ઇટાલિયન ભાષા અને સાહિત્ય : ભારત-યુરોપીય ભાષા-પરિવારની રોમાન્સ ઉપજૂથની ઇટાલિક ભાષાઓમાંની એક ભાષા અને તેનું સાહિત્ય. આજે તે ઇટાલીની અને સાન મેરીનોની વહીવટી અને અધિકૃત ભાષા છે. તે ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં જે કેટલીક અધિકૃત ભાષાઓ છે તેમાંની પણ તે એક છે. ઇટાલીમાં લગભગ સાડા પાંચ કરોડ લોકો, સાન મેરીનોમાં અંદાજે વીસ હજાર લોકો, સ્વિટ્ઝર્લૅન્ડમાં લગભગ ચાર લાખ લોકો અને યુરોપના અન્ય દેશોમાં લગભગ તેર લાખ લોકો આ ભાષા બોલે છે. ઉપરાંત અંદાજે પચાસ લાખ ઇટાલિયન ભાષકો ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં વસે છે.
ઇટાલિયન ભાષાની વિવિધ બોલીઓમાં પિડમૉન્ટીઝ, લૉમ્બાર્ડ, લિગુરિયન, એમિલિયન અથવા બલોગ્નીઝ નોંધપાત્ર છે. આ બધી બોલીઓ ઉચ્ચારણના સંદર્ભમાં ફ્રેન્ચ ભાષાની વધુ નિકટ છે. વેનિશિયન બોલી વેનિસ ઉપરાંત ઇટાલીના તિરોલ, દાલમેશિયા અને ઇસ્ત્રિયાના પ્રદેશોમાં બોલાય છે. અન્ય બોલીઓમાં તસ્કન, કૉર્સિકન, ઉત્તર માર્ડિનિયન, રોમન (જેમાં અંબ્રિયા અને માર્ચિઝ જેવી બોલીઓનો સમાવેશ થાય છે) વગેરે છે. ઐતિહાસિક રીતે તે લૅટિનમાંથી ઊતરી આવેલી ભાષા છે. ચોક્કસપણે કયા સમયે આ ભાષા ઇટાલિયન તરીકે ઓળખાઈ તે નક્કી નથી; પરંતુ દસમી સદી પહેલાંની આ ભાષાની કોઈ હસ્તપ્રત મળતી નથી. ફ્લૉરેન્સમાં બોલાતી આ ભાષાની તાસ્કન બોલીમાં તેરમી-ચૌદમી સદીમાં રચાયેલી સાહિત્યકૃતિઓ મળે છે, તે ઉપરથી કહી શકાય કે ફ્લૉરેન્સનો જે મોભો હતો તે કારણે ત્યાંની બોલી ધીમે ધીમે સ્વીકૃત માન્ય ભાષા બનતી ગઈ હશે. આ સાહિત્યકૃતિઓમાં ડૅન્ટિની જગપ્રસિદ્ધ ‘ડિવાઇન કૉમેડી’નો પણ સમાવેશ થાય છે. આજે પણ ઇટાલિયન ભાષાની અનેક બોલીઓ હોવા છતાં માન્ય ભાષા તો ફ્લૉરેન્સની આ બોલી જ ગણાય છે. ઇટાલીની રાજધાની રોમની બોલીએ પણ આ માન્ય ભાષા ઉપર ઘણો પ્રભાવ પાડ્યો છે. ચૌદમી સદી પછી માન્ય ઇટાલિયન ભાષામાં ખાસ મોટાં પરિવર્તનો આવ્યાં નથી, તેથી આજની ઇટાલિયન ભાષાનો ભાષક પણ બહુ મુશ્કેલી વિના ડૅન્ટિની સાહિત્યકૃતિ વાંચી શકે છે. વળી આજે તો પ્રચારમાધ્યમોને કારણે આખા ઇટાલીમાં આ માન્ય ઇટાલિયન ભાષાનો વ્યાપક વપરાશ થવા લાગ્યો છે.
આ ભાષા લખવા માટે રોમન લિપિનો ઉપયોગ થાય છે. લખાણની સાથે ઉચ્ચારણોનો બહુ નજીકનો સંબંધ આ ભાષામાં જળવાઈ રહ્યો છે, જેના કારણે જેવું લખાય છે તેવું બોલાય છે. ઘણી વાર આ ભાષાને સાહિત્ય અને સંગીતની ભાષા તરીકે ઓળખવામાં આવે છે.
સાહિત્ય : બારમી સદીના અંતે ઇટાલીમાંથી લૅટિન ભાષાનું પ્રભુત્વ ઓસરી ગયું હતું. રોમન બાદશાહ ફ્રેડરિક બીજાના સિસિલીના દરબારમાં (1208-1250) કવિઓ મનોરંજન માટે કાવ્યો રચતા. તે પછી સાહિત્યિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ટસ્કની બન્યું. મહાકવિ ડૅન્ટિના ગુરુ બ્રુનૈતો લાતિનીએ (1230-1295) ‘ઇલેપેસોરેત્તો’ નામની નીતિવિષયક કવિતા ઇટાલિયન ભાષામાં રચી હતી.
ઇટાલિયન ભાષા અને સાહિત્યના પિતા ડૅન્ટિ આલિગિયેરી (1265-1321) ગણાય છે. યુરોપના મધ્યકાલીન યુગના તે શ્રેષ્ઠ પ્રતિનિધિ હતા. નવ વર્ષની ઉંમરે બિયેટ્રિસ નામની એક સુંદર છોકરી ડૅન્ટિએ જોયેલી. તેણે ડૅન્ટિના હૃદયમાં પ્રેરણા રૂપે સદૈવ વાસ કર્યો. રાજકારણને લીધે યુવાન ડૅન્ટિને દેશવટો ભોગવવો પડેલો અને પોતાનું વતન ફ્લૉરેન્સ છોડવું પડેલું, કારણ કે તેને મૃત્યુદંડની સજા થઈ હતી.
