ઇડિયટ, ધી (1868-69) : પ્રસિદ્ધ રશિયન નવલકથા. લેખક ફ્યૉદોર મિઆઇલોવિચ દૉસ્તૉયવસ્કી. આ નવલકથા પ્રથમ વાર ‘રુસ્કી વેસ્તનિક’ સામયિકમાં પ્રગટ થયેલી. તેનું પ્રથમ વાર અંગ્રેજી ભાષાંતર 1913માં થયું હતું. ‘ધી ઇડિયટ’નો અર્થ મૂર્ખ થાય છે. મુખ્ય પાત્ર પ્રિન્સ મિશ્કિન તેની અત્યંત ભલાઈ અને તેનાં ઈસુ ખ્રિસ્ત સમાન લક્ષણોને કારણે મૂર્ખ ગણાયેલ છે, પરંતુ આ નવલનું મહત્વ એ પાત્રના આલેખનના કારણે છે.

સ્વિટ્ઝર્લૅન્ડમાં મનશ્ચિકિત્સા કરાવી રશિયાના પાટનગર પિટ્સબર્ગમાં પાછા ફરતાં પ્રવાસમાં પ્રિન્સ મિશ્કિનને પારફેન રોગ્ઝોહિનનો તથા ગાન્યા આઇલેનોવિચનો પરિચય થાય છે. રોગ્ઝોહિન જનરલ ઇપાનશિનનો મંત્રી છે. પ્રિન્સ મિશ્કિનનો લઘરવઘર પહેરવેશ પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. રોગ્ઝોહિન અને ગાન્યા પ્રિન્સને પિટ્સબર્ગમાં સ્થિર થવામાં મદદ કરે છે. પ્રિન્સને ગાન્યા દ્વારા જનરલ ઇપાનશિનના કુટુંબનો પરિચય થાય છે. જનરલની પુત્રીઓ પ્રિન્સની સાદાઈ અને નિખાલસતાથી પ્રભાવિત થાય છે; પરંતુ હળવાશથી તેને ‘ઇડિયટ’ કહે છે. જનરલ ઇપાનશિનની એક પુત્રી અગલ્યા મિશ્કિનના પ્રેમમાં પડે છે અને પિતાની ઇચ્છા વિરુદ્ધ મિશ્કિન સાથે લગ્ન કરવા તેમની મંજૂરી મેળવે છે.

એક સાંજે નાસ્તસ્યા ફ્લીપોવત નામની તેની બાળપણની સખીને ત્યાં પ્રિન્સ આવેલા છે ત્યારે અગલ્યા ભાવવિભોર થઈને પ્રિન્સ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. નાસ્તસ્યાના મનમાં પણ પ્રિન્સ પ્રત્યે એ જ ભાવ હોવાથી બંને વચ્ચે બોલાચાલી થાય છે. પ્રિન્સ નાસ્તસ્યાને શાંત કરવા પ્રયત્ન કરે છે. તે જોઈને અગલ્યા પ્રિન્સનો તિરસ્કાર કરીને ચાલી જાય છે. પરિણામે પ્રિન્સ ઇપાનશિન કુટુંબની રહેમ ગુમાવે છે. પ્રિન્સની નાજુક પરિસ્થિતિ અને અત્યંત ભલાઈનો ગેરલાભ લેવા ગાન્યા આઇલેનોવિચ અને રોગ્ઝોહિન પ્રપંચ શરૂ કરે છે.

નાસ્તસ્યાની વર્ષગાંઠની મિજબાની વખતે પ્રિન્સ તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે અને બીજે દિવસે લગ્નવિધિ માટે દેવળમાં સમયસર હાજર રહેવા વચન મેળવે છે. દેવળમાં બીજે દિવસે પ્રિન્સ નાસ્તસ્યાની પ્રતીક્ષા કરે છે, પરંતુ તેને સમાચાર મળે છે કે તે રોગ્ઝોહિન સાથે નાસી ગઈ છે. કેટલાક લોકો આ વાત જાણીને પ્રિન્સ પ્રત્યે હમદર્દી દર્શાવે છે, પરંતુ ઘણા લોકો તેની હાંસી કરે છે. આ આઘાતથી ત્રસ્ત પ્રિન્સ મિશ્કિન ખૂબ ધીરજ રાખી નાસ્તસ્યા વિશે જાણવા અને તેનો પત્તો મેળવવા પ્રયત્ન કરે છે. ખૂબ રખડપટ્ટી બાદ એક મજૂર પાસેથી રોગ્ઝોહિનનો પત્તો મેળવી તેને ત્યાં જતાં રોગ્ઝોહિન તેને રસ્તામાં જ મળે છે. રોગ્ઝોહિન પ્રિન્સને પોતાને ઘેર લઈ જઈ પોતે નાસ્તસ્યાનું ખૂન કર્યાનું કબૂલ કરે છે; પરંતુ પ્રિન્સને આ વાત જાણી નાસ્તસ્યાના ખૂન માટે પોતે નૈતિક રીતે જવાબદાર છે એવું મનમાં લાગી આવે છે.

હવે પ્રિન્સને પિટ્સબર્ગ દોઝખ જેવું લાગે છે. તે સ્વિટ્ઝર્લૅન્ડના સેનેટોરિયમમાં ફરીથી દાખલ થાય છે. ઇપાનશિન કુટુંબના સભ્યો આ ‘મૂર્ખ’ને કોઈક વાર મળવા આવે છે. સંવેદનશીલ પ્રિન્સ પ્રિયાના ખૂનનો આઘાત જીરવી શકે તેમ નથી. લેખકે આ મૂર્ખ ગણાતા મહામાનવના તથા અન્ય પાત્રોના મનોવ્યાપાર અને લાગણીઓનું સૂક્ષ્મ અને વિસ્તૃત આલેખન કરેલું છે. બૂરાઈ પર ભલાઈનો વિજયસંદેશ તે આ નવલકથાનું હાર્દ છે. આ નવલ અનેક યુરોપીય તેમજ અન્ય ભાષાઓમાં ઊતરેલી છે.

સુરેશ શુક્લ

કૃષ્ણવદન જેટલી