ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન
January, 2002
ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન (IDA) : વિશ્વબૅન્ક સાથે જોડાયેલી પરંતુ નાણાકીય અને કાનૂની રીતે અલગ એવી સંયુક્ત રાષ્ટ્રોની સપ્ટેમ્બર 1960માં સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાનો સભ્ય-દેશ વિશ્વબૅન્કનો સભ્ય હોય તે અનિવાર્ય છે. વિશ્વબૅન્કના અધિકારીઓ જ હોદ્દાની રૂએ આ સંસ્થાના અધિકારીઓ હોય છે. તેનું વડું મથક અમેરિકામાં વૉશિંગ્ટન ડી.સી. ખાતે છે.
વિશ્વબૅન્કની તુલનામાં આ સંસ્થા વધુ પરિવર્તનશીલ અને હળવી શરતોએ લાંબા ગાળાના ધિરાણની સવલત સભ્ય-દેશોને પૂરી પાડે છે. રોકાણ અને વિદેશ-વ્યાપારને ઉત્તેજન આપવા તથા આર્થિક વિકાસ વધારવા સંસ્થા દ્વારા ધિરાણ આપવામાં આવે છે. સીધી રીતે ઉત્પાદન કે આવકનું સર્જન કરનારી તથા સંબંધિત વિસ્તાર કે વિસ્તારોના વિકાસમાં ફાળો આપનારી કોઈ પણ પરિયોજના માટે આ સંસ્થાને ધિરાણ આપવાની સત્તા છે.
‘ઇડા’નાં મોટા ભાગનાં નાણાં સભ્ય રાષ્ટ્રોનાં લવાજમ અને 26 સમૃદ્ધ દેશોના પૂરક ફાળામાંથી આવે છે. સમૃદ્ધ દેશો તેમનું લવાજમ સોનું અથવા મુક્ત રીતે પરિવર્તનશીલ ચલણોમાં ચૂકવે છે. જોકે અલ્પવિકસિત દેશો 10 ટકા આ સ્વરૂપે અને બાકીનાં નાણાં તેમનાં પોતાનાં ચલણોમાં ચૂકવી શકે છે. નાણાં ઉછીનાં મેળવનાર કરજદાર રાષ્ટ્રો 50 વર્ષ સુધીના ગાળામાં નાણાં પરત કરી શકે છે. તેની ઉપર વ્યાજને બદલે એક ટકા કરતાં પણ ઓછો ‘સર્વિસ ચાર્જ’ આકારવામાં આવે છે. 1981 સુધીમાં તેણે 74 રાષ્ટ્રોને કુલ 16.7 અબજ અમેરિકન ડૉલર જેટલું ધિરાણ આપ્યું હતું.
ફેબ્રુઆરી 2002માં આ સંસ્થા પાસેથી ધિરાણ પ્રાપ્ત કરવાની લાયકાત ધરાવતા દેશોની સંખ્યા 79 હતી. તેમાંથી 12 દેશો વર્ષ 2001માં વિશ્વબૅન્ક પાસેથી ધિરાણ મેળવી શકતા હતા અને 66 દેશો એવા હતા જે માત્ર આંતરરાષ્ટ્રીય વિકાસ એસોસિયેશન (IDA) પર આધાર રાખતા હતા. ધિરાણ પ્રાપ્ત કરવાની લાયકાત ધરાવવા માટે ત્રણ ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યાં છે : (1) જે દેશોની માથાદીઠ આવક 885 અમેરિકન ડૉલર્સ કરતાં નીચી છે તેવા સાપેક્ષ રીતે ગરીબ ગણાતા દેશો (2) જે દેશો બજારમાંથી તેની શરતોને અધીન ધિરાણ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા નથી અને તેથી જે દેશો પોતાના વિકાસ કાર્યક્રમો માટે રાહતના ધોરણે ધિરાણ પ્રાપ્ત કરવાની જરૂરિયાત ધરાવતા હોય, અને (3) આર્થિક વિકાસ અને ગરીબી ઉન્મૂલનની બાબતમાં આર્થિક અને સામાજિક નીતિના અમલના ક્ષેત્રે જે દેશોનું અત્યાર