આસ્ફાલ્ટ : કુદરતમાં ખનિજ રૂપે મળી આવતું કાળા અથવા ભૂખરા રંગનું ઘટ્ટ, પ્રવાહીરૂપ, લચકારૂપ કે ઘનરૂપ હાઇડ્રોકાર્બન પદાર્થોનું વિશિષ્ટ મિશ્રણ. મૂળ હાઇડ્રોકાર્બનરૂપ પદાર્થોને બિટ્યૂમેન તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થોમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન, ઑક્સિજન અને સલ્ફરયુક્ત સંયોજનો પણ હોય છે. પ્રાચીન કાળમાં પણ આસ્ફાલ્ટ જેવા પદાર્થો વપરાશમાં હોવાની સાબિતી મળે છે. ઇજિપ્તમાં મૃત શરીરોની સાચવણીમાં અને મોહેં-જો-ડેરોમાં જળાશયોના બાંધકામમાં ઈંટોને જોડવા માટે આસ્ફાલ્ટ વપરાયાની સાબિતી છે. મહાભારતમાં ઉલ્લેખ થયેલ લાક્ષાગૃહના નિર્માણમાં તથા બાઇબલની દંતકથામાં નોહાએ નાવનાં છિદ્રો પૂરવા વાપરેલો પદાર્થ આસ્ફાલ્ટ હોઈ શકે.

કુદરતમાં મળતો આસ્ફાલ્ટ બે પ્રકારનો છે : (1) સરોવરનો આસ્ફાલ્ટ. પ્રવાહી-ઘન આસ્ફાલ્ટનાં સરોવરો અસ્તિત્વમાં છે. પૃથ્વીના પેટાળમાંથી નીકળતા પેટ્રોલિયમ પદાર્થમાંના બાષ્પીય ઘટકો ઊડી જતાં આસ્ફાલ્ટ અવશેષ તરીકે રહે છે. ટ્રિનિડાડ (47 હેક્ટર, 45 મી. ઊંડાઈ, 38 % બિટ્યૂમેન, 33 % ખનિજ દ્રવ્યો, 34 % પાણી) અને વનેઝુએલા(405 હેક્ટર, 2 મી. ઊંડાઈ, 64 % બિટ્યૂમેન, 2 % ખનિજદ્રવ્યો, 34 % પાણી)નાં સરોવરો પ્રખ્યાત છે. (2) ખડક આસ્ફાલ્ટ. આ આસ્ફાલ્ટાઇટ તરીકે ઓળખાય છે. રેતી કે ચૂનાના ખડકમાં 5 ટકાથી 25 ટકા આસ્ફાલ્ટ ઘનરૂપમાં મળે છે. ઘન આસ્ફાલ્ટ ચળકતા કાળા ટુકડા (blocks) રૂપે અથવા શિરા રૂપે હોય છે. વિ. ઘ. 1.25, ગ.બિ. 95  2240 સે. આસ્કાલ્ટાઇટને 3 મુખ્ય સમૂહમાં વહેંચી શકાય : ગિલ્સોનાઇટ, ગ્લાન્સ પીચ અને ગ્રેહામાઇટ. તે કાર્બન-ડાયસલ્ફાઇડમાં આસ્ફાલ્ટ કરતાં વધુ (લગભગ સંપૂર્ણ) દ્રાવ્ય હોય છે. તેમાં ખનિજ દ્રવ્ય ઓછું હોય છે. તે બેન્ઝિનમાં લગભગ પૂર્ણપણે દ્રાવ્ય, પણ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તેમને વિશિષ્ટ ઘનતા અને મૃદુલન બિંદુના તફાવતથી જ અલગ પાડી શકાય છે. (અ) ગિલ્સોનાઇટ : કાળો, તેજસ્વી ચમકવાળો, લાલાશ પડતા કથ્થાઈ રંગયુક્ત ઝાંયવાળો અને વલયાકાર ભંગ સપાટીવાળો. (આ) ગ્લાન્સ પીચ : બાર્બાડૉસમાંથી મળી આવતા ગ્લાન્સ પીચને મનજાક (manjak) પણ કહેવામાં આવે છે. બીજો પ્રકાર જે હૈતી, ક્યૂબા, મેક્સિકો વગેરેમાં મળી આવે છે તેમાં 27 % ખનિજ અને 7.4 % ગંધક હોય છે. તે લૅકર્સ બનાવવામાં વપરાય છે. (ઇ) ગ્રેહામાઇટ : (આલ્બર્ટાઇટ સાથે સરખાવી શકાય). કાળો, ચમકવાળો, વલયાકાર ભંગસપાટીવાળો, 1.15 વિ. ઘનતાવાળો પણ બરડ. કાર્બનડાયસલ્ફાઇડ અને ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય છે, પરંતુ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. તે શિરાઓમાં મળી આવે છે.

આ ઉપરાંત આલ્બર્ટાઇટ, ઇલેટરાઇટ, ઇમ્પસોનાઇટ, નિગ્રાઇટ, વુર્ટ્લિલાઇટ, આસ્ફાલ્ટાઇટમાં વેનેડિયમ સારા પ્રમાણમાં હોય છે. આસ્ફાલ્ટાઇટમાંના પદાર્થોનો અણુભાર 400થી 5,000 જેટલો હોય છે. તેમાં ઍરોમૅટિક અને નેપ્થેનિક પદાર્થો મુખ્યત્વે હોય છે.

આસ્ફાલ્ટ ખનિજ તેલના શુદ્ધીકરણમાં ગૌણ પેદાશ તરીકે મોટા પ્રમાણમાં મેળવવામાં આવે છે. આને બાષ્પ તથા ગરમ હવા વડે સંસ્કારિત કરીને જરૂરી ગુણવાળો પદાર્થ મેળવાય છે.

આસ્ફાલ્ટ પિગાળીને ક્રેસોલ કે હાઇડ્રોકાર્બનમાં ઓગાળીને અને પાયસ (emulsion) રૂપે ઉપયોગમાં લેવાય છે. રસ્તાઓની સપાટી, નહેર અને જળાશયોમાં અસ્તર કરવા, બંદરી કામકાજમાં, છાપરા કે ધાબામાંથી પાણીને ગળતું અટકાવવામાં, જળઅભેદ્ય (waterproof) કાગળ, ટાઇલ્સ, વિદ્યુતઉદ્યોગમાં અવાહક (insulator) તરીકે, વીજળીના દોરડાના તથા પાઇપના રક્ષણ માટે અને કાળા પેઇન્ટની બનાવટમાં આસ્ફાલ્ટ મોટા પ્રમાણમાં વપરાય છે.

આસ્ફાલ્ટ, બિટ્યૂમેન અને પીચ વગેરે શબ્દો સામાન્ય વપરાશમાં એકબીજાના પર્યાય રૂપે વપરાય છે. ગુજરાતીમાં તેમને માટે ‘ડામર’ શબ્દ છે. ખનિજ કોલસાના નિસ્યંદનમાં કોલટાર અને કાષ્ઠના નિસ્યંદનમાં ‘વુડ ટાર’ જાડા રગડા રૂપે મળે છે, જેનું નિસ્યંદન કરતાં અવશેષ રૂપે મળતા આસ્ફાલ્ટ જેવા પદાર્થને ‘પીચ’ કહે છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા

પ્રવીણસાગર સત્યપંથી