ડૅન્ટિની પ્રથમ સાહિત્યિક કૃતિ ‘વિતાનુ ઓવા’ (પુનર્જન્મ) છે. તેમાં પદ્યની છાંટવાળું ગદ્ય છે. માનવહૃદયની સમજ, ચિંતન તથા આદર્શ પ્રેમનું નિરૂપણ તેમાં થયેલું છે. વિશ્વસાહિત્યમાં ડૅન્ટિને અમર રાખનાર મહાકાવ્ય ‘ડિવાઇન કૉમેડી’ (આ. 1310-1321) ત્રણ ખંડમાં છે : (1) નરકલોક (Inferno), (2) પાપપ્રક્ષાલક લોક (Purgatoria) અને (3) સ્વર્ગ (Paradise). દરેક ખંડમાં અનુક્રમે 34, 33, 33 સર્ગો મળી સમગ્ર કાવ્યમાં કુલ 100 સર્ગો છે. ‘મૃત્યુ પછીની આત્માની દશા’ એનો વિષય છે. કવિ વર્જિલને અનુસરીને ડૅન્ટિ ‘નરકલોક’ અને ‘પાપપ્રક્ષાલકલોક’ની યાત્રા કરે છે. ડૅન્ટિને સ્વર્ગમાં દોરનાર બિયેટ્રિસ છે. દુ:ખમાં પડેલ માનવોને તેમાંથી મુક્ત કરી કલ્યાણપંથે દોરવાનો આ મહાકાવ્યનો હેતુ છે. તેમાં કવિનું ભાષાપ્રભુત્વ, બહુશ્રુતતા અને વિદ્વત્તા ડગલે ને પગલે દેખા દે છે. ડૅન્ટિ તેની આ અમર કૃતિને કારણે ‘શબ્દસૃષ્ટિનો નિયંતા’ ગણાય છે.
ડૅન્ટિ પછીના લેખકોમાં મુખ્ય પૅટ્રાર્ક (1304-1374) છે. તેણે તેની પ્રિયતમા લૉરાને ઉદ્દેશીને ચૌદ પંક્તિવાળાં ‘સૉનેટ’ રચ્યાં. ઇટાલિયન સાહિત્ય પર પૅટ્રાર્કની વ્યાપક અસર પડેલી છે. કવિ બોકાશિયો (1313-1375) તેનાં કાવ્યો કરતાં તેણે રચેલ ‘ડિકેમેરોન’ની દસ સાધુ-સાધ્વીઓની વાતોથી પ્રખ્યાત છે. 1348ના પ્લેગથી બચવા ગામડે જઈને તે કુલ 100 વાર્તાઓ કહે છે. છળકપટ, પ્રેમ, વિનોદ તથા અનીતિ વગેરે વિષયોના કારણે આ વાસ્તવદર્શી કૃતિ જનતામાં અને સાહિત્યકારોમાં પ્રિય બની છે. તેની આ વાર્તાઓની ‘હ્યુમન કૉમેડીઝ’ તરીકે ગણના થાય છે.
નિકોલો મૅક્યાવેલી(1469-1527)ની ‘ધ પ્રિન્સ’ સાહિત્યકૃતિ નથી. એ કૃતિ રાજસત્તા ટકાવવા નીતિ-અનીતિને કોરાણે મૂકીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા જે કંઈ કરવું પડે તે કરવાનો નિર્દેશ કરે છે.
ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ફ્લૉરેન્સ શહેર સંસ્કૃતિનું કેન્દ્ર હતું. એ સમયના પ્રતિનિધિ રૂપે સાહિત્યકારો છે ઍન્તોનિયો પુરચી (મૃ. 1388) તથા ‘300 ટૂંકી વાર્તાઓ’નો લેખક ફ્રાંકો સા ચેટ્ટી. આ સમયની ગુઈ દો દા પિસાની કૃતિ ‘ઇટાલીનું પુષ્પ’ ઉત્કૃષ્ટ રચના છે. બોકાશિયોના મૃત્યુથી પંદરમી સદીના મધ્યકાળ સુધી કવિતાની અવનતિ થઈ. લોકોનું જ્ઞાન કુંઠિત હતું, છતાં સિદ્ધાંતો કે ધર્મને ખાતર આત્મબલિદાન આપવાનો ઉત્સાહ અને આવેશ હતો. એ પરિસ્થિતિનું પ્રતિબિંબ લોદોવિકો આરિઓસ્તો(1474-1533)ના મહાકાવ્ય ‘ઓર્લાંદો ફ્યુરિઓસો’માં જોવા મળે છે. તેમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓના સંઘર્ષનું નિરૂપણ છે. ત્રણ વખત મુસલમાનોને હરાવીને ખ્રિસ્તીઓ વિજય પામે છે. કવિ કહે છે : ‘હું ગાઉં છું સ્ત્રીઓ, વીર પુરુષો, યુદ્ધો કે શસ્ત્રો, પ્રેમકથાઓ, સ્ત્રીદાક્ષિણ્ય અને પરાક્રમો વિશે.’ લોકોમાં પ્રિય થઈ પડેલું આ કાવ્ય જૂની સાથે નવી પેઢીની ઊઘડતી જીવનર્દષ્ટિ રજૂ કરે છે.
