ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ

January, 2002

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) : ભાવિ પર્યાવરણ અંગે વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરતી સંસ્થા; જેને 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. આ નોબેલ પુરસ્કારમાં અમેરિકાના પૂર્વ ઉપપ્રમુખ આલ્બર્ટ આર્નોલ્ડ ગોર સહભાગી હતા.

1988 દરમિયાન ધ ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(IPCC)ની સ્થાપના યુનાઇટેડ નૅશન્સ ઍન્વાયરન્મૅન્ટ પ્રોગ્રામ (UNEP) અને વર્લ્ડ મિટિયૉરૉલૉજિકલ ઑર્ગેનિઝેશને (WMO) આબોહવા-બદલાવની સંકીર્ણ અને અગત્યની બાબતો વિશે સ્વતંત્ર અને વૈજ્ઞાનિક સલાહ આપવા માટે કરી હતી. યુનાઇટેડ નૅશન્સની આ સંસ્થા વિજ્ઞાનીઓથી બનેલું એક જાળમાળખું (network) છે. તે 3,000 સભ્યોની બનેલી સંસ્થા છે. તેમાં વિશિષ્ટ પર્યાવરણવિજ્ઞાનીઓ જેવા કે ઓશનોગ્રાફર, હિમ અંગેના તજજ્ઞો તેમજ અર્થશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો કામગીરી બજાવે છે. આ ઉપરાંત તેમાં 130 રાષ્ટ્રોના સરકારી પ્રતિનિધિઓ અને નીતિનિર્ણાયકો જોડાયેલા છે. યુનોની આ જિનીવાસ્થિત સંસ્થાના વડા ભારતના પર્યાવરણવિદ રાજેન્દ્ર કે. પચૌરી છે. આઇ.પી.સી.સી. વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરતી સંસ્થા છે; પરંતુ તે નીતિવિષયક નિર્ણયો કરતી નથી. નીતિવિષયક નિર્ણયો જે તે દેશની જવાબદાર વ્યક્તિઓ કરે છે. ભવિષ્યમાં પર્યાવરણ અંગે શું અને કેવા પ્રશ્નો પેદા થશે તેની તે આગાહી કરે છે. તેના મતે વૈશ્વિક તાપમાન(global warming)ને કારણે હવામાન-પરિવર્તનની સ્થિતિ પેદા થઈ છે, જે વૈશ્વિક સ્થિરતા અને શાંતિને જોખમમાં મૂકવાની શક્યતા તથા ક્ષમતા ધરાવે છે. આઇ.પી.સી.સી.એ આથી જ ગ્રીનહાઉસ-વાયુઓ વિશે વિવિધ દેશોને સાવધાન કર્યા છે. ગ્રીનહાઉસ-વાયુઓ – કાર્બન-ડાયૉક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઑક્સાઇડ રાત્રે અવકાશમાં ફેંકાનાર ગરમીને અટકાવી દે છે; તેથી પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે. આ કારણથી વૈશ્વિક તાપમાનની સ્થિતિ પેદા થાય છે. એ જ રીતે બ્રાઉન ક્લાઉડ્ઝ (તપખીરિયા રંગનાં વાદળો) રચાય છે. પર્યાવરણના આવા બગાડને કારણે ઋતુઓનો પ્રાકૃતિક ક્રમ ખોરવાય છે. શિયાળામાં ભારે ગરમી કે ઉનાળામાં ભારે વરસાદ અનુભવાય એમ બને. બીજી તરફ રણવિસ્તારોમાં ભારે વરસાદ અને બારમાસી વરસાદ ધરાવતા વિસ્તારોમાં તેની અછત જેવી સ્થિતિ પેદા થાય છે. વૈશ્વિક તાપમાનને કારણે વિશ્વભરની હિમનદીઓ (ગ્લૅશિયરો) – હિમશિલાઓ ઓછેવત્તે અંશે પીગળવા માંડી છે. તિબેટના ઉચ્ચપ્રદેશમાં 46,000 હિમનદીઓ છે. હિમાલયની હિમનદીઓ એશિયાની મોટામાં મોટી નવ નદીઓને પાણીનો સ્રોત પૂરો પાડે છે. જો આ હિમનદીઓ ઓગળવાની પ્રક્રિયા લાંબી ચાલી તો 50 વર્ષમાં હિમાલય પર હિમ અને બરફ આચ્છાદન રહેશે નહિ. એથી તિબેટથી માંડીને ચીન, ભારત અને અન્ય એશિયાઈ દેશોના અર્થતંત્રને ભારે નુકસાન થશે. પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી અસંખ્ય વનસ્પતિઓની વિવિધ જાતો તેમજ જીવજંતુઓનો વિનાશ થશે.

