ઇજારાયુક્ત સ્પર્ધા

January, 2002

ઇજારાયુક્ત સ્પર્ધા : હરીફાઈ અને ઇજારાનાં તત્વોનું સંયોજન ધરાવતું બજાર. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રની પરંપરામાં બજારના સ્વરૂપમાં મુખ્યત્વે બે વિભાગો ગણાય છે : (1) પૂર્ણ હરીફાઈ અને (2) શુદ્ધ ઇજારો. આ બંને પરસ્પરનિષેધક (exclusive) અને વૈકલ્પિક (alternative) ગણાતા. આ બે બજારસ્વરૂપો દ્વારા લગભગ બધી વસ્તુઓના ભાવનિર્માણની પ્રક્રિયા સંતોષકારક રીતે સમજાવી શકાય છે તેમ મનાતું. 1930ના દસકાના પૂર્વાર્ધમાં શ્રીમતી જૉન રોબિન્સન અને ઍડવર્ડ ચેમ્બરલિન દ્વારા અનુક્રમે અપૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈના સિદ્ધાંતો વિકસાવવામાં આવેલા.

ચેમ્બરલિનના મંતવ્ય મુજબ ઇજારાયુક્ત હરીફાઈનો સિદ્ધાંત અર્થવ્યવસ્થા પરત્વેનો વિશિષ્ટ અભિગમ છે. તે ફક્ત પૂર્ણ હરીફાઈનાં તત્વોની અનુપસ્થિતિમાંથી ઉદભવતો નથી. પૂર્ણ હરીફાઈ અને ઇજારો પરસ્પરનિષેધક છે એવી પરંપરાગત માન્યતાને તે પડકારરૂપ છે.

પૂર્ણ હરીફાઈમાં એક જ વસ્તુના વેચનારાઓ અને ખરીદનારાઓ મોટી સંખ્યામાં હોય છે અને વસ્તુના બધા એકમો સમાનગુણી (homogeneous) હોય છે. વળી, ઉદ્યોગમાં મુક્ત પ્રવેશની શક્યતા હોય છે. આ ત્રણ લાક્ષણિકતાઓને કારણે આવા બજારમાં પેઢી પ્રવર્તમાન ભાવે વસ્તુના જેટલા એકમો વેચવા હોય તેટલા વેચી શકે છે. કોઈ એક પેઢી પૂર્ણ હરીફાઈ અથવા શુદ્ધ હરીફાઈવાળા બજારમાં કુલ પુરવઠાનો નાનો અંશ માત્ર વેચતી હોય છે તેથી બજારના ભાવ ઉપર તેની કોઈ અસર થતી નથી. ખેતપેદાશ અને ખનિજનાં બજારોમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે. તેનાથી ઊલટું, બજારમાં કોઈ એક વસ્તુનો ફક્ત એક જ ઉત્પાદક કે વેચનાર હોય અને તે વસ્તુ માટે કોઈ નજીકની અવેજી ન હોય તો તેને ઇજારદાર કહેવાય છે. ઇજારદાર વસ્તુના પુરવઠા ઉપર અંકુશ ધરાવે છે અને તેથી તે વસ્તુના ભાવ ઉપર અસર પાડી શકે છે. ભારતમાં રેલવે, વીજળી, ટેલિફોન અને પેટ્રોલના ઉત્પાદનમાં ઇજારાની પરિસ્થિતિ જોવા મળે છે.