મુસ્લિમ અને ખ્રિસ્તીધર્મીઓ વચ્ચેના સંઘર્ષ વિશે તોર્કાતો તાસ્સો(1544-1595)નું ‘જેરૂસલેમ લિબરેટેડ’ બીજું મહાકાવ્ય છે. જેરૂસલેમમાં ઈસુ ખ્રિસ્તની કબર છે. ત્યાં મુસ્લિમોનું રાજ હતું. ખ્રિસ્તીઓ તે સ્થળ પર મુસ્લિમોને યુદ્ધમાં હરાવી જેરૂસલેમને મુક્ત કરે છે. આ મહાકાવ્ય ઉપરાંત તાસ્સોનાં સરસ સૌંદર્યલક્ષી પ્રેમગીતો લોકોમાં ગવાતાં હતાં.
શિલ્પકલામાં અમરસ્થાન પ્રાપ્ત કરનાર માઇકલેન્જેલો (1474–1564) પણ પ્રેમી કવિ હતો. સત્તરમી સદીની શરૂઆતથી જ ઇટાલીમાં પ્રજાના રાજકીય અને સામાજિક જીવનમાં પરિવર્તનો આવ્યાં. દેશને કુદરતી અને બીજી અનેક આફતોમાંથી પસાર થવું પડ્યું. બધે હતાશા વ્યાપેલી હતી. સત્તરમી સદીના સાહિત્યકારોમાં વિન્સેન્ઝો દા ફિલિકાની(1642-1707)એ તુર્ક લોકો પર સોબૈસ્કીનો વિજય ગાયો છે. તેની ‘ઓડ’ પ્રકારની છ કાવ્યરચનાઓ અત્યંત સુંદર છે.
ઇટાલીની જનતામાં વ્યાપેલી હતાશા દૂર કરવા અને જીવનમાં જુસ્સો, દેશપ્રેમ વગેરે જાગ્રત કરવા જ્યુસેપ પારીની (1729-1799) અને જિયોવાની મેલી(1740-1815)એ સાહિત્યરચનાઓ દ્વારા ખાસ પ્રયત્નો કર્યા. કાર્લો ગોલ્દોની(1707-1793)એ હાસ્યપ્રધાન નાટકો દ્વારા આ કાર્ય આગળ ધપાવ્યું. તેની ઇચ્છા હાસ્યરસિક નાટકોના ફ્રેંચ લેખક મોલિયર જેવા થવાની હતી; પરંતુ સૌથી વધુ અસરકારક ભાગ તો વિત્તોરિયો આલ્ફિયરી(1749-1803)ની કરુણાંત નાટ્યકૃતિઓએ ભજવ્યો. તેણે બાવીસ નાટકો રચ્યાં છે. એ બધાંના વિષયો ઐતિહાસિક અથવા પૌરાણિક છે. તેણે અમેરિકન સ્વાતંત્ર્ય વિશે ‘ઓડ’ પ્રકારનાં 5 કાવ્યો રચ્યાં હતાં. તેનાં નાટકોમાં મિર્રા, સૉલ, વર્જિનિયા, બ્રુતો તથા જર્મન કવિ-નાટ્યકાર શિલરને પ્રભાવિત કરનાર ફિલિપ્પો બીજો વગેરે ખૂબ જાણીતાં છે. તેનાં પાત્રોમાંની લાગણીઓ અગ્નિની જ્વાળાઓ જેવી છે. ઇટાલીની પરદેશી સરકારે તેનાં નાટકોમાં સ્વાતંત્ર્યપ્રેમનો પ્રચાર હોવાથી તે જપ્ત કર્યાં અને મુદ્રકોને જેલ તથા દંડની સજા કરી. તેનાં નાટકો છૂપી રીતે લોકોમાં વંચાતાં અને ભજવાતાં.
એ જમાનામાં લોકોમાં અને જુવાનોમાં વ્યાપેલી હતાશાનું પ્રતિબિંબ ઊર્મિગીતોના કવિ જ્યાકોમો લિયૉપાર્દી(1798-1837)ની રચનાઓમાં ઝિલાયું છે. લિયૉપાર્દી આ દુનિયામાં કેવળ પક્ષીઓને જ સુખી અને આનંદી ગણે છે. તેણે તેની બહેનને આપેલો આશીર્વાદ પણ સૂચક છે : ‘બહેન ! તારે કાયર કે દુ:ખી એવાં સંતાનોને જન્મ આપવો પડશે. દુ:ખી સંતાનોને જન્મ આપજે, પણ કાયરોને હરગિજ જન્મ ન આપતી.’ આ કવિનાં કાવ્યો પણ સરકારે જપ્ત કર્યાં. આલ્ફિયેરી અને લિયૉપાર્દીની કૃતિઓએ લોકોમાં બળવાની વૃત્તિ પેદા કરી. ‘કાર્બોનારી’ પક્ષની ભૂગર્ભ ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ. યુવાનો રસ્તામાં ‘સંગીતકાર વેર્દી ઘણું જીવો’ એવા રહસ્યમય પોકારો કરતા. વૉટર્લૂની લડાઈ(1815)માં નેપોલિયનનો પરાજય થયો અને ઇટાલીનો આઝાદીજંગ શરૂ થયો, અને તેમાં રાજનીતિજ્ઞ કાવૂર, નિબંધલેખક મેઝિની અને સૈનિક સરદાર ગેરિબાલ્દીએ નેતૃત્વ લીધું. 1870માં લોકોએ પરદેશી શાસકોને હાંકી મૂક્યા. ઇટાલીનાં નાનાં રાજ્યોનો સંઘ રચાયો અને દેશના પાટનગર તરીકે રોમ સ્વીકારાયું. આ જમાનાની આકાંક્ષાઓને વાચા આપતી ‘આઇ પ્રોમિસી પ્રોમિસ્ડ’ નવલકથાનો લેખક આલેસ્સાંદ્રો માન્ઝોની (1785-1873) એક જ નવલકથા રચીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યો. લુચિયા અને રેન્ઝોના પ્રેમની આ કથા છે. તેમાં 1630માં ઇટાલીમાં ફાટી નીકળેલી ભયંકર મરકીનું વર્ણન ખૂબ તાર્દશ છે. પાત્રાલેખન, હાસ્યરસ અને ઐતિહાસિક વસ્તુએ નવલકથાને ખૂબ લોકપ્રિય બનાવી. પછી તેના અનુકરણ રૂપે ઘણી ઐતિહાસિક નવલકથાઓ લખાઈ છે.