એપ્રિલ, 2002માં રાજેન્દ્ર પચૌરી આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ નિમાયા. વૈશ્વિક તાપમાન એક વાસ્તવિકતા છે અને તે અંગે પચૌરીએ સતત વિશ્વનું ધ્યાન દોર્યા કર્યું. જો વૈશ્વિક તાપમાનની ઘટનાને અવગણવામાં આવે તો તેથી સમગ્ર વિશ્વની શાંતિ અને સ્થિરતા જોખમમાં મુકાય એમ તેમણે કહ્યું. આથી ગ્રીનહાઉસ-ગૅસ વિશે વિવિધ દેશોને સાવધાન કર્યા. આમ છતાં 1996થી 2005 દરમિયાન ગ્રીનહાઉસ-ગૅસની માત્રામાં 20 ટકાનો વધારો થયો છે; એથી પાણીની અછત પેદા થાય તેવી સ્થિતિ ઊભી થવા અંગે તેમણે સૌનું ધ્યાન દોર્યું. આ અંગે સર્વસંમતિનું વાતાવરણ ઊભું કરવાનો તેમજ આ ચેતવણી વિશ્વ સમક્ષ રજૂ કરવાનો તેમણે પ્રયાસ કર્યો. આ અંગે 2007માં તેમણે રજૂ કરેલો ચોથો અહેવાલ ધ્યાનપાત્ર છે. આ અહેવાલમાં વૈશ્ર્વિક તાપમાન અંગેનું પરિપૂર્ણ ર્દષ્ટિબિંદુ રજૂ કરવામાં આવ્યું. 21મી સદીમાં વિશ્વનું તાપમાન 1.1 અને 6.4 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે વધશે. દરિયાની સપાટી 18થી 59 સેમી. ઊંચી જશે. વિશ્વ વધુ દુષ્કાળો, વાવાઝોડાંઓ સાથે દરિયામાં ભારે ભરતી અનુભવશે. એથી જીવજંતુ(species)ઓની જીવનવ્યવસ્થા ખોરવાશે તેમજ ટાપુઓ અને ખેતજમીનો માટે ભારે ખતરો પેદા થશે. બદલાતું તાપમાન ગરમીના પારાને વેગ આપતું હોવાથી દુષ્કાળ, પૂર અને ભારે પ્રાકૃતિક તોફાનોનો સામનો કરવાનું જોખમ માનવજાત માટે ઊભું થયું છે. તેમના મતે આ વૈશ્વિક તાપમાનનો ખતરો જણાય છે તે કરતાં અનેકગણો ભારે અને જોખમી છે.

