ઇડુક્કી : કેરળ રાજ્યનો સૌથી મોટો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9o 15´થી 10o 21´ ઉ. અ. અને 76o 47´થી 77o 25´ પૂ. રે. વચ્ચેનો 4358 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ તમિળનાડુ રાજ્ય, દક્ષિણે પથનમથિટ્ટા, પશ્ચિમે કોટ્ટાયમ્ અને એર્નાકુલમ્ તથા વાયવ્યમાં ત્રિચુર જિલ્લો આવેલો છે. જિલ્લામથક પાઇનાવ જિલ્લાની મધ્ય-પશ્ચિમે કોચીનથી આશરે 100 કિમી. અંતરે પૂર્વ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી છે. હિમાલયથી દક્ષિણે આવેલાં ઊંચામાં ઊંચાં શિખરો પૈકી અહીંનું અન્નાઈમુડી શિખર (2,659 મીટર) વધુમાં વધુ ઊંચાઈ ધરાવે છે. જિલ્લાનો લગભગ બધો જ ભાગ પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો અને ઊંડી ખીણોથી આવરી લેવાયેલો છે, થોડુપુઝા તાલુકાનો માત્ર થોડોક ભાગ જ મેદાની છે. જિલ્લાની આખીય પૂર્વ બાજુ 45 % જંગલ-આચ્છાદિત છે. જંગલો સદાહરિત, પર્ણપાતી, અયનવૃત્તીય પ્રકારનાં છે. ઊંચાઈ અને જંગલોને કારણે અહીં ભારે વરસાદ પડે છે. રોઝવૂડ, સાગ, ઈરુલ (વાંસની જાત), વેંગા (બિયો), અંજિલી (ફણસની જાત), કરણગેલી (ખેર-બાવળની જાત), નાંગુ (નાગચંપો), લાલ દેવદાર, સફેદ દેવદાર, પાયન અને મરુથુ અહીંનાં મુખ્ય વૃક્ષો છે. જિલ્લાના અગ્નિભાગમાં આવેલા 2,560 મીટર ઊંચા શિવગિરિ શિખરમાંથી નીકળતી અને લંબાઈમાં રાજ્યમાં બીજા ક્રમે આવતી તેમજ જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી પસાર થતી પેરિયાર (229 કિમી.) અહીંની મુખ્ય નદી છે. પેમ્બર અને થોડુપુઝા બીજી મહત્વની નદીઓ છે. પેરિયાર નદી પરનો ઇડુક્કી બંધ 166 મીટર ઊંચો છે. તેની સ્થાપિત વીજઉત્પાદનક્ષમતા 8 લાખ કિવૉ. જેટલી છે. ઇડુક્કી, ચેરુયેની અને કુલામાવુ બંધોનો સંયુક્ત જલસંગ્રહવિસ્તાર 60 ચોકિમી. જેટલો છે.

ખેતીસિંચાઈ : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી છે, 45 % વિસ્તાર જંગલ-આચ્છાદિત છે; તેથી ખેડાણયોગ્ય જમીન ઓછી છે. વળી સિંચાઈ-સુવિધા પણ પૂરતી ઉપલબ્ધ નથી. આ કારણે માત્ર 16,000 હેક્ટર જમીન ખેતીના ઉપયોગમાં લેવાય છે. એલચી, ચા, કૉફી, રબર, નાળિયેરી, મરી, ટેપિયોકા, ડાંગર, બટાટા, નારંગી, કઠોળ, તેલીબિયાં અને શેરડી અહીંના મુખ્ય પાકો છે. આ ઉપરાંત કેળાં, સોપારી, આદું, હળદર, કોકો અને લીલી ચા પણ થાય છે. વરસાદ, બંધનાં જળાશયો, તળાવો તથા નાનાં ઝરણાં ખેતી માટે જરૂરી પાણીના મુખ્ય સ્રોત છે. ખેતી સાથે થોડા પ્રમાણમાં પશુપાલન પણ થાય છે. તેમના માટે પશુદવાખાનાં, પશુચિકિત્સાલયોની તથા ઉપકેન્દ્રોની સગવડો ઊભી કરવામાં આવેલી છે.

ઉદ્યોગવેપાર : પહાડી ભૂપૃષ્ઠને કારણે વાહનવ્યવહારની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આ જિલ્લો ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત છે. તેથી પ્રવાસન-ઉદ્યોગ, ચા-ઉદ્યોગ, મધમાખી-ઉછેર-કેન્દ્રો, હાથસાળ, ખાદી વગેરેના હુન્નર-ઉદ્યોગ ને કુટિર-ઉદ્યોગ વિકસ્યા છે. લાકડાંમાંથી ખેતીનાં ઓજારો તથા ખોરાકી ચીજો બનાવાય છે. કાગળની મિલો અને લાકડાં વહેરવાની મિલો પણ અહીં આવેલી છે. મરી, ચા, કૉફી અને કાજુના પ્રક્રિયા-ઉદ્યોગો પણ ચાલે છે. પી. વી. સી. પાઇપોનું ઉત્પાદન પણ થાય છે. જિલ્લાનું મોટા ભાગનું અર્થતંત્ર ખેતીપેદાશો પર આધારિત છે. મરી, સૂંઠ, ચા, કૉફીની નિકાસ થાય છે; જ્યારે શાકભાજી અને બાંધકામ-નિર્માણ-સામગ્રીની આયાત કરવામાં આવે છે.

વાહનવ્યવહારપ્રવાસન : જિલ્લામાં વાહનવ્યવહારના માર્ગોનું પ્રમાણ અન્ય રાજ્યોના જિલ્લાઓની તુલનામાં ઓછું છે. અહીંનાં જુદાં જુદાં મથકો બાર જેટલા સડકમાર્ગોથી સંકળાયેલાં છે. મોટા માર્ગો બારે માસ અને નાના કાચા માર્ગો મોસમ પૂરતા ચાલુ રહે છે. દેવીકૉલમ, મુન્નાર, સાબરીમાલા અને થેક્કાડી અહીંનાં મુખ્ય પ્રવાસ-સ્થળો છે. જિલ્લામાં મેળા અને ઉત્સવો-તહેવારો મોટા પાયા પર યોજાય છે.

વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 11,07,453 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ લોકોની વસ્તી વિશેષ છે. મલયાળમ અહીંની મુખ્ય ભાષા છે. અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ થાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 80 % જેટલું છે. ઇડુક્કી ખાતે ચાર કૉલેજો આવેલી છે. જિલ્લામાં 1 આયુર્વેદિક અને 3 ઍલૉપથીની હૉસ્પિટલો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ચાર તાલુકાઓમાં અને આઠ સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં માત્ર 2 નગરો અને 65 ગામડાં છે.

ઇતિહાસ : 1972ના 26મી જાન્યુઆરીએ આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. દેવીકોલા, થોડુપુઝા, પિયરમેડ અને ઉદુમ્બનચોલા તાલુકાઓની રચના કર્યા પછી જિલ્લામાં કોઈ ફેરફારો થયા નથી.

હેમન્તકુમાર શાહ

ગિરીશભાઈ પંડ્યા