અઢારમી સદીના અંતમાં મિલાન શહેરમાંથી રોમૅન્ટિક આંદોલન શરૂ થયું અને સાથે આધુનિક ઇટાલિયન સાહિત્ય જન્મ્યું. 1850 પછી ઇટાલિયન સાહિત્ય પરનો રાજકીય પ્રભાવ ઓછો થઈ ગયો. જિયોવાન બાત્તિસ્તા નિક્કોલિની રોમૅન્ટિક સમયનો ખ્યાતનામ નાટ્યકાર છે.
ઓગણીસમી સદીના ઇટાલિયન કવિઓમાં જ્યોસુએ કાર્દુસ્સી (1835-1907) શ્રેષ્ઠ કવિ ગણાય છે. 1906માં તેને નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. તેની કવિતાની કટુતામાં હતાશા અને બંડખોરવૃત્તિ દેખાય છે. ‘રાઇમ નુઓવે’ તથા ‘ઓડી બાર્બરે’ 1880માં પ્રગટ થયેલી તેની શ્રેષ્ઠ કાવ્યરચનાઓ છે. શેલીની માફક કાર્દુસ્સી બંડખોર હતો, પણ તે આખરે વાસ્તવિક દુનિયાથી કંટાળીને માનવતાવાદનો હિમાયતી બન્યો હતો. એદમોન્દો દે અમિક્સિ (1846-1906) નવલકથાકાર અને વાર્તાકાર તરીકે ખ્યાતિ પામ્યો. તેની પ્રખ્યાત કૃતિ ‘કુઓર’ છે. લેખિકા અદા નેગ્રી ઇટાલિયન શાર્લોટ બ્રોન્ટે ગણાય છે. માન્ઝોનીથી પ્રભાવિત ધાર્મિક વૃત્તિનો ઍન્ટોનિયો ફોગાઝારો(1842-1911)ની નવલકથા ‘સેન્ટ’ (1906) ખૂબ ચર્ચાસ્પદ બની હતી. લેખિકા માતિલ્દે સેરોઓ આ સમયની જાણીતી નવલકથાકાર છે.
ગેબ્રિયેલે દાન્નુઝિયો (1863-1938) શબ્દાડંબરી કવિ અને નવલકથાકાર છે. તે ફાસીવાદી હતો. એની ર્દષ્ટિ માનવસ્વભાવનું ગહન દર્શન કરાવે છે, પણ એનાં નાયકો અને નાયિકાઓમાં એક જ સમસ્યાની કંટાળાજનક પુનરુક્તિ થાય છે. ‘ફ્રાન્સેસ્કા દા રિમિની’ તેનું મહાન કરુણાંત નાટક છે, જે અનેક વાર રંગભૂમિ પર રજૂ થયું હતું.
જિયોવાની વેર્ગા(1840-1922)એ ઇટાલિયન છાપના વાસ્તવવાદને વિકસાવ્યો છે.
વેર્ગા સાથે ગાઢ રીતે સંકળાયેલ સિસિલીનો લુઈગી ક્યુઆના (1839-1915) વાસ્તવવાદમાં ઓછો સાહજિક છે, પરંતુ માનસ-વિશ્લેષણમાં તેની કલા ખીલી ઊઠે છે. તેની શ્રેષ્ઠ કૃતિ ‘ઇલ પાર્ચેઝદી રોક્કાવર્દિના’(1901)માં અગ્રીપ્પિના સોલ્મીનું પાત્ર કાવ્યમય છે.
ગ્રાઝિયા દેલેદ્દા (1871-1936) અંશત: સાર્ડિનિયન વેર્ગા ગણાય છે. 1926માં તેને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. તેનો યથાર્થવાદ ઊર્મિગીતોમાં ઊતર્યો છે.
ચિંતન, તત્વજ્ઞાન અને સૌંદર્યશાસ્ત્રમાં બેનદેત્તો ક્રોચે(1866-1952)ની નામના યુરોપખંડમાં ફેલાયેલી છે. તેણે આ પૃથ્વી પરના મહત્વના અનેક વિષયો પર સુંદર રીતે આલેખન કર્યું છે.
