ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો

January, 2002

ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો (MRTP Act) : ઇજારો અને આર્થિક સત્તાના કેન્દ્રીકરણની અયોગ્ય અસરો અટકાવવા માટે ભારતીય લોકસભા દ્વારા ઘડવામાં આવેલો કાયદો. ઇજારા તપાસપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કાયદાનું સ્વરૂપ આપવાના ઇરાદાથી ડિસેમ્બર 1969માં તે અંગેનો ખરડો મંજૂર કરવામાં આવ્યો, જે જૂન 1970થી કાયદો બન્યો. ઉક્ત કાયદાને ઇજારા અને પ્રતિબંધક વ્યાપારી પદ્ધતિના નિયંત્રણનો કાયદો (Monopolies & Restrictive Trade Practices Act) એ નામથી ઓળખવામાં આવે છે. આ કાયદાના બે મુખ્ય હેતુઓ છે : (1) અર્થવ્યવસ્થાની કામગીરીથી દેશના સામાન્ય હિતને નુકસાન કરે તેવું આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ન થાય તેની તકેદારી રાખવી, (2) દેશની પ્રજાના જાહેર કલ્યાણ માટે હાનિકારક સાબિત થાય તેવી ઇજારાયુક્ત અને પ્રતિબંધક વ્યાપારી રીતરસમો પર અંકુશ મૂકવો. કાયદામાં કેન્દ્ર સરકારને અર્થતંત્ર પર પ્રભુત્વ ધરાવતા ઔદ્યોગિક એકમોના એકીકરણ અને વિસ્તૃતીકરણની તપાસ કરવાની તથા તેના પર નિયંત્રણ મૂકવાની સત્તા આપવામાં આવી છે. કાયદાની મૂળ જોગવાઈ મુજબ રૂપિયા 20 કરોડથી ઓછી અસ્કામતો ન હોય તેવા ઔદ્યોગિક એકમો આ કાયદા હેઠળ નિયમન માટે આવરી લેવામાં આવતા હતા; પરંતુ એપ્રિલ 1985થી આ મર્યાદા રૂ. 100 કરોડ કરવામાં આવી છે.

આ કાયદામાં ઇજારાયુક્ત રીતરસમો અને પ્રતિબંધક વ્યાપારી પદ્ધતિઓની વ્યાખ્યા કરવામાં આવી છે; દા.ત., જે રીતરસમોની અસર રૂપે વસ્તુઓ અથવા સેવાઓનું ઉત્પાદન, પુરવઠો અથવા વહેંચણીનું સ્તર નીચી સપાટી પર જકડી રાખવામાં આવતું હોય અથવા અન્ય રીતે તેને નિયંત્રિત કરી ભાવોની ઊંચી સપાટી જાળવી રાખવામાં આવતી હોય; ઉત્પાદન, પુરવઠો અથવા વહેંચણીના ક્ષેત્રમાં ચાલતી હરીફાઈને અયોગ્ય રીતે અટકાવવામાં આવતી હોય; તેમજ સામાન્ય હિત જોખમાય તે રીતે તકનીકી વિકાસ અથવા મૂડીરોકાણનો પ્રવાહ મર્યાદિત બનતો હોય; વસ્તુનું ઉત્પાદન, પુરવઠો અથવા વહેંચણીવ્યવસ્થાની કાર્યક્ષમતામાં ઘટાડો થતો હોય તે બધી જ રીતરસમો ઇજારાયુક્ત (monopolistic) ગણાશે. તેવી જ રીતે જે પ્રકારના વ્યાપારી વ્યવહારો ઉત્પાદનના પ્રવાહને અટકાવતા હોય, બજારમાં બદઇરાદાથી કિંમતો તથા પુરવઠાનું નિયમન અને સંયોજન થતું હોય અને ગ્રાહકો પર અનિષ્ટ ભારણ કે ગેરવાજબી મર્યાદાઓ લદાતી હોય તેવા વ્યાપારી વ્યવહારો પણ કાયદાને અન્વયે પ્રતિબંધક વ્યવહાર ગણાય છે.

આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકાવવા માટે તથા ઇજારા અને પ્રતિબંધક વ્યાપારી રીતરસમો પર નિયંત્રણ મૂકવા માટે ભારત સરકારે એક કાયમી કાનૂની (statutory) પંચ નીમવાની જોગવાઈ કરવામાં આવી છે, જે મૉનૉપૉલીઝ ઍન્ડ રિસ્ટ્રિક્ટિવ પ્રૅક્ટિસિસ કમિશન (MRTP Commission) તરીકે ઓળખાય છે. આ પંચ કેન્દ્રસરકારને આર્થિક કેન્દ્રીકરણનાં વલણો અંગે વાકેફ કરવાની, ઇજારા તથા પ્રતિબંધક વ્યાપારી પદ્ધતિઓની તપાસ કરવા અંગેની તેમજ તેના પર અંકુશ મૂકવા માટેની ફરજો બજાવે છે. આ પંચની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે : (1) તે માત્ર સલાહ આપવાની સત્તા ધરાવે છે, અમલ કરવાની સત્તા તેને બક્ષવામાં આવેલી નથી. (2) પ્રતિબંધક વ્યાપારી પદ્ધતિઓ અંગે તેને ન્યાયાલયનો દરજ્જો આપવામાં આવ્યો છે. (3) આર્થિક સત્તાના કેન્દ્રીકરણ સત્તા અંગેના પ્રશ્નોમાં તપાસ કરવાની તથા તેનો અમલ કરવાની સત્તા કેન્દ્રસરકાર-હસ્તક હોય છે. (4) ઇજારા તથા પ્રતિબંધક વ્યાપારી વ્યવહાર અંગેનો કોઈ પણ પ્રશ્ન પંચને સોંપવો કે નહિ તેમજ પંચની કોઈ ભલામણ સ્વીકારવી કે નહિ તે અંગેનો નિર્ણય સરકાર-હસ્તક રહેલો હોય છે.

