ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ (IIA) : ભારત સરકારની સંપૂર્ણ સહાય મેળવતી ખગોળ-ભૌતિકીના સંશોધન માટેની સ્વાયત્ત સંસ્થા. 1786માં સૌપ્રથમ ખાનગી વેધશાળા તરીકે ચેન્નાઈમાં આ સંસ્થાની શરૂઆત થઈ હતી. હાલના માળખામાં રૂપાંતરિત થતાં અગાઉ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અને ભારત સરકારના આધિપત્ય નીચે તે કામ કરતી હતી. આ સંસ્થાના બૅંગાલુરુ, કોડાઇકેનાલ, કાવાલુર અને ગૌરીબિદનુર એમ ચાર મથકો છે. ત્યાં ખગોળ અને ખગોળભૌતિકીને લગતાં અવલોકનો અને માહિતીનું પૃથક્કરણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ખગોળ-ભૌતિકીની વિવિધ શાખાઓને લગતા સંશોધનસાહિત્યનો વિપુલ સંગ્રહ તેના બૅંગાલુરુ-સ્થિત મુખ્ય ગ્રંથાલયમાં રાખવામાં આવેલો છે.

આ સંસ્થાના બે સદીના ઇતિહાસમાં કેટલીય નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ થયેલી છે. તેમાં ચેન્નાઈમાંથી ઓગણીસમી સદીમાં કરેલી ક્ષુદ્રગ્રહો (asteroids) અને રૂપવિકારી તારા(variable stars)ની, કોડાઇકેનાલમાંથી સૂર્યકલંકો(sun spots)ની આસપાસ દ્રવ્યના અરીય (radial) પ્રવાહની તથા કાવાલુરમાંથી યુરેનસ અને શનિની આજુબાજુ અજ્ઞાતવલયરચનાની શોધો નોંધપાત્ર છે. આ સંસ્થાએ પૂર્ણ રીતે સ્વદેશી 234 સેમી. દ્વારક (aperture) ધરાવતો પ્રકાશિક (optical) ટેલિસ્કોપ 1985માં રચ્યો છે, જે એશિયામાં સૌથી મોટો ગણાય છે.

જે. સી. ભટ્ટાચાર્ય

અનુ. રમેશ શાહ