‘પિસાની બોલીમાં સો સૉનેટો’(1872)નો કવિ રેનાલ્ટો ફુસિની (1843-1921) મનોહર કવિ છે; પરંતુ તેની વાર્તાઓ ‘નેરિઝ વિજિલ્સ’(1897)માં કટુતા સાથે વિનોદનું મિશ્રણ છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર અત્યંત બુદ્ધિશાળી નવલકથાકાર ઇગ્નાઝિઓ સિલોને (જ. 1900, સેકેન્દો ટ્રાન્કવીલીનું તખલ્લુસ) ‘ફોન્તામારા’ (1933) નવલકથાના લેખન દ્વારા ખ્યાતિ પામ્યો છે. તેની સામ્યવાદમાંથી ખ્રિસ્તી ધર્મ તરફ પ્રગતિ થયેલી. તેના ભાઈનું મુસોલિનીના શાસનમાં જેલમાં ખૂન થયું હતું. પછી સિલોને ઇટાલી છોડીને સ્વિટ્ઝર્લૅન્ડવાસી થયો હતો. 1944માં તે ફરી ઇટાલી આવ્યો. ‘બ્રેડ ઍન્ડ વાઇન’ (1937) તથા ‘ધ સીડ બિનીથ ધ સ્નો’ (1941) તેની અન્ય જાણીતી કૃતિઓ છે.
ફાસીવાદવિરોધી રાજકારણમાં પ્રવૃત્ત દાક્તર અને ચિત્રકાર કાર્લો લેવી (જ. 1920) અખબારી પ્રતિભા છે. ‘ક્રાઇસ્ટ સ્ટૉપ્ડ ઍટ એબોલી’(1495)માં ફાસીવાદીઓથી દેશનિકાલ થયેલા લેખકે પોતાના અનુભવોનું અત્યંત રસપ્રદ આલેખન કર્યું છે.
વિપુલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર લોકપ્રિય નવલકથાકાર આલ્બર્ટો મોરાવિયા (જ. 1907) ઇટાલિયન સમાજના સડાને આલેખે છે. તેની ત્રણ કૃતિઓ ‘ધ ટાઇમ ઑવ્ ઇન્ડિફરન્સ’ (1929), ‘ધી એપિડેમિક’ (1944) અને ‘ધ વુમન ઑવ્ રોમ’ (1947) તેને પ્રથમ પંક્તિનો સાહિત્યકાર ગણાવવા માટે પૂરતી છે. પ્રથમ કૃતિ ફાસીવાદ તળે મધ્યમવર્ગના સમાજનો ભ્રષ્ટાચાર દર્શાવે છે. ‘એપિડેમિક’માં ફાસીવાદ સ્વયં એક પ્રકારનો રોગચાળો છે અને તેની દુર્ગંધમાં સમાજ જાણે સુગંધ માણતો જીવી રહ્યો છે તે પ્રત્યે કટાક્ષ છે. ‘ધ વુમન ઑવ્ રોમ’નો ગુજરાતીમાં અનુવાદ જયાબેન ઠાકોરે ‘સ્ત્રી’ નામે કર્યો છે. તેમાં રોમની એક વેશ્યાનું જીવન પ્રેમ અને વાસનાના રંગે આલેખાયું છે. મોરાવિયાની ‘ધ ફૅન્સી ડ્રેસ પાર્ટી’ (1941) તથા ‘ધ એમ્પ્ટી કૅન્વાસ’ (1960) વાર્તાઓ મુસોલિનીની જાતીય લીલાની ઠેકડી કરે છે.
નવ્ય વાસ્તવવાદી (neo-realist) સેઝારે પવેસે (1908-50) નવલકથાકાર, કવિ અને અનુવાદક હતો. તેણે 1950માં તુરિનમાં આપઘાત કર્યો હતો. તેની કૃતિ ‘ધીસ બિઝનેસ ઑવ્ લિવિંગ’(1952)માં લેખક અન્યના હિતાર્થે જીવવા સિવાય આ જીવન જીવવા જેવું નથી, એમ જણાવે છે. પવેસે પર અંગ્રેજ અને અમેરિકન લેખકોનો પ્રભાવ છે. તેણે જીવનભર કવિતા લખી હતી. તેની ‘બીફોર ધ કૉક ક્રોઝ’ (1944) સૌથી અગ્રગણ્ય નવલકથા છે. ‘ધ મૅન ઍન્ડ ધ બોનફાયર’ તેની વિચારોત્તેજક શૈલીનો અદભુત નમૂનો છે. તેમની અન્ય નવલકથાઓ ‘ધ મૂન ઍન્ડ ધ બોનફાયર્સ’ (1950), ‘એમંગ વિમેન ઓન્લી’ (1959) અને ‘ધ ડેવિલ ઇન હિલ્સ’ (959) નોંધપાત્ર છે. ‘ડાયલૉગ વિથ લુકોન’ (1963) તેમના વિચારોને સૂક્ષ્મ સંવેદના સાથે પ્રગટ કરે છે.
ઇટાલીનો યુદ્ધોત્તર સામાજિક વાસ્તવવાદનો હિમાયતી એલિયો વિત્તોરિનો (1908-66) છે. ‘કૉન્વર્સેશન્સ ઇન સિસિલી’ (1949) સેન્સર થવાને કારણે અતિ શક્તિશાળી બની. તેની પ્રથમ નવલકથા ‘રેડ કાર્નેસન’ (1933) ફાસીવાદીઓએ જપ્ત કરી હતી. ફાસીવાદવિરોધી વાસ્કો પ્રતોલિની (જ. 1913) ‘એ ટેલ ઑવ્ સાંતા ક્રોચે’(1945)માં ક્લૉરેન્સના અત્યંત દરિદ્ર ઝૂંપડાવાસીઓની વીતકકથા લયાત્મક ગદ્યમાં કહે છે. કાર્લો કસ્સોલા (જ. 1917) સાહિત્યકારોના બધા વાદોથી સ્વતંત્ર છે. તેની ‘ફોસ્ટો ઍન્ડ અન્ના’ (1952) સામ્યવાદમાં જોડાવા પ્રેમિકાનો ત્યાગ કરનાર વિશે છે. ‘એન એરિડ હાર્ટ’(1961)માં બે પ્રેમપ્રસંગોમાં નિષ્ફળતા પછી એક સરળ બાળાની એકલતામાં આશ્રય લેવાની વાત અત્યંત મૃદુ અને ઊર્મિગીતની શૈલીમાં કરાઈ છે.