1973માં પંચની સત્તાનું વિસ્તૃતીકરણ થયું. તે મુજબ મોટાં ઔદ્યોગિક ગૃહોની પુનર્રચના અંગે નિર્ણય લેવાની તથા તે અંગે સલાહસૂચન કરવાની સત્તા આ પંચને આપવામાં આવી.

ઉક્ત કાયદા અન્વયે બે પ્રકારના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે : (1) પ્રતિબંધક વ્યાપારી પદ્ધતિઓ અંગેની ફરિયાદોની પ્રાથમિક તપાસ કરવા માટે તપાસનિયામક (Director of Investigation) અને (2) પ્રતિબંધક વ્યાપારી પદ્ધતિઓની નોંધણી કરનાર અધિકારી (Registrar).

1973માં જાહેર કરવામાં આવેલી સરકારની ઔદ્યોગિક નીતિમાં મહત્વના ફેરફારોને પરિણામે મોટાં ઔદ્યોગિક ગૃહો પરના અંકુશો હળવા થયા છે. તેને અનુસરીને હવે મોટાં ઔદ્યોગિક ગૃહો અગાઉ જેમાં પ્રવેશી શકતાં નહોતાં તેમાંના અમુક ઉદ્યોગોમાં પ્રવેશી શકે તેમ છે. પરિણામે ઔદ્યોગિક ગૃહોના વિસ્તરણને રોકવાનું ધ્યેય ગૌણ બન્યું છે.

24 જુલાઈ, 1991ના રોજ એક નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી, જેનો સંબંધ મોટા પાયાના ઉદ્યોગો અને એના ઔદ્યોગિક એકમો કે જેમાં રૂપિયા સાઠ લાખ કરતાં વધુ મૂડીમાલનું રોકાણ કરવામાં આવ્યું હોય. આ નવી નીતિનો હેતુ મોટા પાયાના એવા ઉદ્યોગો કે જેમાં ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય; તેમનાં કાર્યવિસ્તાર (scope), ધોરણો (criteria) અને કાર્યપદ્ધતિ(procedure)માં નોંધપાત્ર પ્રમાણમાં ઉદારીકરણ દાખલ કરવાનું હોય. આ નવી ઔદ્યોગિક નીતિએ ઇજારાશાહી અને વ્યાપાર-પદ્ધતિનાં નિયંત્રણોને લગતા 1970ના કાયદા (MRTP Act) દ્વારા આર્થિક સત્તાના કેન્દ્રીકરણને અટકાવવા માટે જે અંકુશો દાખલ કર્યા હતા. તેમાંથી મોટા ભાગના અંકુશો કાં તો સમૂળા રદ કરવામાં આવ્યા છે અથવા તે નહિવત્ હોય તેવા કરવામાં આવ્યા છે; તેથી 1991ની આ નીતિ મુજબ હવે કોઈ પણ ઉદ્યોગ ‘એમ.આર.ટી.પી. કંપની’નું બિરુદ ધરાવશે નહિ. પરિણામે મોટાં ઔદ્યોગિક ગૃહો હેઠળનું કોઈ પણ ઔદ્યોગિક એકમ અથવા જે એકમ પ્રભાવશાળી અથવા વર્ચસ્ ધરાવતા એકમની કક્ષા(dominant)નું હોય તેને ઉત્પાદનક્ષમતાના વિસ્તરણ, નવા એકમની સ્થાપના, ઔદ્યોગિક જોડાણ અથવા હવાલાગ્રહણ (take-over) માટે સરકારની પૂર્વસંમતિ લેવાની આવશ્યકતા રહેશે નહિ. જુલાઈ, 1991 બાદ 1970નો એમ.આર.ટી.પી. કાયદો ઇજારાશાહીનું નિયંત્રણ અને વ્યાપારની અયોગ્ય તથા પ્રતિબંધિત રીતરસમોને જ લાગુ પડશે એવી જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, એમ.આર.ટી.પી. કમિશનને ઇજારાયુક્ત, પ્રતિબંધક અને અયોગ્ય (unfair) રીતરસમોની તપાસ કરવાની આપમેળે (suo moto) સત્તા રહેશે એની પણ નવી નીતિમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે