ઇક્વસ (1974) : બ્રિટિશ નાટ્યકાર પીટર શેફરનું પ્રસિદ્ધ નાટક. એક ભ્રમિત ચિત્તવાળા જુવાને ઘોડાના તબેલામાં કરેલા ગુનાથી ન્યાયાધીશોની બેન્ચને આઘાત થયેલો એટલી એક મિત્રે કહેલી વાત પરથી લેખકે આ નાટકના વસ્તુની ગૂંથણી કરી છે. એક અઢારેક વર્ષના છોકરાએ તબેલામાં બાંધેલા તમામ ઘોડાની આંખો ફોડી નાખી હતી. તેનો કૉર્ટમાં મુકદ્દમો ચાલતાં કૉર્ટે તેનું માનસવિશ્લેષણ કરવા માનસચિકિત્સકને સોંપવાનો હુકમ કર્યો હતો. તેની ડૉક્ટર સાથેની મુલાકાતો નાટકનો મોટો ભાગ રોકે છે. ડૉક્ટરનું નામ માર્ટિન ડાઇસાર્ટ અને છોકરાનું નામ ઍલન સ્ટ્રૅન્ગ. આ દૂબળો-પાતળો જક્કી છોકરો ડૉક્ટરના કોઈ સવાલનો જવાબ આપતો નથી. ડૉક્ટર તેને ચિત્તશામક દવાઓ આપે છે પણ તેની કશી અસર થતી નથી. પછી સદભાવ અને સહાનુભૂતિથી જીતી લેવાનો પ્રયત્ન કરે છે. શરૂઆતમાં ઍલન કશો પ્રતિભાવ આપતો નથી. ઊલટું, ડૉક્ટરની તપાસ કરતો હોય એવા પ્રશ્નો પૂછે છે. છેવટે ડૉક્ટર તેને વિશ્વાસમાં લઈ શકે છે એટલે ઍલન તેને પોતાની વાત કહેવા લાગે છે. તેમાં પોતાની જાતીય વિકૃતિની અને તબેલામાં આવતી એક છોકરી સાથેના સંભોગની વાત કરે છે ત્યારે પરાકાષ્ઠા આવે છે. એ પ્રસંગે તબેલાના કોઈ ઘોડાએ ડોકિયું કરેલું તેથી પોતે ખિજાઈને ઘોડારમાંના તમામ ઘોડાની આંખો ફોડી નાખ્યાનું કબૂલે છે.

આ નાટક પ્રથમ 1974-75માં લંડનના નૅશનલ થિયેટરમાં અને ન્યૂયૉર્કમાં બ્રૉડવેના પ્લીમથ થિયેટરમાં ભજવાયું હતું. તે પછી દુનિયાની અનેક ભાષાઓમાં ઊતરીને તે ભજવાયું છે. ‘ઇક્વસ’ના દિગ્દર્શન માટે ટૉની ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર જ્હૉન ડેક્સ્ટર બ્રિટનના નૅશનલ થિયેટરનો અગ્રણી દિગ્દર્શક છે. ડૉ. માર્ટિનની ભૂમિકા ભજવનાર ઍન્થની હૉપકિન્સને 1975ના બ્રિટિશ ટેલિવિઝનના ઍક્ટર ઑવ્ ધી ઇયરનો ઍવૉર્ડ મળ્યો હતો. ઍલન સ્ટ્રૅન્ગની ભૂમિકા પીટર ફર્થે ભજવી હતી. ગુજરાતીમાં સિતાંશુ યશશ્ચંદ્રે તેનું ‘તોખાર’ નામે ભાષાંતર કર્યું છે અને તેના પ્રયોગને ગુજરાત રાજ્ય તરફથી પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું.

ધીરુભાઈ ઠાકર