ઇજારાશાહી તપાસપંચ

January, 2002

ઇજારાશાહી તપાસપંચ : ભારતમાં ઇજારાશાહીનાં વલણોની સમીક્ષા કરવા માટે રચવામાં આવેલું પંચ. આર્થિક આયોજનની શરૂઆત 1951માં થઈ. આયોજનના એક દાયકાની સમીક્ષાને અંતે એવી પ્રતીતિ થઈ કે આર્થિક આયોજનનો લાભ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળવાને બદલે દેશમાં આવક અને સંપત્તિની અસમાનતા વધી છે અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ વધતું જાય છે. આ હકીકતની તપાસ કરવા માટે પ્રો. પી. સી. મહાલોનોબિસના અધ્યક્ષપણા હેઠળ 1960માં આયોજનપંચે એક સમિતિની રચના કરી (Committee on Distribution of Income and Levels of Living). આ સમિતિએ 1964માં સુપરત કરેલ અહેવાલમાં સ્પષ્ટપણે કબૂલ કર્યું કે આયોજનના ગાળા દરમિયાન ભારતમાં ઇજારાશાહીનાં વલણો મજબૂત બન્યાં છે; એટલું જ નહીં, પરંતુ આર્થિક આયોજનની પ્રક્રિયામાંથી જ આવાં વલણોને પ્રોત્સાહન મળ્યું છે. આયોજનના પ્રથમ દાયકા(1951 -61)ને અંતે દેશમાં સંપત્તિ અને આવકની અસમાનતાઓ વધી છે તથા ખાનગી ઔદ્યોગિક ક્ષેત્ર પર એક નાનકડા વર્ગનું આધિપત્ય પ્રસ્થાપિત થયું છે, તેથી મહાલોનોબિસ સમિતિએ ભલામણ કરી કે ભારતમાં ઇજારાશાહીનાં વલણોની ઊંડી તથા સમગ્રલક્ષી તપાસ કરવા માટે ઇજારાશાહી તપાસપંચની ત્વરિત નિમણૂક થવી જોઈએ. તદનુસાર, 1964માં ન્યાયમૂર્તિ કે. સી. દાસગુપ્તાના અધ્યક્ષપણા હેઠળ ઇજારા તપાસપંચ(Monopolies Inquiry Commission)ની રચના કરવામાં આવી હતી. આ તપાસપંચને મુખ્યત્વે બે બાબતોની તપાસ કરવા જણાવવામાં આવેલું : (1) ભારતમાં ખાનગી ક્ષેત્રહસ્તક આર્થિક સત્તાના કેન્દ્રીકરણનું પ્રમાણ તથા તેની અસરો, (2) દેશમાં ખેતી સિવાયની આર્થિક પ્રવૃત્તિઓમાં ઇજારાયુક્ત તથા પ્રતિબંધક વ્યવહારો(restrictive practices)નો પ્રસાર અને પ્રભાવ. આ તપાસપંચે ઇજારાયુક્ત વ્યવહારો તથા હરીફાઈને અવરોધક વ્યવહારોની ઊંડી તપાસ કરી અને 1965ના અંતમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.

પંચે ઇજારાયુક્ત વ્યવહારો (monopolistic practices) અને વ્યાપાર-અવરોધક વ્યવહારો (restrictive practices) આ બે વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી છે. પંચના મત મુજબ, જ્યારે કોઈ એક ઔદ્યોગિક ઉત્પાદન એકમ અથવા એકમોનો સમૂહ પોતાની તરફેણમાં સજ્જડ પ્રભુત્વ જમાવી વસ્તુની કિંમત, ઉત્પાદન કે હરીફાઈનું નિયમન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે અને તે દ્વારા સમગ્ર બજાર પર કાબૂ ધરાવે છે ત્યારે તેને ઇજારાયુક્ત વ્યવહાર કહેવાય છે. આ પ્રકારનું પ્રભુત્વ વ્યવહાર, કરાર અથવા પરસ્પરની સમજૂતી દ્વારા હાંસલ કરી શકાય છે; પરંતુ આવું પ્રભુત્વ ન ધરાવતા ઉત્પાદકો કે વિતરકો હોય છે. બજારમાં હરીફાઈ અટકાવવા કે તેને મર્યાદિત કરવાની યુક્તિઓ અજમાવાય ત્યારે તેને હરીફાઈ-પ્રતિબંધક વ્યવહારો કહેવામાં આવે છે. ઊર્ધ્વ કિંમતો નિર્ધારિત કરવી, બજારોની ફાળવણી કરી ઉત્પાદકને બજારના અમુક વિસ્તારનો ઇજારો આપવો, ખરીદનારાઓ વચ્ચે ભેદભાવ રાખવો, વેચાણનું સંયુક્ત સંચાલન કરવું, ઉત્પાદકો કે વિક્રેતાઓ વચ્ચે છૂપી સમજૂતી હોવી, કિંમતઘટાડા અંગે ગળાકાપ હરીફાઈ કરવી, સંપૂર્ણ ખરીદીનું દબાણ કરવું, અન્ય હરીફોને બાતલ રાખવાના કરાર (exclusive dealing contracts) કરવા – આ બધા દાખલાઓ પ્રતિબંધક વ્યવહારોના ગણાય.

