ઇનામદાર વ્યંકટ માધુરાવ (1903, બૅંગાલુરુ) : કન્નડ નવલકથાકાર. બૅંગાલુરુ(બૅંગ્લોર)ના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૈસૂર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં એમ.એ.માં પ્રથમ આવ્યા. પછી બૅંગાલુરુમાં અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી જ નવલકથાલેખનની શરૂઆત કરેલી. એમની લગભગ 15 નવલકથાઓ પ્રગટ થયેલી છે. તેમાં અત્યંત લોકપ્રિય બનેલી કૃતિઓ ‘શાપ’, ‘કનસિનમને’, ‘ઉર્વશી’ તથા ‘મુરાબુટ્ટે’ છે. નવલકથાઓમાં ઘણુંખરું એમણે સુશિક્ષિત મધ્યમવર્ગના જીવનની સમસ્યાઓનું નિરૂપણ કર્યું છે. ‘મુરાબુટ્ટે’માં પતિ તથા સાસરિયાં જોડે મેળ ન ખાતાં નાયિકા વિદ્રોહ કરે છે અને પતિથી છૂટી થાય છે. માબાપ પતિને ઘેર જવા સમજાવવા પ્રયત્ન કરે છે ત્યારે માબાપ સામે પણ તે વિદ્રોહ કરે છે અને એકલી રહીને નોકરી કરી જીવનનિર્વાહ કરે છે. ‘શાપ’માં માબાપનું અનૈતિક જીવન બાળકો માટે કેવું અભિશાપરૂપ બને છે તેનું નિરૂપણ છે. ઘટનાનિયોજન, મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ પાત્રોનું નિરૂપણ, પાત્રાનુરૂપ સંવાદો તથા પ્રભાવશાળી શૈલી એમની કથાઓને લોકભોગ્ય બનાવે છે. કન્નડમાં મનોવૈજ્ઞાનિક નવલકથાકારોમાં એમનું સ્થાન ઘણું ઊંચું છે. એમની નવલકથાઓમાં દાંપત્યજીવનમાં ઉત્પન્ન થતી વિષમતાઓનું તાર્દશ નિરૂપણ હોય છે.

વિનોદાબાઈ

અનુ. ચન્દ્રકાન્ત મહેતા