ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી
January, 2002
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી: જાદવપુર (કૉલકાતા) ખાતેની રાષ્ટ્રીય સંશોધનસંસ્થા. મૂળ 1935માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ નામથી ડૉ. જે. સી. રે (તેના સ્થાપક-નિયામક) અને તેમના દીર્ઘર્દષ્ટિવાળા સાથીદારોની પ્રેરણાથી સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થપાઈ હતી. 1956માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે તેનો હવાલો સંભાળતાં તેનું નવું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયૉકેમિસ્ટ્રી ઍન્ડ એક્સપેરિમેન્ટલ મેડિસિન આપવામાં આવેલું અને મધ્ય કૉલકાતામાં પ્રિન્સેસ સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં તે કાર્ય કરતી હતી. 1964થી તે હાલના સ્થાને ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એક્સપેરિમેન્ટલ મેડિસિન’ નામથી કાર્ય કરે છે. માર્ચ, 1981માં તેને હાલનું નામ આપવામાં આવ્યું છે. આ વૈજ્ઞાનિક સંશોધનના વિકાસ માટેના રાષ્ટ્રીય જુસ્સા અને પ્રયત્નના પ્રતીકરૂપ તબીબી સંશોધન માટેની આ પ્રથમ બિનસરકારી સંસ્થા ગણાય છે. આ સંસ્થાએ દેશના વર્તમાન તબીબી અને જીવશાસ્ત્ર અંગેના પ્રશ્નોના ઉકેલને અગ્રિમતા આપી છે. ELISA (Enzyme linked immunosorbent assay) પદ્ધતિનો ઉપયોગ કરીને રોગનિદાનની રીતો, કૉલેરા માટેની મુખમાર્ગી (oral) રસી, નવાં ઔષધો(ખાસ કરીને કાલા આજાર માટેનાં)ની શોધ વગેરે અંગે સંશોધન હાથ ધરવામાં આવેલું છે.
રમેશ શાહ