ઇન્ડિયન એક્સપ્રેસ
January, 2002
ઇન્ડિયન એક્સપ્રેસ : ભારતનું એક અગ્રણી અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. 1931માં આયુર્વેદિક ડૉક્ટર પેરુમલ નાયડુએ ચેન્નાઈમાં શરૂ કરેલું, પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે ‘ફ્રી પ્રેસ જર્નલ’ના એસ. સદાનંદને વેચી દીધું. કોર્ટમાં કેસ જીતીને રામનાથ ગોયેન્કા નામના ઉદ્યોગપતિએ 1937માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકપત્ર હસ્તગત કર્યું. અખિલ ભારતીય સ્વરૂપના વર્તમાનપત્રનું સ્થાન વર્ષોથી મુંબઈના અંગ્રેજી દૈનિક ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’એ સ્પર્ધાના અભાવે જાળવી રાખેલું. ઉત્તરમાં ‘હિંદુસ્તાન ટાઇમ્સ’, દક્ષિણમાં ‘ધ હિન્દુ’ અને પૂર્વ ભારતમાં ‘સ્ટેટ્સમૅન’ અને ‘અમૃત બજાર પત્રિકા’ હજુ પ્રાદેશિક પત્રો ગણાતાં હતાં. આ સંજોગોમાં ‘ટાઇમ્સ’ જેવું અથવા ચડિયાતું વૃત્ત સામ્રાજ્ય ઊભું કરવા વિચાર્યું હોય તેમ રામનાથે ઝડપથી યોજનાબદ્ધ આગળ વધવા માંડ્યું. વિસ્તરણ સરળ નહોતું. 1942માં ‘ભારત છોડો’ આંદોલનના સમર્થનમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નું પ્રકાશન નિલંબિત કરાયું. 1944થી 48નાં કટોકટીભર્યાં વર્ષોમાં કૉલકાતાના ‘ઈસ્ટર્ન એક્સપ્રેસ’ને હસ્તગત કરી તેનું ‘નૅશનાલિસ્ટ’ નામ અપાયું; મુંબઈના ‘બૉમ્બે સ્ટાન્ડર્ડ’ને મેળવીને ‘નૅશનલ સ્ટાન્ડર્ડ’ નામ અપાયું; દિલ્હીમાં ‘ઇન્ડિયન ન્યૂઝ ક્રોનિકલ’ને ખરીદીને ‘દિલ્હી એક્સપ્રેસ’ નામ અપાયું. પછીનાં ચાર વર્ષોમાં ‘લોકસત્તા’ અને અંગ્રેજી ચિત્ર સાપ્તાહિક ‘સ્ક્રીન’ ચાલુ કરાયાં. દક્ષિણમાં ‘આંધ્રપ્રભા’ શ્રેણીમાં તેલુગુભાષી પત્રો સ્થાપવામાં આવ્યાં. 1953માં ‘એક્સપ્રેસ ન્યૂઝપેપર્સ’ તથા ભગિની સંસ્થાઓ સ્થાપી વ્યવસ્થાતંત્રમાં ફેરફારો કરાયા. મુંબઈ અને દિલ્હીનાં પત્રોનાં નામ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કરાયાં. પછીનાં વર્ષોમાં દેશના વિવિધ પ્રદેશોનાં નગરોમાંથી સ્થાનિક આવૃત્તિ રૂપે ‘ઇન્ડિયન ‘એક્સપ્રેસ’ની અંગ્રેજી આવૃત્તિઓ પ્રકાશિત થતી ગઈ : વિજયવાડા, 1959; બૅંગાલુરુ 1960; ચેન્નાઈ 1963; મદુરાઈ 1967; અમદાવાદ 1968; કોચી 1973; ચંડીગઢ અને હૈદરાબાદ 1977; વિજયનગર 1986; પુણે 1986; વડોદરા 1990; કોયમુત્તૂર 1991; નાગપુર તથા કોઝિકોડ 1992; આદિ. જુદી બાંધકામ પેઢી સ્થાપી કેટલેક સ્થળે સંસ્થાનાં પોતાનાં સગવડવાળાં કાર્યાલયો બાંધવામાં આવ્યાં. મુંબઈમાં એક્સપ્રેસ ટાવર્સ નામે બહુમાળી ભવન બાંધવામાં આવ્યું. ટ્રેડર્સ પ્રાઇવેટ લિ. નામની પેઢી દ્વારા અમદાવાદમાં ‘જનસત્તા’ તથા વડોદરામાં ‘લોકસત્તા’ ચાલુ ગુજરાતી દૈનિકો હસ્તગત કર્યાં. સાથે તેમનાં ‘રંગતરંગ’ જેવાં સામયિકો પણ લીધાં. વાણિજ્યક્ષેત્રનાં ‘ફાઇનાન્શિયલ એક્સપ્રેસ’ નામનાં દૈનિકો ગુજરાતી તથા અંગ્રેજીમાં પ્રગટ કર્યાં. મુંબઈમાં 1948થી ચાલતું મરાઠી દૈનિક ‘લોકસત્તા’ ‘એક્સપ્રેસ’ જૂથનું બન્યું. 1983માં મુંબઈથી ગુજરાતી દૈનિક ‘સમકાલીન’ પ્રકાશિત થયું. તેણે ઝડપથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ‘જનસત્તા’ નામનાં હિંદી દૈનિકો મહાનગરો સહિત બીજાં કેટલાંક નગરોથી આરંભાયાં. વાણિજ્યનાં વિવિધ ક્ષેત્રોનાં વિશેષ સામયિકો 1992થી પ્રગટ કરાયાં. 1996માં ‘ઇંડિયન એક્સપ્રેસ’ અંગ્રેજી દૈનિક તથા ‘સ્ક્રીન’ ચિત્રસાપ્તાહિક નવેસરથી પ્રગટ કરાયાં. ‘એક્સપ્રેસ ન્યૂઝલાઇન’ નામે વૃત્તસેવાનો આરંભ કરાયો. 1997માં ‘લોકસત્તા’ની સુવર્ણજયંતી ઊજવાઈ તથા ‘તામિલ એક્સપ્રેસ’ પત્ર ચાલુ કરાયું. 1999માં ‘કાર્ટૂન એક્સપ્રેસ’ નામે નવતર પત્રનો આરંભ કરાયો. ‘લોકસત્તા’ની મુંબઈ આવૃત્તિ પાંચ લાખના ફેલાવાને આંબી ગઈ. બીજા નવા પ્રયોગો પણ કરાયા. ઉત્તર-દક્ષિણ બે જૂથરચના પૂર્વે 18 નગરોમાંથી તેનું પ્રકાશન થતું હતું તા. 16 જૂન, 2000ના દિવસે ન્યૂયૉર્કથી આંતરરાષ્ટ્રીય ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાપ્તાહિકનો આરંભ થયો. આમ દેશના વૃત્તપત્રોના ઇતિહાસમાં ‘ઇંડિયન એક્સપ્રેસે’ પડતાં આખડતાં રહીને પણ તેનું સ્થાન જાળવી રાખ્યું.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ગ્રૂપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર વિવેક ગોયેન્કા છે. વર્ષ 2013માં એના મુખ્ય સંપાદક શેખર ગુપ્તા છે. પત્રકારત્વ, ઉદ્યોગ, પર્યટન, અને આરોગ્યના ક્ષેત્રે મહત્વનું કામ કરનારને આ ગ્રૂપ તરફથી ઍવૉર્ડ આપવામાં આવે છે.
બળવંતરાય શાહ
બંસીધર શુક્લ