આસ્વાન : ઇજિપ્તની નૈઋત્યમાં કેરોથી 700 કિમી. દૂર આવેલો પ્રદેશ. મુખ્ય શહેરનું નામ આસ્વાન, જે નાઇલ નદીના પૂર્વકાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : તે 240 05´ ઉ. અ. અને 320 53´ પૂ. રે. આજુબાજુનો 678.5 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ શહેર સમુદ્રની સપાટીથી 194 મી. પર સ્થિત છે. એનું સેસાશ તાપમાન 370 સે. રહે છે.
2020ની વસ્તીગણતરી મુજબ શહેરની વસ્તી આશરે 15,70,000 જેટલી હતી. આ શહેરથી દક્ષિણે 13 કિમી. દૂર નાઈલ નદી ઉપર ભારાશ્રિત આસ્વાન બંધ બાંધવામાં આવેલો છે
બંધની ઊંચાઈ 111 મીટર અને લંબાઈ 3.26 કિમી. છે. આ બંધથી બનતા સરોવરને તે સમયના ઇજિપ્તના વડા નાસરના નામ પરથી ‘નાસર સરોવર’ કહે છે. તેની પહોળાઈ 9.6 કિમી. અને લંબાઈ 499 કિમી. છે. આસ્વાન બંધ વિશ્વના મોટા બંધોમાંનો એક ગણાય છે. બંધને પૂરો કરતાં 10 વર્ષ જેટલો સમય થયો હતો અને સરોવર બનતાં વચ્ચે ડૂબમાં જતા પુરાતન કાળના પિરામિડો વગેરેને જાળવી રાખવામાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ફાળો આપ્યો હતો.
આ બંધ 3.6 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રદેશમાં ડાંગરનું ઉત્પાદન બમણું થયું છે, જે દેશને હૂંડિયામણ કમાવી આપે છે. બંધ દ્વારા 21 લાખ કિવૉ. જેટલી વીજળી ઉત્પન્ન થાય છે, જેનાથી અર્ધા ઇજિપ્તને વીજળી મળે છે. આ બંધના કારણે નાઇલ નદીના પૂરની સાથે આવતો ફળદ્રૂપ કાંપ નહિ મળવાથી જમીનની ફળદ્રૂપતાને માઠી અસર થઈ છે તેમજ ભૂમધ્ય સમુદ્રમાં નદીના પાણીનું પ્રમાણ ઘટતાં મત્સ્યોદ્યોગને હાનિ પહોંચી છે.
હેમન્તકુમાર શાહ