આસ્તિક-નાસ્તિક દર્શન

January, 2002

આસ્તિક-નાસ્તિક દર્શન : ઈશ્વર, પરલોક અને વેદનું પ્રામાણ્ય સ્વીકારતાં અને નહિ સ્વીકારતાં ભારતીય દર્શનો. પ્રચલિત માન્યતા અને પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ એ ત્રણ દર્શનો નાસ્તિક છે, જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને વેદાન્ત (ઉત્તર મીમાંસા) આ છ દર્શનો આસ્તિક છે.

સામાન્ય રીતે જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરને માનનારને આસ્તિક અને જે આવા ઈશ્વરને ન માને તે નાસ્તિક કહેવાય છે. પરંતુ અહીં ‘આસ્તિક’, ‘નાસ્તિક’ શબ્દોને આ અર્થમાં લઈ શકાય તેમ નથી, કારણ કે નાસ્તિક ગણાતાં જૈન, બૌદ્ધ અને ચાર્વાક દર્શનોની જેમ આસ્તિક ગણાતાં દર્શનોમાં પૂર્વમીમાંસા અને સાંખ્ય પણ નિરીશ્વરવાદી છે. શાંકર વેદાન્તનો બ્રહ્મવાદ પણ ઈશ્વરના સિદ્ધાન્તનો પોષક તો નથી જ. ન્યાય-વૈશેષિક દર્શનમાં કણાદ, ગૌતમ અને વાત્સ્યાયન જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરને સ્વીકારતા જણાતા નથી. યોગસૂત્રકાર પતંજલિ પણ નિત્યમુક્ત ઈશ્વરને માનતા હોય એમ લાગતું નથી. તેમના મતે સાધના કરી ક્લેશાદિથી રહિત બનેલો જીવન્-મુક્ત ઉપદેષ્ટા ગુરુ જ ઈશ્વર જણાય છે અને તે જ ઉપાસ્ય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વરને માનવા ન માનવાની દૃષ્ટિથી દર્શનોનો આસ્તિક-નાસ્તિક વિભાગ બનતો નથી.

પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં પરલોકની સત્તામાં શ્રદ્ધા રાખનાર પુરુષને આસ્તિક કહ્યો છે. જેને પરલોકમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. ‘આસ્તિક’-‘નાસ્તિક’ શબ્દોનો આવો અર્થ કરતાં જૈન અને બૌદ્ધ દર્શનોની ગણના આસ્તિક દર્શનોમાં થવા લાગે, કારણ કે આ દર્શનો પણ અન્ય દર્શનોની જેમ કર્મસિદ્ધાન્તમાં અને પરલોકની સત્તામાં શ્રદ્ધા ધરાવે છે. કેવળ ચાર્વાકદર્શનને જ પરલોકની સત્તામાં શ્રદ્ધા નથી, એટલે તે દૃષ્ટિએ એ જ એકમાત્ર નાસ્તિક દર્શન ઠરે.

તેથી ‘આસ્તિક’ શબ્દના ઉપર્યુક્ત બન્ને અર્થો છોડીને એક બીજો અર્થ કરવામાં આવ્યો. તે અનુસાર વેદના પ્રામાણ્યમાં શ્રદ્ધા રાખનાર તે આસ્તિક. એથી ઊલટું, વેદના પ્રામાણ્યમાં શ્રદ્ધા ન રાખે અને વેદની નિંદા કરે તે નાસ્તિક. મનુસ્મૃતિમાં મનુએ વેદનિંદકને નાસ્તિક ગણેલ છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને વેદાન્ત આ દૃષ્ટિએ આસ્તિક દર્શનો ગણાય, કારણ કે તે બધાં વેદને આદરપૂર્વક સ્વીકારે છે. પરંતુ ચાર્વાક, જૈન અને બૌદ્ધને વેદમાં શ્રદ્ધા નથી, એટલું જ નહિ, પણ તેઓ તો વેદપ્રામાણ્યનું ખંડન કરે છે અને વેદની નિંદા કરે છે એટલે તેમને નાસ્તિક દર્શનો કહેવામાં આવે છે.

નગીનભાઈ જીવણલાલ શાહ