વિવિધ દેશોના નિર્ણયકર્તાઓને અને રસ ધરાવનારાઓને હવામાનના ફેરફારો અંગે નિરપેક્ષ માહિતી મળે તે માટે આ સંસ્થા કામ કરે છે. આ સંસ્થા સંશોધન કરતી, હવામાનની આગાહી કરતી કે તે માટેનાં ધોરણો ઘડતી નથી. તેનો આશય નિરપેક્ષ, વ્યાપક, મુક્ત અને પારદર્શક ધોરણોને આધારે વૈજ્ઞાનિક, ટૅક્નિકલ અને સામાજિક-આર્થિક સાહિત્ય પેદા કરવાનો છે. વળી આ સંસ્થા હવામાનના ફેરફારો અંગે વિશ્વભરમાં પ્રકાશિત સાહિત્યનો, તે અંગેની અસરોનો તેમજ તેના સ્વીકાર અંગેની બાબતોનો અભ્યાસ કરે છે.

આ સંસ્થાના મતે હવામાનના ફેરફારો એ અત્યંત સંકુલ સમસ્યા છે. આ ફેરફારનાં કારણો માટે વિવિધ દેશના નીતિ ઘડનારાઓને નિરપેક્ષ માહિતી જોઈતી હોય છે. આ પ્રકારની માહિતી હવામાન-પરિવર્તનનાં સંભવિત પરિણામો અંગે આગોતરા નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. યુનોના ઘટક તરીકે આઇ.પી.સી.સી.નો ઉદ્દેશ માનવીય વિકાસનાં લક્ષ્યાંકોને પ્રોત્સાહિત કરવાનો છે. તે વૈજ્ઞાનિક અને આંતરસરકારી (intergovernmental – વિવિધ સરકારો વચ્ચે કામ કરતું) ઘટક છે. તે તેના અહેવાલો વૈજ્ઞાનિક માહિતીના આધારે તૈયાર કરે છે. બધા દેશો માટે આઇ.પી.સી.સી.નું સભ્યપદ ખુલ્લું હોય છે. તેના કાર્યક્ષેત્રમાં સરકારો, વૈજ્ઞાનિકો અને વિવિધ દેશની પ્રજાઓનો સમાવેશ થાય છે. વિશ્વના તમામ ભાગોમાંથી સંબંધિત વિદ્યાશાખાના તજજ્ઞો એમાં ભાગ લે છે. એમાં ઉદ્યોગો, સાહિત્ય, પરંપરાગત વ્યવહાર-પદ્ધતિઓ – એમ વિવિધ પાસાંઓની નોંધ લેવાય છે. તજજ્ઞો અને સરકારો – એમ બંને કક્ષાએ તૈયાર થયેલા અહેવાલોની સમીક્ષા કરવામાં આવે છે. આ અહેવાલો આંતરસરકારી સ્વરૂપ ધરાવતા હોવાથી મોટે ભાગે સરકારો તેમનો સ્વીકાર કરે છે. જરૂર જણાય ત્યારે સભ્ય દેશોના પ્રતિનિધિઓ આ અહેવાલની સમીક્ષા કરે છે. આથી જે તે રાજ્યના શાસનમાં સ્થાન ધરાવતા નિર્ણયકારો તેને માન્ય કરે છે.