ઔદ્યોગિક પેદાશો અને સેવાઓનાં બજારોમાં મહદ્અંશે જે પરિસ્થિતિ પ્રવર્તે છે તેને ચેમ્બરલિને ઇજારાયુક્ત હરીફાઈનું નામ આપ્યું છે. આ વસ્તુઓનાં બજારોનું અન્વેષણ પૂર્ણ હરીફાઈ કે શુદ્ધ ઇજારાના સિદ્ધાંતોથી સંતોષકારક રીતે થઈ શકે નહિ તેમ તેમનું માનવું છે. ઇજારાયુક્ત હરીફાઈમાં નજીકની અવેજીવાળી વિવિધ જાતો(brand)માં મળતી વસ્તુઓ વેચતી પેઢીઓ અને ખરીદનારાઓ હોય છે અને બજારમાં મુક્ત પ્રવેશની શક્યતા હોય છે. જુદી જુદી પેઢીઓની વસ્તુના એકમો ઘણે અંશે એકબીજાને મળતા આવતા હોય છે, પરંતુ સમરૂપ હોતા નથી; દાખલા તરીકે, લક્સ, હમામ, રેક્સોના વગેરે એક સમૂહ તરીકે સાબુ ગણાય, પરંતુ દરેક જાત પરસ્પર ભિન્ન હોય છે. આમ, એકમો સમરૂપ ન હોવાને કારણે સાબુના બજારમાં પૂર્ણ અથવા શુદ્ધ હરીફાઈ છે તેમ કહી શકાય નહિ. વળી, દરેક જાતને પોતાનો ઇજારો હોય છે, પરંતુ અન્યની સાથે હરીફાઈની મર્યાદા બંધાય છે. તેથી સાબુના બજારમાં ઇજારો છે તેમ પણ કહેવાય નહિ. આમ, ઇજારાયુક્ત હરીફાઈમાં નજીકની અવેજી વસ્તુઓ વેચતી પેઢીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ હોય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુવિકલન અથવા વસ્તુવિભિન્નતા (product differentiation), વેચાણખર્ચ અને કિંમતેતર સ્પર્ધાના વિશિષ્ટ પ્રશ્નો ઊભા થાય છે.

વસ્તુવિકલન : જુદી જુદી પેઢીઓ એકબીજીને મળતી આવતી, પરંતુ સમરૂપ નહિ તેવી વસ્તુઓનું વેચાણ કરે તેને વસ્તુવિકલન અથવા વસ્તુવિભિન્નતા કહેવામાં આવે છે. આ ઇજારાયુક્ત હરીફાઈનું હાર્દ છે. તેના ઘણા દાખલા જોવા મળે છે. ચા, કાપડ, સાબુ, સિગારેટ, હોઝિયરી, ટૂથપેસ્ટ, ઠંડાં પીણાં, રેડિયો, રેફ્રિજરેટર, ટેલિવિઝન વગેરે અનેક વસ્તુઓમાં આ વિભિન્નતા નજરે ચડશે. ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓ બ્રાન્ડનાં નામ, ટ્રેડમાર્ક, પેટન્ટ, પૅકિંગ, ડિઝાઇન, રંગ, સ્વાદ, ટકાઉપણું ઇત્યાદિ ભૌતિક ગુણવત્તાના તફાવત દ્વારા વસ્તુવિકલન ઉપસ્થિત કરતી હોય છે. તે ઉપરાંત વસ્તુના વિતરણ સાથે સંકળાયેલ સેવાઓ; જેવી કે, ગ્રાહક ઇચ્છે ત્યાં વિક્રેતાના ખર્ચે માલ પહોંચાડવાની સેવા, હપતાથી વેચાણ, મૂળ વસ્તુ ઉપરાંત મફત ભેટયોજના, સમારકામની સગવડ, વસ્તુ બદલી આપવાની સગવડ, શાખ, વિતરકની વર્તણૂક, સ્વચ્છતા, પેઢીનું સ્થળ વગેરેથી પણ વસ્તુવિકલન ઊભું થાય. વેપાર અને સેવાઓ જેવી કે છૂટક વેપારની દુકાન, હૅરકટિંગ, બ્યૂટીપાર્લર, લૉન્ડ્રી વગેરેમાં પણ વસ્તુવિકલન જોવા મળે છે. તેને કારણે ગ્રાહકના મનમાં અમુક જ વસ્તુને પસંદ કરવાની રુચિ ઊપજે છે. પરિણામે પેઢી પોતાની વસ્તુની કિંમત પર અમુક અંશે કાબૂ ધરાવે છે, જે પૂર્ણ હરીફાઈમાં શક્ય હોતું નથી.

