ઇટ્રિયમ (Yttrium, Y) : આવર્તક કોષ્ટકનું IIIB (સંક્રાંતિ) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1794માં જોહાન ગેડોલિને ઇટર્બિગામ(સ્વીડન)માંથી મળેલ ખનિજમાંથી એક નવીન મૃદા (earth) ધાતુ-ઑક્સાઇડ અલગ પાડી. આ સૌપ્રથમ મળેલ વિરલ મૃદાનો નમૂનો હતો. સો વર્ષના ગાળામાં આમાંથી 9 તત્વો શોધી કાઢવામાં આવ્યાં હતાં. (સ્કેન્ડિયમ, ઇટ્રિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ અને લ્યુટેશિયમ).

1843માં મોસેન્ડરે ઇટ્રિયમ શુદ્ધ રૂપમાં સૌપ્રથમ મેળવ્યું હતું. તે પૃથ્વીના પોપડામાં દસ લાખ ભાગે 28થી 70 ભાગ જેટલું હોય છે. પોપડાના આગ્નેય (igneous) ખડકોમાં સિરિયમ સિવાયનાં વિરલ પાર્થિવ તત્વો કરતાં તે સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. ન્યૂક્લિયર વિખંડનમાં પણ તે પેદા થાય છે. ગેડોલિનાઇટ, યુકસેનાઇટ અને ઝેનોટાઇમ તેનાં અગત્યનાં ખનિજો છે. વિરલ મૃદામાંથી શુદ્ધ રૂપમાં મેળવવા માટે આયન વિનિમય(ion-exchange)પદ્ધતિ બહુ ઉપયોગી છે. આ તત્ત્વના ફ્લોરાઇડનું કૅલ્શિયમ વડે અપચયન કરીને તેને શુદ્ધ રૂપમાં મેળવી શકાય છે.

પ. ક્રમાંક 39, પ. ભાર 88.91, ગ.બિં. 1523o સે. ઉ.બિં. 3337o સે., વિ.ઘ. 4.46 (20o સે.), ઉપચયન (oxidation) આંક +3, ઇલેક્ટ્રૉન વિન્યાસ [Kr]4d15s2, આયનત્રિજ્યા 0.90 Ao. કુદરતી ઇટ્રિયમમાં એક જ સ્થાયી સમસ્થાનિક Y-89 છે.

તે ચાંદી જેવી ચળકતી, સક્રિય, તન્ય (ductile) ધાતુ છે. તેનો ભૂકો હવામાં સહેલાઈથી સળગી ઊઠે છે. તે ઍસિડ તથા આલ્કલી સાથે ક્ષાર બનાવે છે, જે રંગે સફેદ હોય છે. Y3+ આયન પ્રતિચુંબકીય છે.

Y2O3નું એકંદર વાર્ષિક ઉત્પાદન લગભગ 10 ટન જેટલું છે. ઇટ્રિયમ વિશિષ્ટ કાચની બનાવટમાં, ફૉસ્ફૉર અને લેઝર સહિત વિવિધ ઇલેક્ટ્રૉનિક અને પ્રકાશીય (optical) પ્રયુક્તિઓમાં, મિશ્ર ધાતુઓમાં તથા ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. ટેલિવિઝિનની ટ્યૂબના પડદામાં લાલ રંગ માટે વપરાતા સંદીપક(phosphor)માં ઇટ્રિયમ અને યુરોપિયમ વપરાય છે. ઇટ્રિયમયુક્ત ગાર્નેટ ઘન અવસ્થા (solid state) સૂક્ષ્મતરંગ (microwave) પ્રયુક્તિઓમાં વપરાય છે. રડાર અને સંચારણ(communication)-પ્રણાલીઓમાં આ પ્રયુક્તિઓ ઉપયોગી છે. વિકિરણધર્મી ઇટ્રિયમ કૅન્સરના ઉપચારમાં વપરાય છે. ઇટ્રિયમ હાઇડ્રોજન શોષે છે. YH2 સુધીનાં સંઘટનો ધાતુગુણો ધરાવે છે અને લગભગ 1200o સે. સુધી સ્થાયી છે. આ પદાર્થમાં હાઇડ્રોજનની એક ઘન સેમી.ની ઘનતા પ્રવાહી હાઇડ્રોજન કે પાણીમાંના હાઇડ્રોજનની ઘનતાથી વધુ હોય છે, તેથી પરમાણુભઠ્ઠીમાં વિમંદક (moderator) તરીકે તે વપરાવાની શક્યતા છે.

જ. ચં. વોરા