ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.) : ભારતમાં ઉદ્યોગો માટે કારીગરો તૈયાર કરતી સંસ્થા. ઉદ્યોગો માટે તાલીમ પામેલા અર્ધકુશળ અને કુશળ કારીગરો પૂરતી સંખ્યામાં સતત મળી રહે, ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે, શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે અને સ્વરોજગાર માટે તેઓ તૈયાર થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

આઝાદી પૂર્વે, 1940માં ભારતમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘બેવીન બૉયઝ’ની યોજના લશ્કરની જરૂરિયાત અનુસાર ઉચ્ચકક્ષાના કારીગરો મેળવવા માટે શરૂ કરાઈ હતી. ત્યારબાદ લશ્કરમાંથી છૂટા કરાયેલા સૈનિકોને થાળે પાડવા ‘રાષ્ટ્રીય કારીગર પ્રમાણપત્ર’ અભ્યાસક્રમો શરૂ કરાયા હતા. 1950થી સામાન્ય નાગરિકો માટે આ તાલીમ યોજના શરૂ કરાઈ છે. 1951માં અનંતશયનમ્ સમિતિએ ‘ભારતીય ટ્રેડ સર્ટિફિકેશન બોર્ડ’ સ્થાપવા સૂચવ્યું હતું. 1959માં ભારત સરકારે વ્યવસાયી અને ટેક્નિકલ શિક્ષણ અંગે સલાહ આપવા માટે ‘નૅશનલ કાઉન્સિલ ફૉર ટ્રેઇનિંગ ઇન વોકેશન’ સંસ્થાની રચના કરી હતી. તે હાલ આ કામ સંભાળે છે. અને નવા અભ્યાસક્રમો ઘડવા વગેરે અંગે સલાહસૂચનો આપે છે.

ગુજરાતમાં 8-10 ધોરણો ઉત્તીર્ણ કરનાર 15થી 25 વર્ષની વ્યક્તિને આ સંસ્થામાં પ્રવેશ અપાય છે. આ યોજના પ્રમાણે ઇજનેરી અને બિનઇજનેરી મળીને એકંદરે નીચે જણાવેલા વ્યવસાયોની તાલીમ અપાય છે.

