આહાર (આયુર્વેદ) : સજીવો દ્વારા લેવાતો ખોરાક. ‘आहार्यते जिह्वया सह दंतैश्च अधः गलान्नीयते यः स आहारः । ’ જીભ અને દાંત દ્વારા ગળા નીચે લઈ જવામાં આવે છે તે આહાર(જલ્પકલ્પતરુ ટીકા-ગંગાધર).

ચરકસૂત્ર અનુસાર વર્ણની પ્રસન્નતા, ઉત્તમ સ્વર, જીવન, પ્રતિભા, આરોગ્ય, સંતોષ, પુષ્ટિ, બળ, મેધા એ બધું જ આહારને અધીન છે.

સુશ્રુતે કહ્યું છે તેમ, આહાર જ બ્રહ્માથી માંડી સર્વલોકની હયાતી, ઉત્પત્તિ અને વિનાશનું કારણ છે. જીવનના ત્રણ આધાર-સ્તંભ છે, જેમાં આહારનું સ્થાન પ્રથમ, પછી નિદ્રા અને બ્રહ્મચર્ય આવે.

પેય, લેહ્ય, ભોજ્ય અને ભક્ષ્ય એમ આહારના મુખ્ય ચાર પ્રકાર છે. ચૂસ્ય અને ચર્વ્ય તથા ખાદ્ય અને નિષ્પેય ઉમેરીએ તો કુલ આઠ પ્રકાર થાય. મધુર (ગળ્યો), અમ્લ (ખાટો), લવણ (ખારો), કટુ (તીખો), તિક્ત (કડવો) અને કષાય (તૂરો) એમ છ મુખ્ય રસો અને અનુરસોમાં બધાં જ આહાર-દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, ગુરુ-લઘુ વગેરે આહારના 20 ગુણ છે.

આહારનું પાચન થાય તે દરમિયાન હોજરીમાં મધુર, નાના આંતરડામાં અમ્લ અને મોટા આંતરડામાં કટુ વિપાક થાય છે.

ચરકે કહ્યું છે તેમ, સ્વાદેન્દ્રિયને વશ થઈને કે વગર વિચાર્યે આહાર લેવો નહિ, પણ જોઈ તપાસીને (નિયમાનુસાર) હિતકારક આહાર લેવો. કારણ કે, દેહ આહારમાંથી જ ઉત્પન્ન થાય છે ને ટકે છે.

નિયમો : આહારના અનેક નિયમો છે. તે પાળવામાં ન આવે તો સ્વસ્થ રહી શકાય નહિ. જેમ કે જમતી વખતે હોજરીના ચાર ભાગ કલ્પી તેમાંથી બે અન્નથી ભરવા, એક ભાગ જેટલું પાણી પીવું અને એક ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો.

ઋતુચર્યા : પ્રત્યેક ઋતુનું હવામાન અલગ હોવાથી તેનો ખ્યાલ રાખ્યા વિના આહાર લેવામાં આવે તો આરોગ્ય જોખમાય છે. જેમ કે શરદમાં દહીં, છાશ જેવી ખટાશથી પિત્તજ્વર જેવા પૈત્તિક રોગો થઈ શકે.

ગુણ : પ્રત્યેક આહારદ્રવ્ય પોતપોતાના ગુણ ધરાવે છે. તેથી જે ગુણની શરીરને જરૂર ન હોય તે લેવાથી રોગ થાય છે. જેમ કે, કેળાં ગુરુ, સ્નિગ્ધ અને શીત હોવાથી ઠંડી ઋતુમાં કફપ્રકૃતિવાળાને કે શરદીવાળાને અપથ્ય છે.

પ્રકૃતિ : પ્રકૃતિ અનુસાર આહાર લેવામાં ન આવે તો તંદુરસ્તી જોખમાય છે. જેમ કે, પિત્તપ્રકૃતિમાં તીખો, ખાટો, ખારો અને ગરમ આહાર વધુ પ્રમાણમાં ખવાય તો ગરમીનો રોગ થવા સંભવ છે.

દેશ : કયા દેશમાં કયો આહાર યોગ્ય છે તે જાણવું જોઈએ. જેમ કે ગરમ પ્રદેશની પ્રજા મસાલા, ક્ષાર કે દારૂનો વધુ ઉપયોગ કરે તો નડે.

સમય : કયો આહાર કયા સમયે લેવો તે ન જાણવાથી રોગ થઈ શકે. જેમ કે રાત્રે દહીં ન ખાવું જોઈએ છતાં ખાવામાં આવે તો સોજા કે ચામડીના રોગો વગેરે થઈ શકે.