તપાસપંચે વસ્તુદીઠ ઇજારાનો અભ્યાસ કરવા માટે રોજિંદા વપરાશની 100 જેટલી વસ્તુઓની તપાસ હાથ ધરી હતી, જેનું તારણ એ હતું કે તેમાંની 65 જેટલી વસ્તુઓના ઉત્પાદનનું અમુક ઔદ્યોગિક જૂથોમાં આત્યંતિક કેન્દ્રીકરણ થયું હતું; દા.ત., અમુક વસ્તુના કુલ ઉત્પાદનના 75 ટકા જેટલું ઉત્પાદન ટોચના માત્ર ત્રણ ઉત્પાદકોના હાથમાં કેન્દ્રિત થયેલું જણાયું હતું. આ રીતે તપાસપંચે કેન્દ્રીકરણની ત્રણ કક્ષાઓ દર્શાવી છે : (1) જેના ઉત્પાદનમાં કેન્દ્રીકરણનું પ્રમાણ આત્યંતિક હોય એવી વસ્તુઓ; દા. ત., ઘાસલેટ, પેટ્રોલ, સીવવાના સંચા, ટાઇપરાઇટરો, બાળકો માટેની દૂધની બનાવટો, સાબુ, ટૂથપેસ્ટ, ચામડાંનાં પગરખાં, રેઝર-બ્લેડો, સિગારેટ, સ્કૂટર, ટાયર-ટ્યૂબ, ઘડિયાળો વગેરે. (2) ઉત્પાદનમાં કેન્દ્રીકરણનું પ્રમાણ મધ્યમ કક્ષાનું હોય એવી વસ્તુઓ; દા. ત., વીજળીના પંખા અને ગોળા, સાઇકલો, સિમેન્ટ, બિસ્કિટ વગેરે. (3) જેના ઉત્પાદનમાં કેન્દ્રીકરણનું પ્રમાણ હળવું હોય; દા. ત., લખવા-છાપવાનો કાગળ, પેન્સિલો, ગરમ કાપડ વગેરે. પંચના અહેવાલ મુજબ ચા, કૉફી, વનસ્પતિ તેલ, ખાંડ, કોલસો, ધોતી અને સાડી જેવી વસ્તુઓના ઉત્પાદનક્ષેત્રમાં કેન્દ્રીકરણની માત્રા શૂન્ય છે.

પંચે દેશનાં 1536 જેટલાં ઔદ્યોગિક તથા વ્યાપારી પ્રતિષ્ઠાનો પર નિયંત્રણ ધરાવતાં 75 ઔદ્યોગિક ગૃહોની પણ તપાસ કરી હતી. તે ગૃહોની કુલ અસ્કામતનું નાણાકીય મૂલ્ય રૂ. 2606 કરોડ તથા ભરપાઈ થયેલ મૂડીનું મૂલ્ય રૂ. 646 કરોડ જેટલું હતું.

ઇજારા તપાસપંચે કરેલી કેટલીક મુખ્ય ભલામણો આ છે :

(1) ઇજારાનાં દૂષણો તથા અનિષ્ટ વ્યવહારો પર સતત દેખરેખ રાખવા માટે તથા તેમને અટકાવવા માટે એક કાયમી પંચની નિમણૂક કરવામાં આવે. (2) પંચે સમાજનું વ્યાપક હિત જોખમાવે અથવા ઇષ્ટ વહેંચણીને અવરોધે તેવા જ આર્થિક કેન્દ્રીકરણ પર પ્રહાર કરવા જોઈએ. સામાન્ય પ્રજાના હિતને હાનિ પહોંચાડ્યા વગર ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇજારાશાહી ઘટાડવી જોઈએ. સામાન્ય હિતમાં ન હોય તેવી ઇજારાશાહી અને પ્રતિબંધક પદ્ધતિઓ ડામી દેવી જોઈએ.

આ ઉપરાંત તપાસપંચે કેટલીક વધારાની ભલામણો પણ કરી હતી : (1) રાજકીય પક્ષોએ ચૂંટણી માટે ખાનગી કંપનીઓ પાસેથી નાણાં લેવાં જોઈએ નહિ, (2) નાના ઔદ્યોગિક એકમો માટે પરવાના પદ્ધતિ સરળ બનાવવી જોઈએ, (3) ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇજારાનાં પરિબળો અસ્તિત્વ ધરાવતાં હોય ત્યાં તેમની સામે પ્રતિકારાત્મક શક્તિ ઊભી કરવા માટે જાહેર ક્ષેત્રના એકમો ઊભા કરવા જોઈએ, (4) ગ્રાહકોનાં આર્થિક હિતોનું પૂરતું રક્ષણ કરવા માટે ગ્રાહકોની સહકારી મંડળીઓ તથા નાના પાયાના ઉદ્યોગો સ્થાપવાં જોઈએ અને તે દ્વારા ઇજારાશાહી દ્વારા થતા શોષણ અટકાવવાનાં પગલાં લેવાં જોઈએ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે