ઇન્ટરનેશનલ ફાયનાન્સ કૉર્પોરેશન (IFC) : વિશ્વબૅન્ક સાથે ગાઢ રીતે સંકળાયેલી પણ કાનૂની રીતે અલગ એવી 24 જુલાઈ 1956માં સ્થપાયેલી સંસ્થા. તે રાષ્ટ્રસંઘની વિશિષ્ટ સંસ્થા (specialised agency) છે. 1961માં તેનું ખતપત્ર સ્વીકારાયું ત્યાં સુધી તેની પ્રવૃત્તિઓ મર્યાદિત રહી હતી, કારણ કે નાણાંના અભાવે તે શેર ખરીદી શકતી ન હતી. અલ્પવિકસિત અને વિકાસશીલ દેશોનાં ખાનગી સાહસોને મૂડી પૂરી પાડવાનું કામ આ આંતરરાષ્ટ્રીય નાણાનિગમ કરે છે. બજારતંત્ર દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું તેનું મુખ્ય ધ્યેય છે. ફેરચુકવણીની સરકારી બાંયધરી વિના તે સામાન્યતયા 5થી 15 વર્ષની મુદત માટે ધિરાણ આપે છે, જોકે ધિરાણમાંથી થનારી આવકના ખર્ચ અંગે તે કરાર કરી શકતું નથી. સરકાર અને ખાનગી સાહસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રકલ્પોમાં પણ આ સંસ્થા મૂડીરોકાણ કરતી હોય છે. આ રીતે આ સંસ્થા મૂડીરોકાણ કરવાનું તથા ખાનગી સાહસોને ધિરાણ કરવાનું બંને પ્રકારનાં કાર્યો કરતી હોય છે. તેનાં અન્ય કાર્યોમાં ખાનગી કંપનીઓ દ્વારા બજારમાંથી જે શેરભંડોળ ઊભું કરવામાં આવે છે તેનું અંડરરાઇટિંગ કરવું, ખાનગી વિકાસ બૅન્કોને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડવી અને તેણે પૂરી પાડેલી મૂડી સાથે ખાનગી ક્ષેત્ર પણ પોતાની મૂડી પૂરી પાડે એવા સહિયારા પ્રકલ્પોને ઉત્તેજન આપવાનું છે.

નિગમના સંચાલકો વિશ્વબૅન્કના વહીવટી સંચાલકો જ હોય છે. તેને વિશ્વબૅન્ક પાસેથી નાણાં ઉછીનાં લેવાની અને પોતાનાં બૉન્ડ બજારમાં વેચવાની સત્તા છે. 1981 સુધીમાં નિગમે વિશ્વભરની 500 જેટલી પરિયોજનાઓમાં 300 અબજ અમેરિકન ડૉલર જેટલું ધિરાણ આપ્યું હતું. 1980-81ના અંત સુધીમાં તેની ઊભી કરેલી અને ધિરાણ મૂડી 106 અબજ ડૉલર હતી. તેનું વડું મથક વૉશિંગ્ટનમાં છે. 125 દેશો તેના સભ્ય છે, જે આ સંસ્થાને તેની પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરાં પાડે છે. તેની સ્થાપનાથી અત્યાર સુધી તેણે જે કાર્ય કર્યું છે તેમાં સ્વચ્છ વ્યાપારી રીતરસમોને ઉત્તેજન આપવું એ તેની વિશિષ્ટતા રહી છે. જે પ્રકલ્પો વિકાસલક્ષી હોય છે તેને જ આ સંસ્થા નાણાકીય અને અન્ય પ્રકારનો ટેકો આપે છે. અત્યાર સુધી આ સંસ્થાએ પાયાની સુવિધાઓ, ઇન્ફર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી તથા શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા સામાજિક પ્રકલ્પોને વિશેષ પસંદગી આપી છે. 2001ના વર્ષ દરમિયાન તેણે જે ધિરાણ કર્યું છે તેમાંનું 70 ટકા ધિરાણ આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે આપ્યું છે (target sectors).

હેમન્તકુમાર શાહ