જઠરાગ્નિ : જઠરાગ્નિના બળનો વિચાર કરીને જ આહાર લેવો જોઈએ. જેમ કે, મંદાગ્નિમાં ભારે આહાર લેવામાં આવે તો અજીર્ણ જેવા રોગો થાય.

ઉંમર : બાળક, યુવાન કે વૃદ્ધની પ્રકૃતિ એકસરખી ન હોવાથી સૌનો આહાર અલગ હોઈ શકે. જેમ કે, બાળકને કેળાં સાથે ઘી, ખાંડ કે દહીં ખવરાવવામાં આવે તો કફજન્ય રોગો થવા સંભવ ખરો.

વ્યવસાય : કયા વ્યવસાયમાં કયો આહાર અનુકૂળ છે તે જાણવું જરૂરી છે. જેમ કે, શ્રમજીવીને ભારે આહાર સદે, તો બેઠાડુ વ્યક્તિને તે સદતો નથી.

રોગ : કયા રોગીને કયો આહાર પથ્ય કે અપથ્ય છે તે પરેજીનું જ્ઞાન ન હોવાથી ગમે તેટલી દવા કરવા છતાં રોગ મટતો નથી. જેમ કે, ચર્મરોગમાં મીઠું, દહીં, ગોળ વગેરે અપથ્ય છે.

અવસ્થા : અમુક અવસ્થામાં અમુક આહાર અપથ્ય બને છે. જેમ કે, સુવાવડમાં ખટાશ ખાવામાં આવે તો સોજા, તાવ કે સુવારોગ જેવા રોગો થાય છે.

માત્રા : કયું દ્રવ્ય કેટલું ખાવું કે કોની સાથે કેટલું મેળવવું એ ન જાણવાથી પણ રોગ જન્મે છે. જેમ કે, ગુરુ આહાર વધુ પ્રમાણમાં લેવાથી જઠરાગ્નિ મંદ થાય તેમ જ મધ સાથે સરખી જ માત્રામાં ઘી ખાવામાં આવે તો નુકસાન કરે.

સંસ્કાર : રાંધવાની પદ્ધતિઓથી ગુણપરિવર્તન થતું હોય છે. જેમ કે, તળેલો, બાફેલો અને શેકેલો આહાર ઉત્તરોત્તર હળવો હોય છે.

સ્વરૂપ : આહારના સ્વરૂપ પ્રમાણે ગુણમાં ફરક પડે છે. જેમ કે, પક્વ ફળો પથ્ય, તો કાચાં અપથ્ય છે.

જાત : એક જ દ્રવ્યની જાત પ્રમાણે ગુણમાં તફાવત હોય છે. જેમ કે, દૂધમાં ગાયનું અને બકરીનું દૂધ હળવું, ભેંસનું ભારે, ગાયનું સારક, તો બકરીનું ગ્રાહી.

અસાત્મ્યતા : કેટલીક વ્યક્તિને અમુક આહારદ્રવ્યો અસાત્મ્ય (પ્રતિકૂળ) હોવાથી માફક આવતાં નથી. જેમ કે, દૂધ, ડુંગળી, લસણ વગેરે જોતાં જ ઊલટી, ઊબકા કે અણગમો થાય; ખાવામાં આવે તો ઍલર્જી થાય.

વિરુદ્ધ આહાર : કેટલાંક દ્રવ્યોના સંયોજનથી કે પાચનમાં સંમિશ્રણથી અમુક રોગો ઉદભવે છે. જેમ કે દૂધ સાથે ખટાશ, ફળો, લસણ, ડુંગળી વગેરે ખાવામાં આવે તો કોઢ, ચામડીના રોગો, શીળસ વગેરે થાય છે.

મિતાહાર : વધુ યા ઓછો આહાર રોગકારક છે. માપસર આહાર લેવો જોઈએ.

પથ્યાહાર : સદાપથ્ય આહારની યાદીમાં ઘઉં, મગ, ચોખા, પરવળ, આમળાં, ગાયનાં ઘી-દૂધ વગેરે હોવાથી સ્વસ્થ વ્યક્તિ તેનું નિત્ય સેવન કરે તો આરોગ્ય જળવાઈ રહે.

પાચન : આહારનું સમ્યક્ પાચન થાય તો જ પોષણ મળે. આહાર પોષક હોય છતાં ન પચે તો રોગકારક બને.

ઔષધ રૂપે : કેટલાંક આહારદ્રવ્યોનો ઔષધ રૂપે ઉપયોગ કરી શકાય. જેમ કે, છાશ સંગ્રહણીને, લીંબુ કૉલેરાને તો સૂરણ મસાને મટાડે છે.

શોભન વસાણી