મોરાવિયાની પત્ની એલ્સા મોરાન્તે (જ. 1918) મોરાવિયા સાથે 1941માં લગ્નગ્રંથિથી જોડાઈ હતી. તેની ભાષા એટલી સરસ છે કે તેને ‘જાદુઈ વાસ્તવવાદી’ કહેવાય છે. ‘આર્તુરોઝ આઇલૅન્ડ’ (1957) તેની અત્યંત સરસ નવલકથા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ફિલ્મ-દિગ્દર્શક પાથર પાઓલો પાસોલિનિ (જ. 1922) કવિ તથા નવલકથાકાર પણ છે. તેની બે નવલકથાઓ ‘ધ રગાઝી’ (1955) અને ‘એ વાયોલંટ લાઇફ’ (1959) રોમની ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના જીવનનો આબેહૂબ ચિતાર આપે છે. નતાલિયા ગિન્સબર્ગ (જ. 1916) એલ્સા મોરાન્તેની જેમ આંતરરાષ્ટ્રીય કીર્તિ પામનાર નવલકથા-લેખિકા છે. 1944માં તેના પતિ લેઓત ગિન્સબર્ગનું અવસાન થયું. (તેને જર્મનોએ કદાચ ઝેર આપ્યું હતું.) ‘ધ રોડ ટૂ ધ સિટી’(1952)માં તેની બે નવલો પ્રગટ થયેલી છે. તેની વાર્તાઓ ‘વૉઇસિસ ઇન ધી ઇવનિંગ’ (1961) અને તેની આત્મકથા ‘ફૅમિલી સેયિંગ્ઝ’ (1963) તેની શ્રેષ્ઠ કૃતિઓ છે. ક્યૂબામાં જન્મેલ ઇટાવો કાલ્વિનો (1923) વિજ્ઞાનકથાઓનો લેખક છે. તેની નવલત્રિપુટી અંગ્રેજીમાં ‘ધ નૉન-એક્ઝિસ્ટંટ નાઇટ’ તથા ‘બેરોન ઑવ્ ધ ટ્રીઝ’ નામે બે ગ્રંથોમાં અનુવાદ પામી છે. તેની દરેક વાતની શરૂઆત જુદી જુદી પદ્ધતિએ થાય છે.
ફાસીવાદના અંત બાદ ઇટાલીમાં નવ્ય વાસ્તવવાદનો ઘણાં વર્ષો સુધી પ્રચાર ચાલ્યો. આ વાદના અનુયાયીઓએ ‘ગ્રુપો-63’ નામે એક આંદોલન શરૂ કર્યું. છાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત પોલીસ અમલદાર ઍન્તોનિયો પિઝુત્તો (જ. 1893) ‘સિનોરિના રોસિના’ (1959) નામની જેમ્સ જૉયસની શૈલીની નવલકથા લખીને લોકોને સ્તબ્ધ કરે છે. જિયોવાની એપ્રિનો (જ. 1927) તેની નવલકથા ‘અ ક્રાઇમ ઑવ્ ઑનર’(1962)માં પત્નીની બેવફાઈને કારણે પત્નીનું ખૂન કરવાના ગુનાને માનનીય ગણે છે. બેખે ફ્રેન્ગોલિયો (1922-63) કૅન્સરથી મૃત્યુ પામ્યો હતો. તે પ્રગતિવાદી હતો. તેની અધૂરી નવલકથા ‘એ પ્રાઇવેટ ક્વેશ્ચન’(1963)માં ભાષાની નવીનતા છે. અન્ય જાણીતા નવલકથાકારો કાર્લો લેવી, વાસ્કો પ્રાતોલિની, મારિયો સોલ્દાતી અને વિતાલિયાનો બ્રાન્કાતી છે. દિનો બુઝાતી, એલ્સા મોરાન્તે, નતાલિયા લેવી ગિન્સબર્ગ, પ્રિમો લેવી, અમ્બર્તો એકો, ઇતાલો કાલ્પિનો અને લિયૉનાર્દો સ્કિઆસ્કિયા નવલકથાક્ષેત્રે નોંધપાત્ર નામો છે.
