ઇડલમૅન જિરાલ્ડ

January, 2002

ઇડલમૅન જિરાલ્ડ (Edelman Gerald) (જ. 1 જુલાઈ 1929, ન્યૂયૉર્ક સિટી; અ. 17 મે 2014 લા જોલા, કેલિફૉર્નિયા) : ફિઝિયોલૉજી મેડિસિનની શાખામાં નોબેલ પારિતોષિક(1972)ના વિજેતા. તેમણે પૅન્સિલવેનિયાની મેડિકલ સ્કૂલમાંથી એમ. ડી.(1954)ની પદવી મેળવી હતી. બે વર્ષ આર્મી મેડિકલ કોર(પૅરિસ)માં રહ્યા પછી રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટમાંથી પીએચ. ડી. (1960) મેળવીને ત્યાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ઇડલમૅને 1950માં મૅક્સિન એમ. મૉરિસન સાથે લગ્ન કર્યું હતું. પ્રતિદ્રવ્ય(antibody)ના અણુની રાસાયણિક રચના અંગેના સંશોધન માટે તેમને રોડ્ની પૉર્ટરની સાથે નોબેલ પારિતોષિક એનાયત થયેલું. પ્રતિદ્રવ્યના અણુની 4 શૃંખલાયુક્ત રચનામાં 1300થી વધુ ઍમિનોઍસિડનો સમાવેશ થાય છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું હતું. તે પછી પ્રતિદ્રવ્યના અણુના કયા નિશ્ચિત સ્થાન સાથે પ્રતિજન (antigen) જોડાય છે તે દર્શાવ્યું. તેમને સ્પેન્સર મોરિસ ઍવૉર્ડ તથા ઇલી-લીલી ઍવૉર્ડ પણ મળ્યા હતા. તેમનાં અન્ય સંશોધનો નત્રલ-રસાયણવિદ્યા (protein chemistry), જૈવભૌતિક દીપ્તિ વર્ણપટ દર્શન (biophysical fluorascense spectro scopy) તથા પ્રોટીનની ત્રિપરિમાણી રચના અંગેનાં હતાં.

હરિત દેરાસરી