ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સૉઇલ સાયન્સ (ભોપાલ) : પર્યાવરણને નુકસાન કર્યા સિવાય મૃદા-સંસાધન(soil-resource)ની ઉત્પાદકતા ઉચ્ચ સ્તરે ટકી રહે તે માટેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડતી ભારતીય સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ-સંશોધન પરિષદે (Indian Council of Agricultural Research, New Delhi; ICAR) 1988માં ભોપાલ ખાતે મૃદા-સંસાધન અંગે પાયાનું અને વ્યૂહાત્મક સંશોધન કરવા માટે કરી.

હેતુઓ : (1) મૃદામાં પોષક તત્વો, પાણી અને ઊર્જાના વ્યવસ્થાપન સંબંધી ભૌતિક, રાસાયણિક અને જૈવિક પારંપરિક પ્રક્રિયાઓ બાબત પાયાનું અને વ્યૂહાત્મક સંશોધન કરવું. (2) મૃદામાં વપરાતા પદાર્થોના વ્યવસ્થાપનની ટકાઉ પ્રણાલીઓ (systems) માટે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે તેવી સૌથી વધુ સક્ષમ અદ્યતન તાંત્રિકતાનો વિકાસ કરવો. (3) ખેતી, જંગલ, મત્સ્ય-ઉદ્યોગ અને પર્યાવરણને લગતું સંશોધન કરતી જુદી જુદી સંસ્થાઓને મદદરૂપ થવા જરૂરી કુશળતા(expertise)નો વિકાસ કરવો. (4) સમૂહ-ચર્ચાઓ, સમસ્યાલક્ષી ચર્ચાઓ (symposia), પરિષદો અને પ્રકાશનો દ્વારા ઉપરના જેવી કામગીરી કરતા વૈજ્ઞાનિકો સાથે માહિતીની આપ-લે કરવી. (5) ઉપરના હેતુઓ પાર પાડવા માટે રાજ્યની કૃષિ-યુનિવર્સિટીઓ તથા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને બીજી સંશોધન-સંસ્થાઓ સાથે સહયોગ સાધવો. (6) મૃદાની ગુણવત્તા અને ઉત્પાદકતાને લગતી આંકડાકીય માહિતીના ભંડારનો વિકાસ કરવો. નબળી આંકડાકીય માહિતીને ર્દઢ અને મજબૂત કરવા પાયાનાં અને વ્યૂહાત્મક વધુ સંશોધનો કરવાં. (7) વિકસાવેલ તાંત્રિકતાને ખેડૂતોના ખેતર પર બારીકાઈથી ચકાસવી. (8) નિદાન સર્વેક્ષણની કામગીરી કરવી.

સ્ટાફની વ્યવસ્થા તથા વિભાગો : સંસ્થાની સર્વ કામગીરી ડિરેક્ટરના નેજા હેઠળ ચાલે છે. સંસ્થાના ડિરેક્ટર ભારતીય કૃષિ સંશોધન પરિષદ, નવી દિલ્હીના ડિરેક્ટર જનરલ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ(નૅચરલ રિસૉર્સ મૅનેજમેન્ટ)ને જવાબદાર હોય છે.

સંસ્થાના ડિરેક્ટરને મદદરૂપ થતા ચાર વિભાગીય વડા તથા ચાર પ્રૉજેક્ટ કોઑર્ડિનેટરોના માર્ગદર્શન હેઠળ વિવિધ વિષયોના ઉપલા દરજ્જાના વૈજ્ઞાનિકો, અલગ અલગ તાંત્રિકીના વૈજ્ઞાનિકો તથા અન્ય સ્ટાફની મદદથી સંશોધન કરવામાં આવે છે.

વિભાગો : (1) મૃદા-ભૌતિક વિજ્ઞાન; (2) મૃદા-રસાયણશાસ્ત્ર અને ફળદ્રૂપતા; (3) મૃદા-જીવવિજ્ઞાન; (4) પર્યાવરણીય મૃદા-વિજ્ઞાન.

ઑલ ઇન્ડિયા કોઑર્ડિનેટેડ રિસર્ચ પ્રૉજેક્ટો : (1) સૂક્ષ્મ અને દ્વિતીયક પોષકો અને મૃદા-પ્રદૂષકો (soil-pollutants); (2) લાંબા-ગાળાના ખાતરના પ્રયોગો; (3) જૈવિક ખાતરો; (4) મૃદાની કસોટી અને પાકની પ્રતિક્રિયા.

સંશોધનપ્રાપ્તિ : આ સંસ્થાએ પાયાનું સંશોધન કરી અગત્યની માહિતીઓ પ્રાપ્ત કરવામાં સારી એવી પ્રગતિ કરી છે. તે ઉપરાંત નીચેનાં ક્ષેત્રોમાં સહેલાઈથી અપનાવી શકાય તેવી તકનીકોનો વિકાસ કર્યો છે :

પાકના અવશેષોમાં રહેલાં પોષક તત્વોને તે પછીના પાક માટે ફરીથી મૃદામાં લભ્ય રૂપમાં ફેરવવાં; પાકને સંકલિત રીતે પોષક તત્વો પૂરાં પાડવાં; મૃદા-ચકાસણીના આધારે ખાતરોની ભલામણ; મૃદાની લાંબા ગાળાની ફળદ્રૂપતા-વ્યવસ્થાપનની રીતોની પશ્ચાત્ અસરોની તપાસ; નકામા પદાર્થો અને પાકના અવશેષોનું વ્યવસ્થાપન; મૃદામાં જૈવિક નાઇટ્રોજનનું સ્થિરીકરણ તથા જૈવિક ખાતરો દ્વારા પોષક તત્વો પૂરાં પાડવાં; જુદા જુદા પ્રકારની મૃદા માટે ખેડની જરૂરિયાત નક્કી કરવી; જલવિભાજક (watershed) પદ્ધતિના આધારે કુદરતી સ્રોતોનું સંકલિત વ્યવસ્થાપન કરવું.