નાટક અને રંગભૂમિના ક્ષેત્રે 19મી સદીમાં જ્યુસેપ્પે જ્યાકોસા(1847-1906)નાં નાટકો રંગભૂમિ પર આવ્યાં હતાં. તે પહેલાં તો જૂના નાટ્યકારોનાં નાટકો જ ભજવાતાં. જ્યાકોસાએ હરેક પ્રકારનાં નાટકો રચ્યાં છે. ઑપેરા (સંગીતનાટકો) પરત્વે પણ તેનું પ્રદાન સ્મરણીય છે. રૉબર્ટો બ્રાકો(1862-1943)નાં નાટકો મુસોલિનીના શાસનમાં ભજવી શકાતાં નહિ. બ્રાકો ગરીબાઈમાં મૃત્યુ પામ્યો હતો. લુઈજી ચિયારેલ્લી(1884-1947)નું નાટક ‘માસ્ક ઍન્ડ ફેઇસ’ (1916) વાસ્તવવાદથી અલગ પડે છે. પીએત્રો મારિયા રોસ્સો (1887-1956) આશાવાદી અને ઊર્મિશીલ નાટ્યકાર છે. તેનું ‘લા સ્કાલા’ (1926) ખૂબ સફળ રીતે રંગભૂમિ પર ભજવાયું. ઇટાલીના આધુનિક નાટ્યકારોમાં સૌથી અગત્યનો નાટ્યકાર લુઈજી પિરાન્દેલો (1867-1936) છે. 1934માં તેને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. પિરાન્દેલોનાં નાટકોમાં તત્વચિંતનના કોયડા દૈનિક જીવનના પ્રસંગો રૂપે રજૂ થાય છે. પિરાન્દેલોએ છ નવલકથાઓ લખી છે. તેમાં ‘ધ લેટ માત્તિયા પાસ્કલ’ અગત્યની છે. તેની બીજી ચર્ચાસ્પદ અને અત્યંત મનહર નવલકથા ‘વન નો બડી ઍન્ડ વન હન્ડ્રેડ થાઉઝન્ડ’ (1926) છે. તેનાં નાટકોમાં ‘સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર (1921), ‘હેન્રી ધ ફોર્થ’ (1922), ‘એવ્રી વન ઇન હિઝ ઓન વે’ (1924) તથા ‘ટુડે વી ઇમ્પ્રોવાઇઝ’ (1930) મુખ્ય છે. તેનાં નાટકોમાં રંગભૂમિની અંદર બીજી રંગભૂમિ હોય છે. ‘હેન્રી ધ ફોર્થ’ ગાંડપણનો ડહાપણ અને યથાર્થ સાથેનો સંબંધ ચર્ચતું નાટક છે. પિરાન્દેલોની પત્ની ખૂબ ઈર્ષાળુ હતી. તેને લક્ષમાં રાખીને તેણે ‘એઝ યુ ડિઝાયર મી’ નાટક રચ્યું છે. ‘યુ આર કરેક્ટ’, ‘ઇફ યુ થિન્ક સો’માં પત્ની આગળ આવી પ્રેક્ષકગણને ‘હું તમારી ધારણા મુજબ જ છું’ એમ કહે છે. પિરાન્દેલોએ આધુનિક રંગભૂમિ પર ખૂબ પ્રભાવ પાડ્યો છે. તેનાં નાટકોના ગુજરાતી અનુવાદ ગુજરાતી રંગભૂમિ પર પણ સફળતાપૂર્વક ભજવાયા છે.
પિરાન્દેલોના શિષ્ય તરીકે આરંભ કરનાર ઉગો બેત્તી (1892-1953) તેની પછીનો અગ્રગણ્ય નાટ્યકાર છે. તે ન્યાયાધીશ હતો અને તે આ બધું નરક ભગવાનની ઇચ્છા પ્રમાણે છે એમ માને છે. તેનું ‘ક્રાઇમ ઑન ગોટ આઇલૅન્ડ’ (1960) સ્ત્રીઓએ ઉપયોગમાં લીધેલા પુરુષ પ્રત્યે વિચિત્ર વેર વિશે છે. ‘કરપ્શન ઇન ધ પૅલેસ ઑફ જસ્ટિસ’ (1944), ‘ધ બર્ન્ટ ફ્લાવર બેડ’ (1952), ‘અવર ડ્રીમ્સ’ (1937) બેત્તીનાં મહત્વનાં નાટકો છે. એદુઆર્દો દે ફિલિપ્પો(જ. 1900)નું નાટક ‘ફિલોમેના માર્તુરાના’ (1946) ફિલ્મી ચિત્રપટ રૂપે દુનિયામાં ખ્યાતિ પામ્યું છે. ડૈગો ફ્રબ્બ્રી (જ. 1911) કુશળ નાટ્યકાર છે. તેનું શ્રેષ્ઠ નાટક ‘ઇન્ક્વિઝિશન’ (1950) છે. દિનો બુઝાતીનું નાટક ‘એ ક્લિનિકલ કેસ’ આલ્બર્ટ કામૂએ 1955માં પૅરિસમાં ભજવ્યું હતું. તેનું ‘અ વર્મ ઍટ ધ મિનિસ્ટ્રી’ (1960) સરમુખત્યારી પર કટાક્ષ છે. એઝિયો દ’ એર્રિકો (1892-1973) ચિત્રકાર, ફિલ્મવિવેચક તથા પત્રકાર હતો. તેનું સૌથી મહત્વનું નાટક ‘ધ ફૉરેસ્ટ’ (1959) યંત્રવિજ્ઞાનના આ જમાનામાં માણસ સ્વરચિત જેલમાં પુરાયો છે તે વિશેની બોધકથા જેવું છે. બીજાં નાટકોમાં સમાજ તેના સભ્યોના વ્યક્તિત્વનો નાશ કરવા આતુર છે એવા વિચાર પ્રત્યે તે પોતાનો રોષ ઠાલવે છે.
કવિતાના ક્ષેત્રે પાંચ મહાન આધુનિક કવિઓ છે : કંપાના, સાબા, ઉંગારેત્તી, ક્વાસિમોદો અને મોન્તાલે. ઓગણીસમી સદીના ત્રણ કવિઓ કારદુસ્સી, દ’ અનન્ઝીઓ અને પાસ્કોલી હતા. જિયોવાની પાસ્કોલી(1855–1912)એ કવિતાના ક્ષેત્રે કરેલ નવીન પ્રયોગોએ ઇટાલિયન કવિતા પર ઘેરી અસર ઉપજાવી છે. પાસ્કોલીથી આધુનિક ઇટાલિયન કવિતાનો આરંભ થાય છે. મિલાનનો ક્લેમેન્તે રેબોરા (1885-1957) ઇટાલીનો સૌથી મહત્વનો ખ્રિસ્તી કવિ છે.