આઇ.પી.સી.સી. નિયત સમયના અંતરે નિયમિત ધોરણે અહેવાલ બહાર પાડે છે. આ અહેવાલો અને તેમાં રજૂ કરાયેલા સંદર્ભો પ્રમાણભૂત માનવામાં આવે છે. તેનો ઉપયોગ નિર્ણયકર્તાઓ, તજજ્ઞો અને વિદ્યાર્થીઓ દ્વારા થતો હોય છે. 1990માં આઇ.પી.સી.સી.એ પ્રથમ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલે યુનાઇટેડ નૅશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઑન ક્લાઇમેન્ટ ચેન્જ(UNFCCC)માં અગ્રણી ભૂમિકા ભજવી હતી. 1992ની રિયો-ડી-જાનેરો ખાતેની શિખર બેઠકમાં આ અહેવાલ વિવિધ દેશોની સંમતિ માટે ખુલ્લો મુકાયો હતો અને 1994થી તેને અમલમાં મૂકવાનો હતો. જૂન, 1995માં આઇ.પી.સી.સી.એ બીજો અહેવાલ રજૂ કર્યો હતો, જેથી 1997માં ક્યોટો ખાતેની બેઠકમાં તે અંગે મંત્રણાઓ યોજી શકાય તેવી અપેક્ષા રાખી હતી. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ‘‘પ્રાપ્ત થયેલા પુરાવાના આધારે માનવામાં આવે છે કે વૈશ્વિક આબોહવા ઉપર માનવસર્જિત પ્રવૃત્તિઓની અસર સ્પષ્ટ દેખાય છે. આ અંગેનો ત્રીજો અહેવાલ 2001માં રજૂ કર્યો હતો, જે વૈશ્વિક તાપમાન અંગે વધુ વિગતસભર માહિતી પૂરી પાડતો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘‘હવે નવા અને વધારે સબળ પુરાવા પ્રાપ્ત થયા છે કે છેલ્લાં 50 વર્ષમાં થયેલા વૈશ્વિક તાપમાનના વધારા માટે માનવીની પ્રવૃત્તિઓ જવાબદાર છે. આઇ.પી.સી.સી.નો ચોથો અહેવાલ 2007માં પ્રસિદ્ધ થયો છે. તે અહેવાલ મુજબ ‘‘આબોહવાતંત્રનો ગરમાટો અસંદિગ્ધ છે. તે પછીનો અહેવાલ 2014માં પ્રકાશિત થનાર છે. દરમિયાનમાં 2011માં વચગાળાના બે વિશેષ અહેવાલ પ્રસિદ્ધ થયા છે જે રિન્યૂએબલ ઍનર્જી સૉર્સીસ તથા ડિઝાસ્ટર્સ ટુ ઍડવાન્સ ક્લાઇમેટ ચેન્જ અડપ્ટેશન અંગેના છે. આ બાબત વાતાવરણ અંગે મહાસાગરના વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારાથી, વિસ્તૃત રીતે હિમ અને બરફના પીગળવા પરથી અને વૈશ્વિક સરેરાશ સમુદ્રની સપાટી ઊંચકાવા પરથી સ્પષ્ટ થાય છે. ‘હાલનો વૈશ્વિક તાપમાનનો સરેરાશ વધારો મહદ્ અંશે માનવસર્જિત છે.’’ યુનાઇટેડ નૅશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઑન ક્લાઇમેટ ચેન્જ હેઠળ યોજાતી મંત્રણાઓ માટેની માહિતીનો મુખ્ય સ્રોત આઇ.પી.સી.સી. છે.

આઇ.પી.સી.સી.ના કાર્યનું મુખ્ય ધ્યેય નીચે પ્રમાણે છે :

(1) આબોહવામાં થતાં અસાધારણ પરિવર્તનો અંગે સંશોધન કરવું તથા

(2) એ પરિવર્તનો માટે માનવપ્રવૃત્તિઓ કેટલે અંશે જવાબદાર છે તે નક્કી કરવું.

ઐતિહાસિક ર્દષ્ટિએ આઇ.પી.સી.સી. વિજ્ઞાન સંબંધિત સૌથી મોટો પ્રયાસ (અભિગમ) છે. આઇ.પી.સી.સી.ના વિજ્ઞાનીઓ પોતે કોઈ સંશોધનો નથી કરતા; પરંતુ દુનિયાભરમાં કરવામાં આવતાં આબોહવા-વિજ્ઞાનને લગતાં સંશોધનોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરે છે તથા એ બધાં સંશોધનોનાં પરિણામોનો સમન્વય કરીને આબોહવામાં થનારાં ભવિષ્યનાં પરિવર્તનો વિશે કેવી રીતે પ્રતિક્રિયા (response) કરવી તે અંગે નીતિ-વિષયક નિર્ણયો કરવા માટે નેતાઓને જરૂરી સમજસલાહ આપે છે.

પરંતપ પાઠક

રક્ષા મ. વ્યાસ