આહડ : રાજસ્થાનમાં ઉદયપુરની ઈશાન તરફ આશરે ચાર કિમી. દૂર આવેલી મહત્વની પ્રાચીન વસાહત. અહીં ઐતિહાસિક યુગનાં ઘણાં મંદિરો, શિલ્પો આદિ મળી આવે છે. આ નગરની સ્થાપના ઘણા પ્રાચીન સમયમાં થઈ હોવાનું અહીંના પુરાવસ્તુ અવશેષો દર્શાવે છે.
આ વિસ્તારમાં તાંબાની ખાણો આવેલી છે. આ ખાણોમાંથી કાચો માલ કાઢીને તે શુદ્ધ કરવાનું કામ આહડમાં તામ્રાશ્મકાળથી ચાલુ હોવાનું અહીંથી મળેલા અવશિષ્ટ દ્રવ્ય (કીટા) પરથી સમજાય છે.
આ કીટા તથા તેની સાથે મળેલાં વિવિધ ઘાટનાં નીલ-લોહિત માટીનાં વાસણો પરથી આ પ્રદેશમાં સુવિકસિત સંસ્કૃતિ હોવાનાં એંધાણ મળ્યાં છે. અહીંની વસ્તુઓના અધ્યયન પરથી આ સ્થળના અવશેષો ઈ. પૂ. 2000ની આસપાસના યુગના હોવાનું સ્પષ્ટ થાય છે.
આહડથી મળેલા આ તામ્રાશ્મયુગના અવશેષો પરથી રાજસ્થાનના આ વિસ્તારમાં સિંધુ ખીણની સમકાલીન વિશિષ્ટ સંસ્કૃતિનું અસ્તિત્વ દેખાય છે.
ર. ના. મહેતા