ઇટાહ (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આગ્રા ઉપવિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને તાલુકામથક. તે 27o 18´થી 28o 02´ ઉ. અ. અને 78o 11´થી 79o 17´ પૂ. રે. વચ્ચેનો 4,446 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદનો આકાર ખૂબ જ અનિયમિત છે. તે ગંગા અને યમુના નદીઓના દોઆબ વિસ્તારમાં આવેલો છે. તેની ઉત્તરે ગંગા નદી અને બદાયૂં જિલ્લો, પૂર્વમાં ફારૂખાબાદ, દક્ષિણ અને અગ્નિમાં મૈનપુરી, આગ્રા અને મથુરા તથા પશ્ચિમે મથુરા અને અલીગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક ઇટાહ જિલ્લાની મધ્ય-દક્ષિણમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે : (i) ગંગા અને બુરહીગંગાની સીમાવાળો તરાઈનો પ્રદેશ. તે આ બંને નદીઓએ રચેલા કાંપના નિક્ષેપોથી લાંબી પટ્ટી રચે છે. (ii) મધ્ય દોઆબનો પ્રદેશ. તે પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી ગંગા નદીના ઊંચાઈએ રહેલા જૂના કાંઠા અને કાલી નદી વચ્ચે આવેલો છે. અહીં ભેખડોનું નિર્માણ થયેલું છે. કાલી નદીએ પણ ઊંચાણવાળા રેતાળ ભાગો રચેલા છે. વચ્ચેનો વિભાગ રેતી અને ઊસરથી બનેલો અસમતળ મેદાન જેવો છે. (iii) કાલી નદીથી દક્ષિણે ઊંચાં નીચાં થાળાંની શ્રેણી આવેલી છે. આ જિલ્લામાં જંગલો નથી; પરંતુ આઝમગઢ, સિરપુરા, પચલાના અને ઇટાહ-કાસગંજ માર્ગ પર કેસૂડાનાં વૃક્ષો તેમજ બાવળ, લીમડો, જાંબુ અને સીસમનાં વૃક્ષો છે.

ઇટાહ જિલ્લો

ઇટાહ જિલ્લો

જળપરિવાહ : ગંગા-બુરહીગંગા, કાલી (સ્થાનિક નામ કાલિન્દી) અને ઇસન અહીંની મુખ્ય નદીઓ છે. ગંગા નદી જિલ્લાની ઉત્તર સીમા રચે છે અને અગ્નિ દિશા તરફ વહે છે. બુરહીગંગા વાયવ્ય તરફથી પ્રવેશી ગંગાને સમાંતર વહે છે. તે બુરહીગંગાથી દક્ષિણ તરફ વહે છે. નીમ તેની સહાયક નદી છે. ઇસન ભૂમિતળની સપાટી પર જ વહે છે, તેણે ઊંડી ખીણ રચી નથી. તેમાં જલેસર તાલુકાથી પશ્ચિમે મોટાં પૂર આવે છે. આ જિલ્લામાં સરોવરો ઓછાં છે, પરંતુ તળાવો ઘણાં છે.

ખેતીસિંચાઈપશુપાલન : આ જિલ્લામાં રેતાળ (ભુર), ગોરાડુ (દુમત), માટીવાળી (માટિયાર) અને તરાઈ જેવા જુદા જુદા જમીન-પ્રકારો જોવા મળે છે. મોટી નદીઓના નજીકના ભાગોમાં તરાઈ-પ્રકારની જમીનો છે. જિલ્લામાં રવી અને ખરીફ પાકો લેવામાં આવે છે. ઘઉં, બાજરી, મકાઈ, ચણા, તેલીબિયાં, કપાસ, બટાટા અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. નહેરો, સરકારી અને ખાનગી ટ્યૂબવેલ સિંચાઈ માટેના મુખ્ય સ્રોત છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અહીંનું મુખ્ય પશુધન છે. ઢોરોની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી તેમને સુધારવાના પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લામાં તેમને માટે પશુચિકિત્સાલયો, સંવર્ધન-કેન્દ્રો તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગોવેપાર : જિલ્લામાં 19 નાના પાયા પરના અને 2 મોટા/મધ્યમ પાયા પરના ઉદ્યોગો આવેલા છે. આ પૈકી નેવલી સુગર ફૅક્ટરી; ઉત્તર પ્રદેશ ઑઇલ ઍન્ડ ફૂડ-પ્રૉડક્ટસ કં.; જે. બી. કોલ્ડ સ્ટોરેજ આઇસ ફૅક્ટરી – જનરલ મિલ્સ, નાદ્રાઇઘાટ, કાસગંજ; યુ. પી. ગવર્નમેન્ટ રોડવેઝ વર્કશૉપ; કાસગંજ કોલ્ડ સ્ટોરેજ; ગંગા નારાયણ રામસ્વરૂપ જિનિંગ મિલ્સ લિ., ગંજ દુંદવાડા; શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રિયલ મિલ્સ મુખ્ય છે. નાના પાયા પરના ઉદ્યોગો ખેતી પર આધારિત છે. તેમાં ખાદ્યતેલ, દાળ, ચોખા અને આટો બનાવતા એકમો છે. પ્રકીર્ણ ઉદ્યોગોમાં બરફ અને શીતાગારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં રસાયણો, ઔષધિઓ, ધાતુપેદાશો અને પરિવહનનાં સાધનોના ઉદ્યોગો પણ વિકસ્યા છે.