આ સંસ્થાની અગત્યની સંશોધન-પ્રાપ્તિ નીચે પ્રમાણે છે : (1) મધ્ય ભારતની કાળી મૃદામાં લેવાતા સોયાબીન–ઘઉં પાક પદ્ધતિ માટે સંકલિત રીતે પોષક તત્વો પૂરાં પાડવાનાં પ્રતિરૂપકો(modules)નો વિકાસ કર્યો. (2) વિવિધ પ્રકારની મૃદામાં પોષક તત્વોની ચક્રીય પ્રક્રિયાઓ સમજવા માટેના ઘણાબધા પાયાના અભ્યાસો કર્યા. (3) મુખ્ય પ્રકારની મૃદામાં અલગ અલગ પાક-પ્રણાલીઓ હેઠળ ઘનિષ્ઠ પાક-પ્રણાલી અને ખાતરોના વપરાશથી લાંબા ગાળે  ખાસ કરીને નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ અને સલ્ફર જેવાં પોષક તત્વોના પ્રમાણમાં થતા ફેરફારો વ્યાપકતાએ સમજીને દસ્તાવેજ રૂપે પ્રકાશિત કર્યા. આ માહિતીનો ઉપયોગ વિવિધ પાકો માટે સુધારેલ ખાતરોની ભલામણ નક્કી કરવામાં થઈ રહ્યો છે. (4) જુદી જુદી પાક-પ્રણાલીઓ હેઠળ જમીનમાંના ફૉસ્ફરસને લભ્ય રૂપમાં ફેરવવામાં સેન્દ્રિય ખાતરોનો શું ફાળો છે તે નક્કી કરવામાં આવ્યું. (5) જુદાં જુદાં ગણિતીય પ્રતિરૂપો (models) દ્વારા મુખ્ય પ્રકારની મૃદામાં પોટાશ કેવી રીતે છૂટું પડે છે તે પ્રક્રિયાને વિગતવાર સમજવામાં આવી. (6) મૃદામાં અલ્પ પ્રમાણમાં રહેલા ફૉસ્ફરસ માટે મૅલેકાઇટ ગ્રીન અને ફ્લોરાઇડ માટે આયન વિનિમય (exchange) પદ્ધતિઓ વિકસાવવામાં આવી. (7) મૃદા-વનસ્પતિ તંત્ર (soil-plant system) હેઠળ મૃદામાં માવજતોથી જસતની લભ્યતા વધારી તેની વપરાશ-ક્ષમતા વધારવા ઘણા અભ્યાસોનું આયોજન કરવામાં આવ્યું. (8) ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સામયિકોમાં ઘણાં સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં તથા ઉત્કૃષ્ટ સંશોધન માટે પારિતોષિકો મેળવ્યાં. (9) સંસ્થા પાસે ઉપલબ્ધ વૈજ્ઞાનિક કુશળતાના ઉપયોગથી સૌથી મહત્વની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધનસંસ્થાઓ; જેવી કે ICRISAT (International Crop Research Institute of Semi-Arid Tropics, Hyderabad), FAO (Food and Agricultural Organization, Rome), ACIAR (Australian Centre for International Research, Australia) અને ICAR તથા અગત્યની રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ સાથે સહયોગી સંશોધન પરિયોજનાઓ (projects) હાથ ધરવામાં આવી.

હાલ ચાલતું સંશોધનકાર્ય : રાષ્ટ્રના મુખ્ય મૃદા-સમૂહોમાં પોષક તત્વોમાં થતી વધ-ઘટ, સંગ્રહ તેમજ તરલતા માટે જવાબદાર મૃદા અને પાકોના પાયાનાં પરિબળો તથા પ્રક્રિયાઓ ઓળખવાં અને તેનું પ્રમાણ નક્કી કરવું. વિવિધ પાકોમાં પોષક તત્વોની પ્રતિક્રિયા (response) વધારવી. નાઇટ્રોજન, ગંધક, જસત અને લોહની લભ્યતા વધારવામાં સૂક્ષ્મજીવાણુઓ, ફૂગ (વામ), મૂળિયામાંથી થતા ઝમણનો ફાળો નક્કી કરવો.

જમીનમાં સેન્દ્રીય તત્વની ગુણવત્તા જાણવા માટે તેના વિવિધ સંયોજન-સમૂહોની કાર્યશક્તિનો અભ્યાસ કરવો. મૃદાના સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિમાણો નક્કી કરવાં.

જમીનમાં એકત્ર થતાં હાનિકારક ભારે તત્વોની પાકો પર થતી માઠી અસર ઘટાડવી તથા તેના ક્રાંતિક મૂલ્ય (critical value) નક્કી કરવા સંશોધન કરવું.

જગદીશભાઈ પટેલ