પ્રમુખ અને પ્રો. જ્ઞાનેન્દ્રનાથ મુકરજીને સંસ્થાપક મંત્રી તરીકે નીમીને કૉલકાતામાં સ્થાપેલું રસાયણશાસ્ત્રને લગતું મંડળ. સ્થાપના : 1924. આ મંડળે તેનો હીરક મહોત્સવ ઑક્ટોબર (14-19), 1984માં ઊજવ્યો હતો.
આ મંડળ સ્થાપવા પાછળના બે મુખ્ય ઉદ્દેશો છે : રસાયણજ્ઞોએ તેમનાં સંશોધનો અંગે વિચારોનું પરસ્પર આદાનપ્રદાન કરવા માટેનું મિલનસ્થાન પૂરું પાડવાનો અને ભારતના રસાયણજ્ઞોએ તેમનાં સંશોધનપત્રો પ્રકાશિત કરવા માટેનું સામયિક બહાર પાડવાનો. જર્નલ ઑવ્ ઇન્ડિયન કેમિકલ સોસાયટીનો પ્રથમ અંક નવેમ્બર, 1924માં પ્રકાશિત થયો હતો. શરૂઆતમાં આ સામયિક ત્રિમાસિક હતું, જે 1928થી દ્વિમાસિક અને 1930થી માસિક બન્યું છે. વિશ્વભરમાંથી આ સામયિકને સારો આવકાર સાંપડ્યો છે.
આ મંડળનું વડું મથક કૉલકાતામાં છે. ભાગલપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ, દરભંગા, દહેરાદૂન, લખનૌ, ચેન્નાઈ, મુઝફરપુર, પટણા, સાગર, વૉલ્તેર વગેરે સ્થળોએ તેની શાખાઓ છે. મંડળના ફેલોની કુલ સંખ્યા 2000થી વધુ છે. યુવાન રસાયણજ્ઞોને ઉત્તેજન આપવા પારિતોષિકો આપવામાં આવે છે અને વિવિધ સ્થળોએ સ્મૃતિ-વ્યાખ્યાનમાળાઓ પણ યોજાય છે. 1963થી આ મંડળ કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કૅમિસ્ટ્સ (ઇન્ડિયા) અને સોસાયટી ઑવ્ બાયૉલૉજિકલ કેમિસ્ટ્સ(ઇન્ડિયા)ના સહકારથી સામાન્ય રીતે મંડળની શાખાઓના સ્થળે રસાયણજ્ઞોનું વાર્ષિક સંમેલન યોજે છે. તેનાથી રસાયણજ્ઞો વચ્ચે ગાઢ સંપર્ક અને નિષ્ઠાપૂર્વક તથા ગંભીર રીતે ચર્ચાવિચારણાની સગવડ ઊભી થઈ છે. સંમેલનમાં કાર્બનિક, અકાર્બનિક, સૈદ્ધાંતિક, પૃથક્કરણ અને ઔદ્યોગિક રસાયણ તથા જીવરસાયણ એમ છ શાખાઓમાં કાર્ય ચાલે છે.
આ મંડળના પ્રમુખોમાં ગુજરાતના ડૉ. આર. સી. શાહ (1963-64) અને ડૉ. આર. ડી. દેસાઈ(1967-68)નો સમાવેશ થાય છે.
રમેશ શાહ