આસ્તીક : એક પૌરાણિક પાત્ર. ભૃગુકાળના જરત્કારુ ઋષિ અને નાગરાજ વાસુકિની બહેન જરત્કારુના પુત્ર. એનાં માતા અને પિતાનાં નામ સમાન છે. જરત્કારુ સગર્ભા હતી ત્યારે પતિ વનમાં ચાલ્યા ગયા. વનમાં જતા પતિને પત્નીએ પુત્રપ્રાપ્તિ માટે પૂછતાં તેમણે ‘અસ્તિ’ (તે છે) એમ કહ્યું હતું તેથી તેનું નામ આસ્તીક પાડ્યું.
મામા વાસુકિને ત્યાં આસ્તીકનું પાલનપોષણ થયું. એણે ચ્યવન ભાર્ગવ પાસે સાંગ વેદાધ્યયન કર્યું. એ શ્રેષ્ઠ વેદવેત્તા અને જ્ઞાનવૃદ્ધોથી સંમાનિત થયો.
રાજા પરીક્ષિતનું મૃત્યુ તક્ષક નાગના દંશથી થયેલું. આ બીના તેના પુત્ર રાજા જનમેજયને મંત્રીઓ પાસેથી જાણવા મળી એટલે જનમેજયે ક્રોધે ભરાઈને સર્પસત્ર કર્યું. તમામ સર્પોનો નાશ કરવાનો નિર્ણય કર્યો. યજ્ઞ દીક્ષા લીધી એ સમયે લોહિતાક્ષ નામના વાસ્તુવિદ્યાવિશારદ સ્થપતિએ કહ્યું : ‘જે દેશકાળમાં યજ્ઞમંડપનું નિર્માણ થયું છે તે જોતાં આ યજ્ઞ કોઈ બ્રાહ્મણ બંધ રખાવશે.’
અહીં રાજાએ સર્પસત્રનો પ્રારંભ કર્યો. સર્પોનો ઘોર સંહાર શરૂ થયો. ગભરાયેલા વાસુકિએ બહેન જરત્કારુને વિનંતી કરી : ‘બહેન, જે હેતુ માટે મેં તને જરત્કારુ ઋષિ સાથે પરણાવી હતી તે સિદ્ધ કરવાનો સમય આવી પહોંચ્યો છે. તું અમને બચાવ, અગાઉ બ્રહ્માજીએ મને કહેલું કે જરત્કારુનો પુત્ર આસ્તીક આ યજ્ઞને રોકશે, માટે અમારા છુટકારા માટે તું તારા વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ પુત્રને કહે.’
માતાએ આસ્તીકને મોસાળિયાનું રક્ષણ કરવાની આજ્ઞા કરી. માતૃભક્ત આસ્તીક જનમેજયના યજ્ઞમંડપમાં ગયો. ત્યાં એણે મેધા અને મીઠી વાણીથી રાજાનું મન હરી લીધું. રાજાએ તેને વરદાન માગવા કહ્યું.
આ તરફ ગભરાયેલો તક્ષક નાગ ઇન્દ્રના શરણે ગયો. ઋત્વિજોએ યજ્ઞમાં તક્ષકનું આવાહન કર્યું, પણ તે ઇન્દ્રના રક્ષણમાં હોઈ ન આવ્યો. તેથી રાજાજ્ઞા થતાં ઋત્વિજોએ ‘ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા’ અને ઇન્દ્ર સહિત તક્ષકનું આવાહન કરતાં ઇન્દ્રે તક્ષકને ત્યજી દીધો. તક્ષક યજ્ઞકુંડ સમીપે આવી પહોંચ્યો. આ જ ખરી તક છે એમ સમજીને આસ્તીકે એમ કહીને જનમેજય પાસેથી સર્પયજ્ઞ રોકવાનું વરદાન માંગ્યું. રાજાએ આના બદલામાં અનેક કીમતી ચીજો આપવા કહ્યું, પણ આસ્તીકે તો માતૃકુળનું રક્ષણ કરવા સર્પયજ્ઞ બંધ કરવાનું જ માગ્યું. સર્પયજ્ઞ બંધ પડ્યો. રાજા પાસેથી સન્માન પામી આસ્તીક માતા અને મામા પાસે ગયો.
નાગો પ્રસન્ન થઈ ગયા. ભાણેજને વરદાન આપવા ઇચ્છ્યું. આસ્તીકે માગ્યું : ‘જે લોકો સવાર-સાંજ મારા આ ધર્માખ્યાનનો પાઠ કરે તેમને તમારો ભય ન થાય.’ નાગોએ કબૂલ્યું.
આસ્તીકના ચરિત્ર ઉપરથી મહાભારતનું એક પેટાપર્વ ‘આસ્તીક પર્વ’ નામે ઓળખાય છે.
ઉ. જ. સાંડેસરા