ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ : વિશ્વવિખ્યાત ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામને 1934માં સ્થાપેલી સંસ્થા. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય વિજ્ઞાન(શુદ્ધ અને પ્રયુક્ત)નો વિકાસ સાધવાનું અને તેના ઉદ્દેશોને ટેકો આપવાનું છે. (i) વિજ્ઞાનનાં સામયિકો અને પુસ્તકોનું પ્રકાશન, (ii) ચર્ચાસભાઓ અને કાર્યશિબિરોનું આયોજન અને (iii) વાર્ષિક સંમેલન ભરવું – એ આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ છે. 1999ના અંતભાગથી સંસ્થા દ્વારા વિવિધ વિષયોના અધ્યાપકો માટેના ઓપવર્ગો પણ ચલાવવામાં આવે છે. આ એકૅડેમી હાલમાં વિવિધ વિજ્ઞાન વિદ્યાશાખાઓનાં 12 જેટલાં સામયિકો પ્રકાશિત કરે છે. આ સામયિકો તેમાં ચર્ચાયેલ વૈજ્ઞાનિક વિષય-વસ્તુ તથા તેની રજૂઆત માટે સર્વત્ર પ્રશંસા પામેલ છે.

ઈ. સ. 2006 સુધીમાં એકૅડેમીના 834 ફેલો અને 45 માનાર્હ ફેલો હતા. પ્રો. સી. વી. રામને 1934-70 સુધી આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. હાલ પ્રો. અજયકુમાર સુદ તેના પ્રમુખ છે.

રમેશ શાહ