ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશન
January, 2002
ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશન : ભારતીય અર્થશાસ્ત્રમંડળ : સ્થાપના 1917. ભારતમાં અર્થશાસ્ત્ર વિષયના સૈદ્ધાંતિક અને પ્રયુક્ત અભ્યાસને તથા તેના સંશોધનને પ્રોત્સાહન આપતું મંડળ. પ્રથમ કન્વીનર પ્રો. હૅમિલ્ટન તથા રાષ્ટ્રીય કક્ષાના આર્થિક પરિષદના પ્રથમ અધ્યક્ષ પ્રો. પર્સી એન્સ્ટે હતા. પ્રો. એમ. એલ. ટેનાન, પ્રો. સી. એન. વકીલ, પ્રો. એમ. એલ. દાંતવાળા, પ્રો. ડી. આર. ગાડગીલ, પ્રો. ડી. ટી. લાકડાવાલા, પ્રો. આઇ. જી. પટેલ, પ્રો. એ. કે. સેન તથા ડૉ. મનમોહનસિંગ જેવા વિખ્યાત અર્થશાસ્ત્રીઓએ આ સંસ્થાની વાર્ષિક પરિષદોનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે.
મંડળનાં ધ્યેયો : (1) અર્થશાસ્ત્ર વિષયના સૈદ્ધાંતિક અને પ્રયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવું. (2) અર્થશાસ્ત્ર વિષય પરત્વે લોકોની અભિરુચિ વધે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યાઓનું સ્વરૂપ તથા તેના ઉકેલના વિકલ્પો પર પ્રકાશ પાડવા માટે જ્ઞાનગોષ્ઠી, ચર્ચાસભાઓ, પરિસંવાદો, વાર્ષિક પરિષદો અને સંમેલનો યોજવાં. (3) આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠનો તથા દેશવિદેશના આર્થિક નિષ્ણાતો વચ્ચે પરસ્પર સંપર્ક અને સહકારને પ્રોત્સાહન આપવું. (4) અર્થશાસ્ત્ર વિષયમાં થતાં સંશોધનોનો પ્રસાર કરવો. અર્થશાસ્ત્ર વિષય તરફ વિદ્યાર્થીઓને આકર્ષવા તથા તે શીખવવા માટે સક્ષમ શિક્ષકો તૈયાર કરવા તે તેનું સ્થાપનાસમયનું ધ્યેય હતું.
સંસ્થાના કામકાજ પર દેખરેખ રાખવા માટે એક મધ્યસ્થ કારોબારી સમિતિ તથા અન્ય સમિતિઓની રચના લોકશાહી ઢબે એક જમાનામાં કરવામાં આવે છે. વાર્ષિક પરિષદના પ્રમુખની ચૂંટણી પણ દર વર્ષે લોકશાહી ઢબે થાય છે. તેના નેજા હેઠળ ‘ધી ઇન્ડિયન ઇકૉનૉમિક જર્નલ’ નામનું ત્રૈમાસિક પ્રકાશિત થાય છે. તેનું સંપાદન પ્રો. ડી. ટી. લાકડાવાલા તથા પ્રો. પી. આર. બ્રહ્માનંદ કરતા હતા.
ભાનુપ્રસાદ છોટાલાલ ઠાકર