જ્યુસેપ્પે ઉંગારેત્તી (1888-1970) મિસરમાં જન્મેલો અને પૅરિસમાં ઊછરેલો ઇટાલિયન કવિ છે. તેનાં કાવ્યો આધુનિક કવિતાનું બિંબ સ્પષ્ટ કરે છે. ઑસ્ટ્રિયન યુદ્ધમોરચા પર નાશ પામેલ સાન માર્ત્તિનો દેલ કર્સો નગર વિશેનું કાવ્ય કવિના નાશ પામેલ હૃદયનું કાવ્ય છે. ‘જોય ઑવ્ શિપબ્રેકર્સ’ (1919) યુદ્ધકાવ્યોનો સંગ્રહ છે અને તે પછી ‘ફીલિંગ ઑવ્ ટાઇમ’(1933)ના કાવ્યસંગ્રહમાં વાણીની નિર્મળતાની શોધનો પ્રયત્ન છે. ઉંગારેત્તી તેની પ્રેમિકાની બાથમાં મૃત્યુ પામ્યો હતો એવું કહેવાય છે. ‘લાઇફ ઑવ્ અ મૅન’(1958)માં તેમના અગાઉના કાવ્યસંગ્રહો ‘ફીલિંગ ઑવ્ ટાઇમ’ ઉપરાંત ‘ધ પેઇન’ (1947) અને ‘ધ પ્રોમિસ્ડ લૅન્ડ’(1954)નાં કાવ્યોને પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.
યુજેનિયો મોન્તાલે(જ. 1896-1981)ની કવિતામાં નિરાશાવાદ ઊંડે ઊતર્યો છે. 1975માં તેને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો. તેની કવિતાના અંગ્રેજી અનુવાદના બે સંગ્રહો છે. ‘ધી ઇલ’ કાવ્યમાં માનવ મૃત્યુ તરફ પ્રવાસ કરતાંયે જીવનની શોધ ઝંખે છે તેનું ઊર્મિમય નિરૂપણ છે. મોન્તાલેનું વલણ રચનાત્મક છે. ‘ઇલ’ જન્મભૂમિમાં પાછી ફરે છે તે એક પ્રકારનું રૂપક છે. તેમના સર્વકાવ્યસંગ્રહ ‘પૉએઝી’(1964)માં ‘કટલફિશ્ટ બોન્સ’ (1925), ‘ધી ઑકેઝન્સ’ (1939) અને ‘ધ વ્હર્મવિંડ ઍન્ડ મૉર’(1956)નાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાલ્વાતોરે ક્વાસિમોદો (1901-68) ઉંગારેત્તી અને મોન્તાલેથી જુદા પ્રકારનો કવિ છે. 1959માં તે નોબેલ પુરસ્કાર-વિજેતા બન્યો હતો. તેને મન કવિતા કવિના કાળનું સત્ય અને તેની મુક્તિ છે. મુસોલિનીએ આ કવિને જેલમાં પૂર્યો હતો. ક્વાસિમોદોએ કરેલા ગ્રીક સાહિત્યના અભ્યાસને પરિણામે તેની કવિતામાં સફાઈ અને સુંદરતા જોવા મળે છે. તેનો કાવ્યસંગ્રહ ‘ઍન્ડ સડનલી ઇટ્સ નાઇટ’ (1945) કાવ્યરસિકોમાં ખૂબ પ્રિય થઈ પડેલો છે. તેમનાં ‘ધ સિલેક્ટેડ રાઇટિંગ્ઝ ઑવ્ સાલ્વાતોરે ક્વાસિમોદો’ (1960) અને ‘ટુ ગિવ ઍન્ડ ટુ હેવ ઍન્ડ અધર પોયેમ્સ’ (1969) અંગ્રેજીમાં અનૂદિત પ્રકાશનો છે.
મારિયો લુઝી (જ. 1914) વીસમી સદીના સાતમા દાયકામાં ઇટાલીનો અગ્રગણ્ય કવિ ગણાવા લાગ્યો હતો. વિત્તેરિયો સેરેની (જ. 1913) બીજા વિશ્વયુદ્ધમાં કેદી બન્યો હતો. તેની કવિતા સમજવામાં સરળ છે. પ્રાતોલિની સાથે 1938માં એક સામયિકનું પ્રકાશન શરૂ કરનાર અલફૉન્સો ગત્તો (જ. 1909) ફાસીવાદનો વિરોધી કવિ છે. તેની કવિતામાં મૃત્યુ અને તેનાં કારણો કેન્દ્રિત છે. કાયદાશાસ્ત્રી બાર્તોમો કત્તાફી(જ. 1922)ની કવિતા આકર્ષક છે. લુસિઆનો એર્બા (જ. 1922) સાહિત્યના ફૅશનેબલ પ્રવાહોથી અલગ રહીને કટાક્ષમય કવિતા રચે છે. માકર્સવાદી વિવેચક ફ્રાન્કો ફોર્તિની (ફ્રાંકો લત્તેસનું તખલ્લુસ) (જ. 1917) આધુનિક ઇટાલિયન કવિતાનો પ્રભાવશાળી સમાલોચક છે. તેની કવિતામાં આધુનિક કવિઓ સામેના કોયડાને બુદ્ધિપૂર્વક જોવાની સભાનતા છે.
કૃષ્ણવદન જેટલી
વિ.પ્ર. ત્રિવેદી