સુધીનું કામકાજ સારું રહ્યું હોય તે દેશો. લાયકાત ધરાવતા દેશોમાં સાપેક્ષ રીતે વધુ ગરીબ હોય તેમને ધિરાણ આપવાની બાબતમાં પસંદગી આપવામાં આવે છે. સાથોસાથ સંસ્થાનાં સાધનોની મર્યાદા પણ ધિરાણ આપવાની બાબતમાં મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે સભ્ય દેશો દ્વારા દાનમાં અપાતી રકમ એ આ સંસ્થાનાં સાધનોનો મુખ્ય સ્રોત હોય છે. દર વર્ષે વિશ્વબૅન્કના તજજ્ઞો ધિરાણ પ્રાપ્ત કરનાર દરેક દેશના કામકાજની ઝીણવટથી તપાસ કરતા હોય છે અને તેમના દ્વારા થતા મૂલ્યાંકન કે આંકણીને આધારે દરેક દેશની ધિરાણ માટેની પાત્રતા નક્કી કરવામાં આવે છે. જોકે આફ્રિકાના નિમ્ન સહરા પ્રદેશ(Sub-Saharan Africa)ના આર્થિક વિકાસને આ સંસ્થા અગત્યાનુક્રમ આપે છે. સંસ્થા દ્વારા અપાતું ધિરાણ ત્રણ વર્ષના આવર્તક સમય (three year rolling basis) માટે હોય છે અને ધિરાણ પ્રાપ્ત કરનાર દેશના કામકાજ પર સતત નજર (monitoring) રાખવામાં આવતી હોય છે.
વર્ષ 2001માં સંસ્થાએ 6.8 અબજ અમેરિકન ડૉલર્સના ધિરાણની બાંયધરી (commitments) આપી હતી, જે અગાઉના વર્ષ કરતાં વધારે હતી. તેમાંથી મોટા ભાગના ધિરાણની રકમ આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના દેશો માટે ફાળવવામાં આવી હતી. તેમાંથી પચાસ ટકા રકમ આફ્રિકાના દેશો માટે ફાળવવામાં આવેલી. માત્ર મૂડીરોકાણના હેતુથી અપાયેલી રકમ વર્ષ 2001માં 4.9 અબજ અમેરિકન ડૉલર જેટલી હતી. આમાંથી 43 ટકા ધિરાણ સામાજિક ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આપવામાં આવેલું. વર્ષ 2001માં ધિરાણ માટે મંજૂર કરવામાં આવેલ 6.8 અબજ ડૉલરમાંથી 5.2 અબજ ડૉલરની ચૂકવણી (disbursement) વાસ્તવમાં કરવામાં આવી હતી, જેમાંથી 2.2 અબજ ડૉલર જેટલું ધિરાણ આફ્રિકાના દેશોને પૂરું પાડવામાં આવ્યું હતું. સંસ્થાની પ્રચલિત નીતિ મુજબ આ વર્ષ દરમિયાન પણ આવા દેશોને ધિરાણ આપવામાં આવેલું જ્યાંનું વાતાવરણ સતત વિકાસ (sustainable development) અને ગરીબી – ઉન્મૂલન માટે અનુકૂળ હોય. સંસ્થા પાસેથી 2001 વર્ષ દરમિયાન સૌથી વધુ ધિરાણની મંજૂરી મેળવનારા દેશોમાં ઈથિયોપિયા (6,670 લાખ ડૉલર્સ), વિયેટનામ (6,290 લાખ ડૉલર્સ), ભારત (5,200 લાખ ડોલર્સ), પાકિસ્તાન (3,740 લાખ ડૉલર્સ), યુગાન્ડા (3,580 લાખ ડૉલર્સ), કેન્યા (3,500 લાખ ડૉલર્સ), બાંગ્લાદેશ (2,800 લાખ ડૉલર્સ), માડાગાસ્કર (2,680 લાખ ડૉલર્સ), સેનેગલ (2,550 લાખ ડૉલર્સ) અને ઇન્ડોનેશિયા(2,090 લાખ ડૉલર્સ)નો સમાવેશ થાય છે. આમાંથી ભારતને સૌથી વધારે રકમ ચૂકવવામાં આવી છે.
હેમન્તકુમાર શાહ