શીતકૂલન અને વાતાનુકૂલન, કાંડા ઘડિયાળ અને દીવાલ ઘડિયાળની દુરસ્તી, મોટર મિકૅનિક, વીજળી કારીગર, ટર્નર, ફિટર, વાયરમૅન, વેલ્ડર, લઘુલિપિ (અંગ્રેજી), રેડિયો અને ટી. વી. કારીગર, હૅન્ડ કંપૉઝિંગ, જનરલ મિકૅનિક, લઘુલિપિ (ગુજરાતી) અને મોજણીકાર એમ 16 ઔદ્યોગિક તાલીમ અભ્યાસક્રમો છે. ઇજનેરી અને તેને સંલગ્ન વ્યવસાયોમાં વાયરમૅન ઍપ્રેન્ટિસ, ઇલેક્ટ્રિશિયન, સુથારીકામ, સીને પ્રોજેક્શન, સિવિલ નકશાગાર અને અંદાજ, નકશાગાર (યાંત્રિક), રેડિયોદુરસ્તી, બિનતાર સંદેશાચાલક, કમ્પ્યૂટર, ઇન્ફર્મેશન ટેક્નૉલોજી, ઑટોમોબાઇલ ઇજનેરી, યાંત્રિક ઇજનેરી, વિદ્યુત ઇજનેરીનું કામ, નિભાવકુશળ કારીગર, ઉત્પાદન-કુશળ કારીગર, વિદ્યુતસેવાકુશળ કારીગર, ભઠ્ઠી કુશળ કારીગર, જનરલ મિકૅનિક, ઘડિયાળ ઉદ્યોગ કુશળ કારીગર, કામદારનેતૃત્વ અને નિરીક્ષણ, મોટર-વાઇન્ડિંગ, ફર્નિચરકામ, રેડિયોગ્રાફી, પ્રાયોગિક વિજ્ઞાન, રેડિયો-સહ-ટ્રાન્ઝિસ્ટર મિકૅનિક, સ્કૂટર મિકૅનિક, પૂંઠાકામ અને પુસ્તકબાંધણી, ચર્મકામ, હીરા ઘસવાની કારીગરી, રમકડાંકામ અને ઢીંગલીકામ, ફૂલ-સજાવટ, લેટરપ્રેસ કંપૉઝિટર, હૅન્ડ કંપૉઝિટર, અર્ધ તબીબી સેવા તાલીમ, દૂધપેદાશ એકમ કારીગર, રસાયણ એકમ ચાલક, યંત્ર કારીગર, આંતરિક દહનયંત્ર કારીગર, તબીબી પ્રયોગશાળા કારીગર, છબીકલા, રેડિયો સર્કિટ, વાયરિંગ અને વિજાણુશાસ્ત્ર કારીગર – એમ કુલ 45 અભ્યાસક્રમો છે. કાપડઉદ્યોગ અને તેને સંલગ્ન વ્યવસાયોમાં હાથશાળ અને યંત્રશાળ વણાટ, માનવસર્જિત રેસાઓની ભીની ક્રિયા (wet precess) કાપડરૂપાંકન, કાપડકાંતણ, કાપડવણાટ, માનવસર્જિત રેસાવણાટ, બાટીક, હાથશાળ વણાટ – એ આઠ અભ્યાસક્રમો છે. સીવણ અને તેને સંલગ્ન અભ્યાસક્રમોમાં સ્ત્રીઓ અને બાળકોનાં કપડાં સીવવાનો, સીવણ અને વેતરણ, ભરતકામ, ગૂંથણકામ, સીવણ નિષ્ણાત અને તેના શિક્ષકની તાલીમ એમ પાંચ અભ્યાસક્રમો છે. અંધજનો માટે આર્મેચર વાઇન્ડિંગ, જનરલ મિકૅનિક, હાથશાળ અને યંત્રશાળ વણાટ, કોતરકામ, પૂંઠાકામ અને પુસ્તકબાંધણી અને સુથારીકામ – એમ સાત ખાસ અભ્યાસક્રમો છે. આહારવિદ્યા(food crafts)ના અભ્યાસક્રમોમાં આહાર-જાળવણી, આહારગૃહ સ્વાગતકાર્ય અને હિસાબીકામ, ઉપાહારગૃહ અને આનુષંગિક સેવાઓ, રાંધણકળા, બેકરી અને મિષ્ટ વાનગી – એમ પાંચ અભ્યાસક્રમો છે. કેટલાક અભ્યાસક્રમો બેવડાય છે.

ગુજરાતમાં 1957માં ગાંધીધામ (કચ્છ), જામનગર, અને અમદાવાદમાં આવી ઔદ્યોગિક તાલીમસંસ્થાઓ શરૂ કરાઈ હતી. 1960માં ગુજરાતની આવી નવ સંસ્થાઓમાં 950 તાલીમાર્થીઓ માટે સગવડ હતી. 1985-86માં 35 ઔદ્યોગિક તાલીમસંસ્થાઓમાં 21,908 વ્યક્તિઓ માટે તાલીમની સગવડ હતી અને 66 ખાનગી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં 6288 વ્યક્તિઓ માટે તાલીમની સગવડ હતી. 23 સરકારી ટેક્નિકલ શાળાઓમાં પણ આમાંના કેટલાક અભ્યાસક્રમો દાખલ કરાયા છે. આજે વર્ષ 2001ના હિસાબે કુલ 206 આઇ. ટી. આઇ. છે, જેમાં આશરે 56,000 બેઠકો છે. દરેક જિલ્લામાં સરેરાશ 7થી 8 સંસ્થાઓ છે. 2012માં તો આઈટીઆઈની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારવામાં આવી છે. એટલું જ અભ્યાસ કર્યાનું સ્તર ઘણું ઊંચું લઈ જવામાં આવ્યું છે.

વી. જે. જાની