વેચાણખર્ચ : પૂર્ણ હરીફાઈમાં પેઢીએ વેચાણખર્ચ કરવાની જરૂર હોતી નથી. ઘઉં, ચોખા જેવી ખેતપેદાશની પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પ્રવર્તમાન ભાવે પેઢી જેટલું વેચાણ કરવું હોય તેટલું કરી શકે છે. તે માટે તેને વધારાનો ખર્ચ કરવો પડતો નથી. તેવી જ રીતે વીજળી, ટેલિફોન જેવી સેવાઓના ઇજારદારને પણ વેચાણખર્ચ કરવાની જરૂર હોતી નથી; પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં નજીકની અવેજી વસ્તુઓની ઘરાકીને પોતાની તરફ વાળવા માટે પ્રતિસ્પર્ધી પેઢીઓ વેચાણખર્ચ કરે છે. વર્તમાનપત્રો અને સામયિકોમાં તથા રેડિયો અને ટેલિવિઝન ઉપર ઘણી વસ્તુઓની જાહેરાત થાય છે. તેનો હેતુ જે તે વસ્તુની માગમાં વધારો કરવાનો હોય છે. જાહેરખબરો ઉપરાંત કમિશન, સેલ્સમૅન, ગ્રાહકો સાથેના સંપર્કો વગેરે દ્વારા પણ ઇજારાયુક્ત પેઢી પોતાની વસ્તુની માગ વધારવાનો પ્રયત્ન કરતી હોય છે. આ બધાંમાં થતો ખર્ચ તે વેચાણખર્ચ. કેટલીક વાર જાહેરાત અને વેચાણખર્ચ ગ્રાહકને વસ્તુ અંગેની માહિતી આપવા માટે જરૂરી હોય છે, પરંતુ બહોળા પાયા પર થતી સ્પર્ધાત્મક અને આક્રમક જાહેરાતો અને વેચાણખર્ચને સામાજિક રીતે બિનજરૂરી અને અપવ્યય તરીકે ગણવામાં આવે છે.

કિંમતેતર સ્પર્ધા : વસ્તુવિભિન્નતાને કારણે અમુક પેઢીની વસ્તુ માટે ર્દઢ રુચિ ધરાવતા ગ્રાહકોનું વર્તુળ ઊભું થાય છે. પૂર્ણ હરીફાઈમાં વસ્તુના બધા એકમો સમરૂપ હોવાથી આ શક્ય નથી. ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢી વસ્તુનો ભાવ વધારે તોપણ બધા ગ્રાહકો તે વસ્તુની વપરાશ છોડી દે એમ બનતું નથી. પેઢી વસ્તુનો ભાવ ઘટાડે તોપણ નજીકની અવેજી-વસ્તુના ગ્રાહકો તે વસ્તુ પ્રત્યે ખાસ આકર્ષાતા પણ નથી. ઇજારાની માફક ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢી વસ્તુના ભાવ પર અંકુશ રાખી શકે; પરંતુ આ અંકુશ ઘણો મર્યાદિત હોય છે; કેમ કે, શુદ્ધ ઇજારાની વસ્તુને કોઈ નજીકની અવેજી ન હોવાથી અન્ય વસ્તુઓના ભાવને લક્ષમાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં નજીકની અવેજી ઉપલબ્ધ હોવાથી, અવેજી વસ્તુના ભાવને પણ ખ્યાલમાં લેવાનો હોય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચનાર વસ્તુની કિંમત, વસ્તુની ગુણવત્તા અને વેચાણખર્ચ અંગેની નીતિનો વિચાર કરે છે. પૂર્ણ હરીફાઈ અને ઇજારામાં આ પ્રશ્નો ઊભા થતા નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત ઘટાડી ગ્રાહકો મેળવવામાં જોખમ રહેલું છે. કિંમત ઘટાડવાથી કેટલા ગ્રાહકો મળશે તે નિશ્ચિત હોતું નથી. અન્ય પ્રતિસ્પર્ધીઓ ભાવ ઘટાડે તો ગ્રાહકો ખોઈ બેસવાનું થાય. વળી ઘટાડેલી કિંમત ફરીથી ઊંચે લઈ જવી મુશ્કેલ હોય છે. ભાવમાં કાપ મૂકવો તે વેપારી ર્દષ્ટિએ યોગ્ય નીતિ ગણાતી નથી. સામાન્ય રીતે ઇજારાયુક્ત હરીફાઈના બજારમાં કિંમતમાં ફેરફાર દ્વારા હરીફાઈ કરવાનું પેઢીઓ ટાળતી હોય છે. ગુણવત્તા અને વેચાણખર્ચમાં ફેરફાર દ્વારા હરીફાઈ કરવાનું તે વિશેષ પસંદ કરે છે. વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થાય અથવા વેચાણખર્ચમાં થતી વધઘટ બિનઅસરકારક જણાય તો તે પાછાં ખેંચી શકાય છે. આ પ્રકારની સ્પર્ધાને કિંમતેતર સ્પર્ધા કહે છે.

વિ. ન. કોઠારી