ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા : ઉષ્ણકટિબંધના આફ્રિકન દેશોમાં પશુસંવર્ધન અને તેની પેદાશોના વેચાણક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી આમજનતાનું જીવનધોરણ સુધારવાના ઉદ્દેશથી એડિસ અબાબા(ઇથોપિયા)માં 1976માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ મથક આફ્રિકાના ઉષ્ણકટિબંધના ઊંચાણવાળા વિસ્તારોના પશુસંવર્ધનને લગતા પ્રશ્નો ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત સૂકા પ્રદેશો, ભેજવાળા પ્રદેશો અને વિશાળ ચરિયાણ ધરાવતા પ્રદેશોમાંના પશુસંવર્ધનના પ્રશ્નો માટે નાઇજિરિયા, કેન્યા અને બોટ્સવાનામાં આવાં મથકો આ યોજના તળે ચલાવવામાં આવે છે.

આ કેન્દ્ર ત્યાંના પ્રદેશોની પશુઓ અને પક્ષીઓની દેશી ઓલાદોના સંવર્ધનનો તલસ્પર્શી અભ્યાસ કરે છે. પશુસંવર્ધનને આધારિત સામાજિક અને આર્થિક માળખાની માહિતી એકત્ર કરવાનું વિશાળ કાર્ય પણ આ કેન્દ્ર કરે છે. ઘાસચારાનાં પ્રકાર અને ગુણવત્તા સુધારવા તથા પશુપોષણને લગતા કેટલાક પાયાના પ્રશ્નો અંગેનું સંશોધન પણ તેનું એક અગત્યનું ક્ષેત્ર છે.

આ સંસ્થા દ્વારા આફ્રિકાના ઉષ્ણકટિબંધના દેશોના પ્રવર્તમાન પશુસંવર્ધન, પશુપાલન અને પશુઉત્પાદનને લગતી સઘળી માહિતી એકત્ર કરી રાષ્ટ્રીય સ્તરના આયોજન અને વિકાસમાં મદદ કરવાનું બહુક્ષેત્રીય સંશોધન અને તાલીમનું પાયાનું કાર્ય આ સંસ્થા તથા તેનાં ઉપમથકો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

કનુભાઈ પટેલ

રજનીકાન્ત શુક્લ