ઇનોનુ ઇસ્મત (જ. 24 સપ્ટેમ્બર 1884, ઇઝમીર; અ. 25 ડિસેમ્બર 1973, ટર્કી) : તુર્કસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને બીજા રાષ્ટ્રપ્રમુખ. તેઓ આધુનિક તુર્કસ્તાનના ઘડવૈયા મુસ્તફા કમાલ આતાતુર્કના નજીકના સાથી હતા. મૂળ નામ ઇસ્મત પાશા. 1906માં લશ્કરી કૉલેજમાંથી સ્નાતક તથા કૅપ્ટનનો દરજ્જો મેળવ્યો. 1915માં કર્નલના દરજ્જાથી અલંકૃત. યેમનમાં લશ્કરના વડા સેનાપતિ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સીરિયામાં લશ્કરના સેનાપતિ (1916). ઑક્ટોબર, 1918માં ઑટોમન સામ્રાજ્યની શરણાગતિના સમયે કૉન્સ્ટન્ટિનોપલમાં અન્ડરસેક્રેટરી ઑવ્ વૉર તથા શાંતિ સ્થાપવા માટે નિમાયેલા કમિશનના અધ્યક્ષ. મિત્રરાષ્ટ્રોએ એનાટોલિયા પર કબજો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો પ્રતિકાર કરવા મુસ્તફા કમાલ પાશાએ શરૂ કરેલ ઝુંબેશમાં જોડાયા તથા 1922 સુધી કમાલ પાશાના લશ્કરના ચીફ ઑવ્ સ્ટાફ તરીકે સેવા આપી. 1920માં છેલ્લા ઑટોમન સંસદ-સભ્ય તરીકે ચૂંટાયા. ગ્રીસે પશ્ચિમ એનાટોલિયા પર કબજો કર્યો ત્યારે રાષ્ટ્રવાદી લશ્કરના સરસેનાપતિ તરીકે તેમની નિમણૂક થઈ. જાન્યુઆરીથી એપ્રિલ, 1922ના ગાળામાં અંકારા પાસેના ઇનોનુ ખાતે થયેલ યુદ્ધમાં બે વાર આક્રમણખોરોને પરાસ્ત કર્યા, જેના પરથી ઇનોનુ તરીકે ઓળખાતા થયા. 1922માં અંકારા ખાતે સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસદે રચેલી સરકારમાં વિદેશમંત્રીપદે નિમાયા. 1923માં તુર્કસ્તાન પ્રજાસત્તાકની ઘોષણા થતાં તેઓ વડાપ્રધાન બન્યા અને મુસ્તફા કમાલ પાશાના પ્રમુખપદ હેઠળ બે વાર તેમણે આ પદ ભોગવ્યું (1923-24 તથા 1928-37). કમાલ પાશાના અવસાનથી 1938માં ઇનોનુ રાષ્ટ્રપ્રમુખ તથા રિપબ્લિકન પીપલ્સ પાર્ટી(RPP)ના અધ્યક્ષપદે ચૂંટાયા.
1939-46ના ગાળા દરમિયાન એક પક્ષની નિરંકુશ સત્તાની હિમાયત કરનારા ઇનોનુ તે પછી લોકશાહીના પુરસ્કર્તા તરીકે ઊપસી આવ્યા. 1950માં ડેમૉક્રેટિક પક્ષના સેલાલ બાયર રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારપછીનાં દસ વર્ષ સુધી (1950-60) ઇનોનુ વિરોધપક્ષના નેતા થયા. ડેમૉક્રેટિક પક્ષની સરકારના પતન પછી એમણે ત્રણ જુદી જુદી સંયુક્ત સરકારોની રચના કરી અને 1961માં તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા. 1965 તથા 1969ની સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષનો ઘોર પરાજય થયો. 1972માં પોતાના પક્ષના નેતાપદેથી પણ તેમને દૂર કરવામાં આવ્યા.
તુર્કસ્તાન પ્રજાસત્તાકની વિદેશનીતિ ઘડવામાં તથા દેશના આધુનિકીકરણમાં તેમનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. આધુનિક તુર્કસ્તાનના ઘડવૈયા તરીકે તે પણ પ્રસિદ્ધ થયા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે