ઇનેમલ : ધાતુની સપાટી ઉપર કાચ જેવો ઓપ (glaze) આપવા માટેનો પદાર્થ. આ પદાર્થને ગરમ કરી પિગાળીને ધાતુની સપાટી ઉપર ચિટકાવી દેવાથી ચળકાટવાળું વિવિધરંગી ટકાઉ સુશોભન કરી શકાય છે.

ઇનેમલકામની ક્રિયાવિધિ ઈ. સ. પૂ. તેરમીથી અગિયારમી સદીની આસપાસ પણ જાણીતી હતી. મીનાકારી અલંકારો અને કલાકારીગરીની ચીજોમાં ઇનેમલનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં રસોડાનાં તથા હૉસ્પિટલનાં સાધનો અને રાસાયણિક ઉદ્યોગમાં વપરાતાં પાત્રાદિ સાધનો (vessels) વગેરેમાં પણ ઇનેમલનું રક્ષણાત્મક પડ ચડાવવામાં આવે છે.

ઇનેમલ એક પ્રકારનો મૃદુ (soft) એટલે કે નીચા તાપમાને પીગળે તેવો કાચ છે. ઇનેમલની બનાવટમાં ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પાર જેવા એસિડિક અને બોરૅક્સ, સોડા, ક્રાયોલાઇટ તથા ફલોરસ્પાર જેવા બેઝિક પદાર્થોને યોગ્ય પ્રમાણમાં 1,370o સે. 1-3 કલાક ગરમ કરવામાં આવે છે. ઇનેમલને સફેદ (દૂધિયો) અપારદર્શક બનાવવા તેમાં ટાઇટેનિયમ, ટિન અને ઝરકોનિયમના ઑક્સાઇડ તથા રંગો આપવા કૉપર, નિકલ અને કોબાલ્ટ જેવાં તત્વોના ઑક્સાઇડ કે ક્ષારો પિગળાવતાં પહેલાં ઉમેરાય છે. ટાઇટેનિયમથી સપાટી લીસી બનીને સારું પરાવર્તન આપે છે અને તતડી જતી નથી. તે વધુ વપરાય છે. ઇનેમલ માટેનાં દ્રવ્યોના મિશ્રણને પિગાળીને ઠંડા પાણીમાં રેડવામાં આવે છે. આમ કરવાથી ઇનેમલ રેતી જેવી કણીઓ રૂપે મળે છે. આને ફ્રિટ કહે છે. આને વિશિષ્ટ પ્રકારની માટી સાથે મિશ્ર કરીને, દળીને (200 મૅશ) પાણી સાથેના રગડા રૂપે, ચોખ્ખી કરેલી ધાતુની સપાટી ઉપર લગાડીને 750o-800o સે. ગરમ કરીને પિગાળવામાં આવે છે, જેથી ધાતુની સપાટી ઉપર કાચ જેવું ચળકતું અસ્તર મળે છે. આ અસ્તર 0.165 મિમી. જેટલું પાતળું હોઈ શકે છે. ઘરેણાં તથા કલાકારીગરીની વસ્તુઓ માટે ધાતુની સપાટી ઉપર કોચીને અથવા ધાતુની પટ્ટી કે તાર જડીને આકૃતિઓ તૈયાર કરીને ઇનેમલનો ભૂકો તેમાં ભરીને ગરમ કરીને પિગાળીને વિવિધરંગી આકૃતિઓ તૈયાર કરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