ઇઝુમી ક્યોકા (જ. 4 નવેમ્બર 1873, કાનાઝાળા; અ. 7 સપ્ટેમ્બર 1939 ટોકિયો, જાપાન) : જાપાની વાર્તાકાર. મૂળ નામ ઇઝુમી ક્યોતારો. ‘ઇઝુમી ક્યોકા’ તખલ્લુસ છે. તેમનું કુટુંબ કલાકારો અને કારીગરોનું હતું. એ સમયના અગ્રણી સાહિત્યકાર ઓઝાકી કોયોના શિષ્ય બનવાની અપેક્ષા સાથે તે ટોકિયો ગયેલા અને 1894 સુધી અન્ય શિષ્યોની સાથે કોયોની પાસે રહેલા. વિપુલ સાહિત્યના સર્જક એવા આ વાર્તાકારે પોતાની કૃતિઓમાં નીતિમત્તા અંગેના પોતાના આદર્શોનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રોથી ભરેલી રહસ્યમય, રંગદર્શી સૃષ્ટિ રચેલી છે. 1895માં પ્રકાશિત ‘યાકો જુન્સા’ (Police Night Patrol) અને ‘ગેકા શિત્સુ’-(Surgical Room)માં લેખકે ફરજ અને લાગણી વચ્ચેના સંઘર્ષ દ્વારા માનવજીવનનાં મૂળભૂત મૂલ્યોની વિચારણા કરેલી છે. 1900માં પ્રગટ થયેલી ‘કોયા હિજિરિ’ (The Itinerant Monk) વાર્તામાં વૈચિત્ર્ય અને રહસ્યમયતા માટેનો તેમનો પક્ષપાત દેખાય છે. 1899માં તે એક ગેઈશા(વારાંગના)ના સંપર્કમાં આવ્યા. વખત જતાં તે સંબંધ લગ્નમાં પરિણમ્યો. લગ્ન પછી લખેલી ‘ઓન્ના કૈઝુ’ (The Geneology of Women), ‘ઉતા અન્દોન’ (The Song Lantern), ‘શિરા સાગી’ (Snowy Heron) અને ‘સન્નિન મેકુરા હનશી’ (A Tale of Three who were Blind) જેવી વાર્તાઓમાં ગેઈશાસૃષ્ટિનાં નમૂનેદાર આલેખનો જોવા મળે છે.

કૃષ્ણવદન જેટલી