ઇટોલિયન લીગ : કૉરિન્થના અખાતની ઉત્તરે આવેલા પ્રાચીન ગ્રીસના ઇટોલિયા પ્રદેશનું સમવાયતંત્ર. દરિયાકિનારા તથા પર્વતોથી આ પ્રદેશ રક્ષાયેલો હતો. ખેતી લોકોનું જીવનનિર્વાહનું સાધન હતું.
ઇટોલિયન લીગનું અર્ધસમવાય ઈ. સ. પહેલાં ચોથી સદીમાં અસ્તિત્વમાં આવ્યું. ઈ. સ. પૂ. 300ના વર્ષે લીગે ડેલ્ફીનો કબજો લીધો અને એકિયન લીગ તથા મેસિડોનિયા સાથે દુશ્મનાવટ વહોરી લીધી. ઈ. સ. પૂ. 197માં રોમન લોકોનો સાથ લઈને લીગે મેસિડોનિયાના રાજા ફિલિપ પાંચમાને હાર આપી. પાછળથી તેઓએ રોમની સામે સેન્ટિઑક્સ ત્રીજાને સાથ આપ્યો. ઈ. સ. પૂ. 189માં તેની પડતી થતાં ઇટોલિયનોને રોમનું આધિપત્ય સ્વીકારવું પડ્યું. કાળક્રમે લીગનો પ્રભાવ નામશેષ થયો.
પ્રાચીન ગ્રીસના ઇતિહાસમાં સમવાયતંત્રનો એક જાણીતો દાખલો ઇટોલિયન લીગ પૂરો પાડે છે. તેના ઉત્કર્ષકાળ દરમિયાન તેના વ્યવસ્થાતંત્રમાં બધા જ નાગરિકોની બનેલી સામાન્ય સભા (general council), સમવાયી સમિતિ (federal council) તથા આંતરિક સમિતિ (inner council) રહેતી. લશ્કરમાંના સંખ્યાબળના પ્રમાણમાં દરેક જાતિને સમવાયી સમિતિ પર પ્રતિનિધિત્વ અપાતું. આંતરિક સમિતિની રચના સમવાયી સમિતિમાંથી કરવામાં આવતી અને તે લીગના હોદ્દેદારો સાથે સંયુક્ત રીતે કાર્ય કરતી. હોદ્દેદારોની ચૂંટણી સામાન્ય સભા દ્વારા કરવામાં આવતી. વિદેશનીતિ લીગના સીધા અંકુશ હેઠળ રહેતી. સમાન ચલણવ્યવસ્થા અને તોલમાપનાં સમાન સાધનો લીગ દ્વારા નિર્ધારિત કરવામાં આવતાં.
દેવવ્રત પાઠક