ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલૉજિકલ સેન્ટર : રાસાયણિક પ્રદૂષણની સ્વાસ્થ્ય ઉપરની અસર અટકાવવાનું તેમજ તેની સારવારનું કેન્દ્ર. સંશોધન માટે ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે નવેમ્બર 1965માં તેની સ્થાપના કરી હતી. તેના મુખ્ય હેતુઓ અને ઉદ્દેશો આ પ્રમાણે છે : (1) વ્યવસ્થિત આરોગ્ય સર્વેક્ષણ દ્વારા, ઉદ્યોગો અને ખેતરોમાં કામ કરતા કામદારોના આરોગ્યને હાનિ કરે તેવા પદાર્થો શોધવા. (2) ઉદ્યોગ, ખેતી અને રોજિંદા જીવનવ્યવહારમાં વપરાતાં રસાયણો સામે રક્ષણાત્મક જોગવાઈ કરવી. (3) રાસાયણિક પ્રદૂષકોની અસરોનો અભ્યાસ કરવો અને તેને લગતાં વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં સંશોધન વિકસાવવું. (4) નિદાનપરીક્ષણો વિકસાવીને તેની સારવાર તથા પ્રતિરોધ અંગે સૂચનો કરવાં અને (5) જોખમી રસાયણો અંગે માહિતી એકઠી કરીને તેનો પ્રચાર કરવો.

તેના ત્રણ વિભાગો છે : (1) મુખ્ય કૅમ્પસ, મહાત્મા ગાંધીમાર્ગ, લખનૌ, (2) ઘેરુ કૅમ્પસ, ઘેરુ, લખનૌ તથા (3) વ્યાવસાયિક આરોગ્યકેન્દ્ર, કાનપુર.

સુધીર કે. દવે