ખેતીપેદાશોનું અહીં મોટું બજાર આવેલું છે. તેમાં અનાજનો વેપાર થાય છે. ઉદ્યોગો કરતાં અહીં વેપાર-વાણિજ્યનું વધુ મહત્વ છે. આ જિલ્લામાં ઘરેણાં, ખીલા, પગરખાં, કાલીન, દોરડાં, સરસિયું, મીઠું, ઍલ્યુમિનિયમના સળિયા અને કાચના સામાનનું ઉત્પાદન લેવાય છે. અહીં કાપડ, કરિયાણું, પિત્તળનો ભંગાર, સૂતર અને સિંગતેલ વગેરેની આયાત થાય છે; જ્યારે તમાકુ, બટાટા, મગફળી, ચોખા, કાપડ, ખાંડસરી, લોખંડના સળિયા વગેરેની નિકાસ થાય છે.

પરિવહનપ્રવાસન : જિલ્લો આજુબાજુનાં જિલ્લાઓ અને રાજ્યો સાથે બ્રૉડગેજ અને મીટરગેજ રેલમાર્ગથી જોડાયેલો છે. જિલ્લામથક ઇટાહ અલીગઢ, બદાઉન, ફારૂખાબાદ, ફિરોઝાબાદ (સિકોહાબાદ) અને આગ્રા સાથે પાકા સડકમાર્ગોથી સંકળાયેલો છે. જિલ્લામાં કેટલાંક મંદિરો, મસ્જિદો અને ઐતિહાસિક સ્થળો સિવાય વિશેષ મહત્વ ધરાવતાં કોઈ પ્રવાસ-સ્થળો આવેલાં નથી. તે આગ્રા, ફતેહપુર, સિક્રી અને મથુરાની નજીક હોઈ કેટલાક લોકો આ જિલ્લાની મુલાકાતે આવે છે. જિલ્લામાં શિવરાત્રી, રામનવમી જેવા તહેવારો ઊજવાય છે. ઊર્સ, મેળા વગેરે પણ ભરાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 17,61,152 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 85 % અને 15 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધો વિશેષ છે; જ્યારે જૈન, ખ્રિસ્તી અને શીખોનું પ્રમાણ ઓછું છે. હિન્દી અને ઉર્દૂ આ જિલ્લાની મુખ્ય ભાષાઓ છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ આશરે 33 % જેટલું છે. જિલ્લાનાં આશરે 70 %થી વધુ ગામોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે. જિલ્લામાં પાંચ જેટલી કૉલેજો, 6 પુસ્તકાલયો અને 3 જાહેર વાચનાલયો છે. નગરો તેમજ મોટાભાગનાં ગામોમાં તબીબી સેવાની સુવિધાઓ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓ અને 15 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 19 નગરો અને 1,610 (103 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. ઇટાહ, કાસગંજ અને સોરોન અહીંનાં જાણીતાં સ્થળો છે.

ઇતિહાસ : આ જિલ્લાની રચના 1852માં કરવામાં આવેલી છે. 1961 અગાઉ આ જિલ્લામાં ચાર તાલુકા હતા, તે વધારીને 1961માં ઇટાહ, કાસગંજ, જલેસર, અલીગંજ અને પતિયાલી નામના પાંચ તાલુકાઓ બનાવાયા છે.

ઇટાહ (શહેર) : ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લાનું વડું વહીવટી મથક. તે આગ્રાથી ઈશાનમાં આવેલું છે. જિલ્લાની ખેતપેદાશો માટેનું મુખ્ય બજાર ઇટાહ ખાતે આવેલું છે. જિલ્લાના મોટાભાગના ઉદ્યોગો પણ નગરની નજીકમાં જ વિકસ્યા છે. ઇટાહ ખાતે ઘરેણાં, ખીલા અને ડાંગરનું ઉત્પાદન લેવાય છે અહીંથી ચોખા, ઘી અને ઘરેણાંની નિકાસ તથા કરિયાણું, સિમેન્ટ અને કાપડની આયાત થાય છે. અહીંથી ઉત્તર વિભાગીય – ઈશાન વિભાગીય રેલમાર્ગ (મીટર ગેજ) પસાર થાય છે. અલીગઢ, બદાયૂં, ફારૂખાબાદ, શિકોહાબાદ (ફિરોઝાબાદ) અને આગ્રા સાથે ઇટાહ પાકા માર્ગોથી જોડાયેલું છે. અહીં આગ્રા સંલગ્ન કૉલેજો આવેલી છે. આ શહેરની વસ્તી  આશરે 97,400 (2020) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે