ઇન્ટરફેરૉન (interferon) : વિષાણુઓ સામે રક્ષણ આપવા માટે માનવી અને સસ્તન પ્રાણીઓના શરીરમાં તાત્કાલિક ઉત્પન્ન થતાં પ્રોટીનો. પ્રતિવિષાણુ(antiviral) પરિસ્થિતિના નિર્માણ માટે ઇન્ટરફેરૉન ત્રણ ઉત્સેચકોની ઑલિગોન્યુક્લિયોટાઇડ સિન્થેટેઝ (oligonucleotide synthetase), એન્ડોન્યૂક્લિયોઝ (endonuclease), અને કિનેઝ(Kinase)ની મદદ લે છે. જ્યાં સુધી સંવેદનશીલ કોષને વિષાણુનો ચેપ ન લાગે ત્યાં સુધી આ ઉત્સેચકો સુષુપ્ત રહે છે.
વિષાણુ નડતર ઘટક (Viral interfering factor) તરીકે ઓળખાતા ઇન્ટરફેરૉનની શોધ 1957માં લંડનના વિષાણુતજ્જ્ઞ (virologist) એલિક ઇસાક્સ અને સ્વીસ સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી (incrobiologist) જીન લિંડેનમૅને કરી હતી. ’60ના દશકના પાછલા ભાગમાં ફિનીશ વિષાણુતજજ્ઞ કારી જે. કેન્ટેલે લોહીના શ્વેતકણોમાંથી ઇન્ટરફેરૉન મેળવવાની વિધિ વિકસાવી. આ પછી વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળા-સંવર્ધો(Laboratory Cultures)માં ઉછેરેલા માનવીય કોષોમાંથી ઇન્ટરફેરૉન મેળવ્યાં છે. તે એક અત્યંત અસરકારક પ્રોટીન તરીકે જાણીતું થયું છે અને 10–11M જેટલા સંકેન્દણે પણ તે પ્રતિવિષાણુ અસર દર્શાવે છે. 1960માં વિષાણુઓ સામે સારવાર માટે તેની અસરકારકતા શોધાતાં તે પ્રતિવિષાણુ ઔષધ તરીકે સ્વીકારાયું.
અગાઉ 100 મિગ્રા. ઇન્ટરફેરૉન મેળવવા 8,125 લિટર (65,000 પિન્ટ) માનવરક્તની જરૂર પડતી. તેમાંથી આ અણુને ગાળીને અલગ પાડવા છતાં તે અશુદ્ધ સ્થિતિમાં મળતું. આ કારણે 1970 સુધી તેના ઉપર સંશોધનકાર્ય લગભગ બંધ જેવું હતું.
હવે આપણે ઇન્ટરફેરૉનના વિવિધ પ્રકારો (Leukocyte અથવા α – ઇન્ટરફેરૉન; fibroblast અથવા β – ઇન્ટરફેરૉન તથા immune અથવા T-ઇન્ટરફેરૉન) માટે કારણભૂત જનીનો અલગ પાડી શકીએ છીએ પુનર્યોજક તકનીકી (recombinant technology) દ્વારા તથા તેમને પુનર્યોજક સજીવ (recombinant organism)માં દાખલ કરી શકીએ છીએ. આમ પ્રાયોગિક કાર્ય માટે તેની માંગ પૂરી કરી શકાઈ છે. યોગ્ય રીતે તેને વાપરતાં પ્રતિરક્ષાપ્રણાલિને ઉત્તેજિત કરવાને બદલે આ પ્રણાલિને અંશત: કાબૂમાં રાખવા પણ વાપરી શકાય છે જેથી પ્રતિરોપણ કરેલા અવયવોની અસ્વીકૃતિ પ્રક્રિયા (rejection) અટકાવવા તેનો ઉપયોગ કરી શકાય.
ઇન્ટરફેરૉન દ્વારા ઉપચારથી મળાશયનું કૅન્સર, પ્રોસ્ટેટ કૅન્સર, મૂત્રપિંડ કાર્સિનોમા, અંકુરાર્બુદ જેવા કૅન્સર ઉપર તે સફળતાપૂર્વક વાપરવામાં આવી રહ્યું છે.
શરીરમાં જ ઇન્ટરફેરૉનનું ઉત્પાદન પ્રેરિત કરવા માટે ઘણાં પ્રેરકો બનાવી શકાયા છે, જેમાંથી ટિલોરેન તથા કાર્બોક્સિમિથાઇલ સેલ્યુલોઝ વપરાશમાં છે.
નરેન્દ્ર ઇ. દાણી
પ્રમોદ રતિલાલ શાહ
જ. પો. ત્રિવેદી